થોડા મહિનાઓ પહેલાં સંપન્ન થયેલી લોકસભાની ચૂંટણી અને તાજેતરમાં પૂરી થયેલી જમ્મુ કાશ્મીર અને હરિયાણા વિધાનસભાઓની ચૂંટણીઓમાં એક બાબત સમાન રહી, અને તે એ કે આ ત્રણેય ચૂંટણીઓના પરિણામોની આગાહી કરવામાં લગભગ તમામ એક્ઝિટ પોલ્સ ખોટા પડ્યા. એક્ઝિટ પોલ્સની આ ઉપરાછાપરી નિષ્ફળતા પણ એક ચર્ચાનો વિષય બની છે, અને હવે ચૂંટણી પંચે પણ તેની નોંધ લીધી છે. મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે મંગળવારે જણાવ્યું હતું કે એક્ઝિટ પોલ વિચલિત કરી રહ્યા છે અને ભારપૂર્વક જણાવ્યું હતું કે પ્રેસ માટે આ એક મુદ્દો છે જેના પર વિચાર કરવો અને ચર્ચા કરવી જોઈએ. હરિયાણા વિધાનસભા અને લોકસભાની ચૂંટણીના પરિણામોની આગાહી કરવામાં એક્ઝિટ પોલની તાજેતરની નિષ્ફળતા પર પ્રતિક્રિયા આપતા તેમણે કહ્યું હતું કે, “એક્ઝિટ પોલ અને તેઓ જે અપેક્ષાઓ જન્માવે છે તેના કારણે મોટી મુશ્કેલી સર્જાઈ રહી છે.
આ પ્રેસ માટે પ્રતિબિંબિત કરવાની બાબત છે. છેલ્લી કેટલીક ચૂંટણીઓમાં, ખાસ કરીને ઈલેક્ટ્રોનિક મીડિયા પર, ઘણી વસ્તુઓ એક સાથે થઈ છે.” “પ્રથમ, એક્ઝિટ પોલ બહાર પાડવામાં આવે છે – અમે તેને નિયંત્રિત કરતા નથી… પરંતુ આત્મનિરીક્ષણની જરૂર છે, નમૂનાનું કદ શું હતું, સર્વે ક્યાં કરવામાં આવ્યો હતો, પરિણામ કેવી રીતે આવ્યું અને મારી જવાબદારી શું છે. જો હું તે પરિણામ સાથે મેળ ખાતો નથી, તો શું ત્યાં જાહેરાતો છે – આ બધાને જોવાની જરૂર છે,” એમ તેમણે કહ્યું હતું. રાજીવ કુમારની વાત બિલકુલ બરાબર છે, એક્ઝિટ પોલ્સ વાળાઓએ આત્મ નિરીક્ષણ કરવાની જરૂર છે.
ઝારખંડ અને મહારાષ્ટ્ર માટે ચૂંટણીના કાર્યક્રમની જાહેરાત કરતી વખતે, મુખ્ય ચૂંટણી કમિશનરે જણાવ્યું હતું કે મતગણતરી 8:30 વાગ્યે શરૂ થાય છે. જ્યારે ટ્રેન્ડ્સ ૮:૧૦ વાગ્યે જ આવવા માંડે છે, અને આ ટ્રેન્ડ્સ એક્ઝિટ પોલ્સના તારણો મુજબના હોય છે. આ શરૂઆતી ટ્રેન્ડ્સ એક્ઝિટ પોલ્સ વાળા કે તેમના મળતિયાઓ આપતા હોય છે. પછી ખરેખરા પરિણામો આવવા માંડે છે તો તે ઘણી વખત શરૂઆતી ટ્રેન્ડ્સ કરતા જુદા હોય છે. તેમણે પ્રશ્ન કર્યો કે શું પ્રારંભિક વલણોનો ઉપયોગ એક્ઝિટ પોલને યોગ્ય ઠેરવવા માટે કરવામાં આવી રહ્યો છે. “અમુક સંસ્થાઓ છે જે આનું સંચાલન કરે છે…મને ખાતરી છે કે સમય આવી ગયો છે કે એસોસિએશનો/સંસ્થાઓ કે જેઓ એક્ઝિટ પોલ્સનુ સંચાલન કરે છે, તેઓ સ્વ-નિયમન કરશે…ચૂંટણી પૂરી થયા પછી લગભગ ત્રીજા દિવસે મતગણતરી થાય છે.
સાંજે 6 વાગ્યાથી અપેક્ષાઓ વધે છે. …પરંતુ જાહેરમાં આનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી જ્યારે મતગણતરી શરૂ થાય છે ત્યારે સવારે 8.05 થી 8.10 વાગ્યે પરિણામ આવવાનું શરૂ થાય છે. આ બકવાસ છે, એક્ઝિટ પોલને યોગ્ય ઠેરવવા આ થાય છે?…અમે વેબસાઇટ પર સવારે 9.30 વાગ્યે પરિણામો મૂકવાનું શરૂ કરીએ છીએ…તેથી, જ્યારે વાસ્તવિક પરિણામો આવવાનું શરૂ થાય છે, ત્યારે એક મિસમેચ ક્યારેક ગંભીર સમસ્યાઓ તરફ દોરી શકે છે,” એમ તેમણે કહ્યું હતું .કુમારે વધુમાં જણાવ્યું હતું કે અપેક્ષાઓ અને સિદ્ધિઓ વચ્ચેનું અંતર નિરાશા તરફ દોરી જાય છે અને આ મુદ્દાની સાવચેતીપૂર્વક વિચારણાની જરૂર છે.
વાસ્તવમાં એક્ઝિટ પોલ્સની ખરેખર કોઈ જરૂર જ નથી. બીજા કે ત્રીજા દિવસે પરિણામો આવવાના જ હોય છે, પછી એક્ઝિટ પોલ્સની શું જરૂર છે? એક્ઝિટ પોલ્સ માત્ર ઉતેજના જગાડે છે, અપેક્ષાઓ જન્માવે છે, ખરેખરા પરિણામો એક્ઝિટ પોલ્સના તારણોથી વિપરીત આવે તો જેમની અપેક્ષા ભંગ થઇ છે તે વર્ગ હતાશ થાય છે. પછી આક્ષેપ બાજી અને વિવાદોનો દોર શરૂ થાય છે. મોટેભાગે કેટલાક મીડિયા ગૃહો જ એક્ઝિટ પોલ ચલાવતા હોય છે. જન કી બાત, ચાણક્ય, સિવોટર વગેરે નામો એક્ઝિટ પોલ્સને આપવામાં આવતા હોય છે. આનાથી મીડિયા ગૃહોને પબ્લિસિટી મળે છે, પણ આ પોલ્સ ખોટમાં ચાલતા હોય છે. એક એક્ઝિટ પોલના સંચાલકે જ હાલમાં એક ઇન્ટરવ્યૂમાં આ વાત કબૂલી હતી. એક્ઝિટ પોલ્સ જો ખોટા જ પડવાના હોય અને ગુંચવાડા જ ઉભા કરવાના હોય તો તેમને બંધ કરાવી દેવા જોઈએ.