Editorial

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પ્રચારનો ટૂંકો સમય ઉમેદવારોને પરસેવો પડાવશે

ગુજરાતની સ્થાપના થયા બાદ તા.5મી નવે.થી ફરી રાજ્યમાં નવી સરકારની રચના કરવા માટે રણશિંગું ફુંકવામાં આવશે. તા.5મી નવે.થી રાજ્યમાં પ્રથમ તબક્કાની દ.ગુ. અને સૌરાષ્ટ્ર-કચ્છની 89 બેઠક માટે જાહેરનામું બહાર પાડવામાં આવશે અને સાથે સાથે ઉમેદવારી ફોર્મ ભરવાનો પણ પ્રારંભ થશે. જ્યારે બીજા તબક્કાની 93 બેઠક માટે તા.10મી નવે.ના રોજ જાહેરનામું બહાર પાડીને ફોર્મ ભરવાથી માંડીને અન્ય પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. વિશ્વની સૌથી મોટી લોકશાહી ધરાવતા ભારત દેશમાં જે તે રાજ્યમાં થતી ચૂંટણીઓ પણ રસપ્રદ હોય છે.

રાજ્યની ચૂંટણીમાં જે તે રાજ્યના પ્રાદેશિક પક્ષોની સાથે રાજકીય પક્ષો દ્વારા રાજ્યના પ્રશ્નોને પ્રાથમિકતા આપીને ચૂંટણી લડવામાં આવે છે. આજ રીતે ગુજરાતમાં પણ ચૂંટણી લડાશે. ગુજરાતમાં વિધાનસભાની 182 બેઠક માટે બે તબક્કામાં ચૂંટણી થશે.પ્રથમ તબક્કામાં તા.1લી ડિસે.ના રોજ મતદાન કરાશે અને બીજા તબક્કામાં તા.5ઠ્ઠી ડિસે.ના રોજ મતદાન કરવામાં આવશે. જ્યારે મતગણતરી તા.8મી ડિસે.ના રોજ કરવામાં આવશે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી આ વખતે અનેક રીતે અનોખી બની રહેશે.

દર વખતે વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવારોને પ્રચાર માટે આપવામાં આવતો ગાળો ઘટતો રહ્યો છે. ભૂતકાળમાં ચૂંટણી પ્રચાર માટે 45 દિવસ આપવામાં આવતાં હતાં. તેને કારણે ઉમેદવારોને પ્રચાર માટે પૂરતો સમય મળી રહેતો હતો પરંતુ આ વખતે ગુજરાત વિધાનસભાની ચૂંટણીના ઈતિહાસમાં પ્રથમ વખત ઉમેદવારોને પ્રચાર માટે માત્ર 13 જ દિવસનો ગાળો મળશે. આમ તો જાહેરનામું બહાર પડ્યા બાદ ઉમેદવારોને 25 દિવસ મળશે પરંતુ ઉમેદવારી પત્રોની ચકાસણી બાદ ફાયનલ યાદી જાહેર થવાની સાથે મતદાનની વચ્ચે માત્ર 13 જ દિવસનો સમય રહેશે. જેને કારણે ઉમેદવારોને માટે આખા મતવિસ્તારમાં ફરી રહેવું ભારે મુશ્કેલ બની રહેશે.

દેશમાં ભાજપ એવો પક્ષ છે કે જેના રાજકીય કાર્યક્રમો બારે માસ ચાલતાં રહે છે. જ્યારે કોંગ્રેસ સહિતના પક્ષો એવા છે કે જે ચૂંટણી સમયે જ જાગે છે. આ કારણે પ્રચારના ઘટી રહેલા સમયથી સીધો ફાયદો ભાજપને થશે. જ્યારે કોંગ્રેસના ઉમેદવારોએ પ્રચારની ઝડપ વધારીને વધુને વધુ લોકો સુધી પહોંચવું પડશે. ગુજરાતમાં અત્યાર સુધીનો ઈતિહાસ છે કે ક્યારેય ત્રીજો પક્ષ ચૂંટણીમાં ફાવ્યો નથી. ભુતકાળમાં ચીમનભાઈ પટેલનો કિમલોપ કે પછી શંકરસિંહ વાઘેલાની રાજપાને આંગળીના વેઢે ગણી શકાય તેટલી જ બેઠકો મળી હતી.

જ્યારે પણ ચૂંટણી જંગ થયો છે ત્યારે સીધો જંગ ભાજપ અને કોંગ્રેસ અથવા કોંગ્રેસ અને જનતાદળ વચ્ચે જ ખેલાયો છે. સને 1990માં ભાજપ અને જનતાદળે ગઠબંધન કરીને કોંગ્રેસ સામે ચૂંટણી લડીને સત્તા મેળવી હતી. પરંતુ આ ગઠબંધન લાંબુ ચાલ્યું નહોતું. આ વખતે આપ પાર્ટી દ્વારા પણ ગુજરાતની ચૂંટણીમાં ઝંપલાવવામાં આવ્યું છે પરંતુ તે ફાવે તેવી સંભાવના ઘણી ઓછી છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના બેઠકો ઉત્તરોત્તર ઘટતી રહી છે પરંતુ આ વખતે જો આપ દ્વારા કોંગ્રેસના મતો કાપવામાં આવશે તો બની શકે છે કે ભાજપની બેઠકોમાં ગત વખત કરતાં વધારો થાય.

આ વખતની ચૂંટણીમાં ગત વખતની જેમ પાટીદાર અનામત આંદોલન જેવી કોઈ જ અસર નથી. કોઈ એવો મુદ્દો કે લહેર પણ નથી કે જે કોઈ એક પક્ષને ફાયદો કરાવી જાય. દિવસેને દિવસે ચૂંટણી પ્રચારની ઝાકમઝોળ પણ ઘટતી રહી છે. આ વખતે પણ વિધાનસભાની ચૂંટણીમાં એટલી ધામધૂમ જોવા મળે તેવી સંભાવના નથી. ગુજરાત આમ તો પહેલેથી જ સમૃદ્ધ રાજ્ય છે પરંતુ અન્ય બાબતોમાં અન્ય રાજ્યો કરતાં પાછળ છે. ગુજરાતીઓએ એવી સરકાર પસંદ કરવી પડશે કે જે ગુજરાતને ફાયદો કરાવે, નહીં તો ગુજરાતીઓએ ‘જાત મહેનત ઝીંદાબાદ’ જ સમજવું પડશે તે નક્કી છે.

Most Popular

To Top