અમેરિકાના મિનિયાપોલિસ શહેરની એક ચર્ચમાં ફાયરિંગની આઘાતજનક ઘટના બની છે. ગઈકાલે તા.27 ઓગસ્ટ 2025ના બુધવારે 23 વર્ષીય રોબિન વેસ્ટમેને એક ચર્ચમાં ચાલી રહેલા સ્કૂલ કાર્યક્રમ દરમિયાન અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. આ હુમલામાં બે બાળકોના મોત થયા અને કેટલાક લોકો ઘાયલ થયા હતા. આ બનાવથી આસપાસના વિસ્તારમાં ભયની સ્થિતિ સર્જાઈ છે.
આ ઘટનાની સૌથી ચોંકાવનારી બાબત એ હતી કે હુમલાખોરના હથિયારો પર ખતરનાક સૂત્રો લખાયેલા હતા. તેમાં “ડોનાલ્ડ ટ્રમ્પને મારી નાખો”, “ન્યુક ઇન્ડિયા”, “ઇઝરાયલનું પતન થવું જોઈએ” જેવા સૂત્રો લખેલા હતા. આ ઉપરાંત “તમારા ભગવાન ક્યાં છે?” અને “બાળકો માટે” જેવા શબ્દો પણ જોવા મળ્યા હતા. જોકે એમાં કેટલાક સૂત્રો સિરિલિક ભાષામાં પણ લખાયેલા હતા.
હુમલાખોર વિશે જાણવા મળ્યું છે કે તેણે રાઇફલ, શોટગન અને પિસ્તોલનો ઉપયોગ કર્યો હતો. ગોળીબાર કર્યા બાદ તે સ્કૂલના પાર્કિંગમાં મૃત હાલતમાં મળ્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર તેણે પોતાને પણ ગોળી માળી આત્મહત્યા કરી હતી. 2020માં વેસ્ટમેને પોતાનું નામ “રોબર્ટ”માંથી બદલીને “રોબિન” રાખ્યું હતું કારણ કે તે પોતાને મહિલા તરીકે ઓળખાવતો હતો.
આ હુમલા પહેલાં વેસ્ટમેને તેની યુટ્યુબ ચેનલ “રોબિન ડબલ્યુ” પર બે વીડિયો અપલોડ કર્યા હતા. પહેલો વીડિયો 10 મિનિટનો હતો જેમાં તેના હથિયારો, ગોળીઓ અને મેગેઝિનનો મોટો જથ્થો દેખાડ્યો હતો. આજ વિડિયોમાં બંદૂકો પર લખાયેલા સૂત્રો સ્પષ્ટ દેખાતા હતા. વીડિયોમાં તેણે એક નાનું હથિયાર લહેરાવતાં કહ્યું હતું કે “જો જરૂર પડશે તો આ મારા માટે છે.” સાથે જ પોતાના પરિવારને સંબોધતો એક પત્ર પણ બતાવ્યો હતો. જેમાં તેણે પોતાના કૃત્યો માટે માફી માંગી હતી.
બીજો વીડિયો લગભગ 20 મિનિટનો હતો. જેમાં બે જર્નલ બતાવવામાં આવ્યા હતા. પહેલું જર્નલ 150 પાનાનું હતું. જે સંપૂર્ણપણે સિરિલિક લિપિમાં લખાયેલું હતું. બીજું 60 પાનાનું હતું. જેમાં છેલ્લી એન્ટ્રી તા.21 ઓગસ્ટ 2025ની હતી. આ જર્નલ્સમાં શું લખાયું છે અને તેનું સાચું કારણ શું હતું તે હજી સ્પષ્ટ નથી પરંતુ તે હુમલાખોરની માનસિક સ્થિતિ તરફ સંકેત આપે છે.
પોલીસે તપાસમાં જાણવા મળ્યું છે કે બધા હથિયારો તેણે કાયદેસર રીતે ખરીદ્યા હતા અને તેનો કોઈ ક્રિમિનલ રેકોર્ડ નહોતો. આ હુમલો તેણે એકલાએ જ કર્યો હતો. અમેરિકામાં આ વર્ષે સ્કૂલમાં ગોળીબારની આ 146મી ઘટના છે. જે ત્યાંની ગન-વાયોલન્સની ગંભીર પરિસ્થિતિ દર્શાવે છે.

યુએસ હોમલેન્ડ સિક્યુરિટી સેક્રેટરી ક્રિસ્ટી નોએમે આ વિડિયોની સત્યતાની પુષ્ટિ કરી છે અને હુમલાખોરના સૂત્રોને “બીમાર માનસિકતા”નો પુરાવો ગણાવ્યો છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દેશભરમાં શોક વ્યક્ત કરતાં ધ્વજ અડધી કાઠીએ લહેરાવવાનો આદેશ આપ્યો છે.