અમેરિકાના રોડ આઇલેન્ડ રાજ્યમાં આવેલી પ્રતિષ્ઠિત બ્રાઉન યુનિવર્સિટીમાં ગઈ કાલે 13 ડિસેમ્બર શનિવારે ભયાનક ગોળીબારની ઘટના બની હતી. ફાઇનલ પરીક્ષાઓ ચાલી રહી હતી તે દરમિયાન એક અજાણ્યા શખ્સે યુનિવર્સિટીની એન્જિનિયરિંગ બિલ્ડિંગમાં અંધાધૂંધ ફાયરિંગ કર્યું હતું. આ ઘટનામાં બે લોકોના મોત થયા છે. જ્યારે અન્ય આઠ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.
આ ગોળીબાર યુનિવર્સિટીની સ્કૂલ ઓફ એન્જિનિયરિંગ અને ફિઝિક્સ વિભાગ સાથે જોડાયેલી બારુસ એન્ડ હોલી બિલ્ડિંગમાં થયો હતો. તે સમયે બિલ્ડિંગમાં એન્જિનિયરિંગ ડિઝાઇનની અંતિમ પરીક્ષા ચાલી રહી હતી. અચાનક ગોળીઓના અવાજથી કેમ્પસમાં અફરાતફરી મચી ગઈ હતી. યુનિવર્સિટી પ્રશાસને તાત્કાલિક ‘એક્ટિવ શૂટર એલર્ટ’ જાહેર કરી વિદ્યાર્થીઓ અને સ્ટાફને દરવાજા બંધ કરી સુરક્ષિત સ્થળે છુપાઈ જવાની સૂચના આપી હતી.

પ્રોવિડન્સ પોલીસના ડેપ્યુટી ચીફ ટિમોથી ઓ’હારાએ જણાવ્યું કે હુમલાખોર કાળા કપડાં પહેરેલો પુરુષ હતો અને તે હોપ સ્ટ્રીટ તરફ ભાગી ગયો હતો. ઘટનાના ઘણા કલાકો બાદ પણ પોલીસ અને સુરક્ષા એજન્સીઓ કેમ્પસની તમામ ઇમારતોની તલાશી લઈ રહી હતી. આસપાસના વિસ્તારોમાં પણ કડક સુરક્ષા ગોઠવવામાં આવી હતી.
પ્રોવિડન્સના મેયર બ્રેટ સ્માઇલીએ જણાવ્યું કે તમામ ઈજાગ્રસ્તોને રોડ આઇલેન્ડ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને તેમની હાલત ગંભીર પરંતુ સ્થિર છે. ઘટનાની ગંભીરતા જોતા કેમ્પસ અને આસપાસના વિસ્તારમાં ‘શેલ્ટર-ઇન-પ્લેસ’ જાહેર કરવામાં આવ્યું છે. ફેડરલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (FBI) પણ તપાસમાં જોડાઈ છે.
ઘટનાના સમયે હાજર વિદ્યાર્થીઓએ જણાવ્યું કે સાયરન અને એલર્ટ મળતાં જ તેઓ ગભરાઈ ગયા હતા અને ડેસ્ક નીચે છુપાઈ ગયા હતા. પરીક્ષાના સમયે આવી ઘટના બનવી અત્યંત ભયાનક હોવાનું યુનિવર્સિટી પ્રશાસને જણાવ્યું છે.
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સે પણ આ ઘટનાને લઈ દુઃખ વ્યક્ત કર્યું છે અને પીડિતો માટે પ્રાર્થના કરી છે.