બુડાપેસ્ટ : અહીં ચાલી રહેલી વર્લ્ડ એક્વાટિક્સ ચેમ્પિયનશિપ (World Aquatics Championships) દરમિયાન સોલો ફ્રી ફાઇનલમાં (Solo Free Final) અમેરિકન સ્વીમર અનીતા અલ્વારેઝ સ્વીમીંગ દરમિયાન પુલમાં જ અચાનક બેહોશ (Unconscious) થઇને ડુબવા માંડી હતી, તે પુલના તળીયે પહોંચી ગઇ હતી, જો કે અનીતાની કોચ એન્ડ્રિયા ફુએન્ટેસે સમય સૂચકતા દાખવીને પુલમાં છલાંગ લગાવીને તેને બચાવી લીધી હતી. આ ઘટનાને પગલે આયોજન સ્થળે અફરાતફરી મચી ગઇ હતી અને અનીતાના સાથી સ્વીમરો આઘાતમાં (Shock) હતા, જો કે કોચે તેને બચાવી લેતા બધાએ રાહતનો શ્વાસ લીધો હતો. આશ્ચર્યજનક રીતે અનીતા સાથે એવું બીજીવાર બન્યું છે કે તે સ્પર્ધા દરમિયાન પુલમાં બેહોશ થઇ હોય, આ પહેલા તે બાર્સિલોનામાં ઓલિમ્પિક્સ ક્વોલિફાઇંગ ઇવેન્ટ દરમિયાન પણ પુલમાં બેહોશ થઇ હતી અને તે સમયે પણ ફુએન્ટ્સે જ તેની મદદ (Help) કરી હતી.
- અનીતા અલ્વારેઝે રૂટીન પૂર્ણ કર્યા પછી બહાર ન આવતા કોચ એન્ડ્રિયા ફુએન્ટ્સને કંઇ ખોટું થયાની આશંકા જતા તે પુલમાં છલાંગ લગાવીને તેને બહાર કાઢી લાવી
- અનીતા પુલમાં બેહોશ થઇ હોય તેવું બીજીવાર બન્યું, આ પહેલા બાર્સિલોનામાં ઓલિમ્પિક્સ ક્વોલિફાઇંગ ઇવેન્ટ દરમિયાન પણ તે આ રીતે બેહોશ થઇ હતી
અનીતાને પુલના તળીયેથી ઉપર લાવીને પછી બહાર કાઢીને પુલના મેડિકલ સેન્ટરમાં સ્ટ્રેચર પર લઇ જવાઇ હતી. અલ્વારેઝને બહાર લાવવામાં આવી ત્યારે તે શ્વાસ લેતી નહોતી તેથી ત્યાં ડરનો માહોલ છવાયો હતો. અમેરિકન સ્વીમીંગ ટીમે પછીથી એક નિવદન બહાર પાડીને કહ્યું હતું કે અલ્વારેઝની તબિયત સારી છે. કોચ ફુએન્ટ્સે સ્પેનિશ રેડિયોને કહ્યું હતું કે આ ઘટના ડરામણી હતી, જ્યારે અલ્વારેઝ રૂટીન પછી બહાર આવવાને સ્થાને નીચે પહોંચીને કોઇ પ્રતિક્રિયા આપતી ન જણાઇ ત્યારે મને લાગ્યું કે કંઇ ખોટું થયું છે, જ્યારે સ્વીમર રૂટીન પુરૂ કરે તે પછી પહેલું કામ તે બહાર આવીને શ્વાસ લે છે, જે અલ્વારેઝે કર્યું નહોતું. મેં લાઇફગાર્ડને બરાડા પાડીને કહ્યું પણ તેઓએ મારી વાત ન માની, તે શ્વાસ લેતી નહોતી અને હું અંદર કુદીને જાણે કે આ એક ઓલિમ્પિક્સ ફાઇનલ હોય તેમ ઝડપભેર તેની પાસે પહોંચી.