Sports

શોએબ અખ્તરે “નો હેન્ડશેક” વિવાદમાં ઝંપલાવ્યું, ભારત માટે આ શું કહ્યું…

એશિયા કપ 2025માં ભારતે પાકિસ્તાનને 7 વિકેટથી હરાવીને સતત બીજી જીત મેળવી હતી. સૂર્યકુમાર યાદવની આગેવાની હેઠળની ટીમ ઈન્ડિયાએ બોલિંગ અને બેટિંગ બંનેમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું.

પાકિસ્તાન 20 ઓવરમાં માત્ર 127 રન બનાવી શક્યું હતું. જ્યારે ભારતે તે લક્ષ્ય માત્ર 15.5 ઓવરમાં સરળતાથી હાંસલ કરી લીધું હતું. જોકે મેચ પછીનો માહોલ ગરમાઈ ગયો હતો. કારણ કે ભારતીય ખેલાડીઓએ પાકિસ્તાની ખેલાડીઓ સાથે હાથ ન મિલાવતાં ‘હેન્ડશેક કોન્ટ્રોવર્સી’ શરૂ થઈ હતી.

શોએબ અખ્તરની નારાજગી
આ વિવાદે બંને દેશોમાં ચર્ચા જગાવી દીધી છે. હવે ભૂતપૂર્વ પાકિસ્તાની ફાસ્ટ બોલર શોએબ અખ્તરે પણ આ મુદ્દે પોતાની પ્રતિક્રિયા આપી છે. એક પાકિસ્તાની ટીવી શોમાં વાત કરતા અખ્તરે કહ્યું:

“હું બોલવાની સ્થિતિમાં નથી. ખૂબ નિરાશાજનક છે. ભારતને જીત માટે સલામ પરંતુ તેને રાજકીય ન બનાવો. આ માત્ર એક ક્રિકેટ મેચ છે. અમે ભારત વિશે સારી વાતો કરી છે અમે ઘણું કહી શકીએ છીએ પણ આ રમત છે. હાથ મિલાવો અને તમારી મહાનતા બતાવો.”


શોએબ અખ્તરે સ્પષ્ટ કર્યું કે ક્રિકેટને રાજકીય એજન્ડા બનાવવો યોગ્ય નથી. તેમણે કહ્યું કે ઝઘડા ઘરમાં પણ થાય છે પરંતુ રમતની ભાવના જાળવી રાખવી જરૂરી છે.

પાકિસ્તાની કેપ્ટનને ટેકો
મેચ પછી પાકિસ્તાનના કેપ્ટન સલમાન અલી આગાએ પ્રેઝન્ટેશન સેરેમનીમાં હાજરી આપી ન હતી. આ મુદ્દે પણ અખ્તરે સલમાનને ટેકો આપ્યો. તેમણે કહ્યું કે “સલમાન અલી આગાએ યોગ્ય કર્યું. જો વિરોધી ટીમ સ્પોર્ટ્સમેનશિપ ન બતાવે તો તેમનો આ નિર્ણય ન્યાયસંગત છે.”

ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવ
હેન્ડશેક વિવાદ બાદ પાકિસ્તાની ટીમ મેનેજમેન્ટે પણ ભારતીય ખેલાડીઓના વર્તનને ‘રમતની ભાવના વિરુદ્ધ’ ગણાવ્યું છે. જ્યારે ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવે કહ્યું હતું કે ટીમનો નિર્ણય પહેલગામ આતંકવાદી હુમલાના પીડિતો પ્રત્યે એકતા દર્શાવવાનો હતો.

શોએબ અખ્તરના નિવેદનથી સ્પષ્ટ છે કે પાકિસ્તાનના પૂર્વ ખેલાડીઓ પણ ભારતના આ વર્તનથી નારાજ છે. હવે જોવું એ રહ્યું કે આવનારી IND vs PAK ટક્કરમાં બંને ટીમો વચ્ચેનું વાતાવરણ વધુ તણાવપૂર્ણ બને છે કે નહીં.

Most Popular

To Top