મહારાષ્ટ્ર: મહારાષ્ટ્ર(Maharashtra)માં આજે એકનાથ શિંદે(Eknath Shinde)ના મંત્રીમંડળનું વિસ્તરણ(Cabinet Expansion) કરવામાં આવ્યું છે. 18 ધારાસભ્યોને મંત્રીઓના શપથ(Oath) લેવડાવ્યા હતા. જેમાંથી 9 મંત્રીઓ ભાજપના અને 9 મંત્રીઓ એકનાથ શિંદે જૂથના છે. મહારાષ્ટ્રમાં ઉથલપાથલ બાદ 30 જૂને એકનાથ શિંદેએ સીએમ અને દેવેન્દ્ર ફડણવીસે ડેપ્યુટી સીએમ તરીકે શપથ લીધા હતા. જો કે આ પછી કેબિનેટનું આ પ્રથમ વિસ્તરણ છે. આ દરમિયાન સીએમ શિંદે, ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસ અને એનસીપી નેતા અજિત પવાર પણ રાજભવનમાં હાજર હતા.
શપથ લેનારા 18 મંત્રીઓ
રાધાકૃષ્ણ વિખે પાટીલ, સુધીર મુનગંટીવાર, ચંદ્રકાંત પાટીલ, વિજય કુમાર ગાવિત, ગિરીશ મહાજન, ગુલાબરાવ પાટીલ, દાદા ભુસે, સંજય રાઠોડ, સુરેશ ખાડે, સંદીપન ભુમરે, ઉદય સામંત, તાનાજી સાવંત, રવીન્દ્ર ચૌહાણ, અબ્દુલ સત્તર. દીપક કેસરકર, અતુલ સેવ, શંભુરાજ દેસાઈ, મંગલ પ્રભાત લોઢા.
શિંદે કેબિનેટમાં એક પણ મહિલાઓને સ્થાન નહી
એકનાથ શિંદે સરકારના કેબિનેટ વિસ્તારમાં સૌથી મહત્વની વાત એ છે કે કોઈ પણ મહિલા નેતાને મંત્રી બનવાની તક મળી નથી. આ વિસ્તરણ સાથે મહારાષ્ટ્ર મંત્રી પરિષદના સભ્યોની સંખ્યા વધીને 20 થઈ છે. હાલ જો કે કયા નેતાને કયો વિભાગ ફાળવવામાં આવશે તે સ્પષ્ટ નથી. પરંતુ ચર્ચા છે કે ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસને ગૃહ મંત્રાલય મળી શકે છે. આ ઉપરાંત અનેક મહત્વના મંત્રાલય ભાજપના ફાળે જઈ શકે છે. શપથ ગ્રહણ પહેલા ફડણવીસ સાથે ભાજપના ધારાસભ્યોની બેઠક થઈ હતી. આ ઉપરાંત એકનાથ શિંદે જૂથની પણ બેઠક થઈ હતી.
એક નિર્ણયનાં કારણે થયો વિલંબ
સરકાર બન્યાના 35 દિવસ પછી થઈ રહેલું આ કેબિનેટ વિસ્તરણ જો બળવાખોર ધારાસભ્યોના સભ્યપદ અંગેનો નિર્ણય સમયસર આવી ગયો હોત તો આ કામ ઘણું વહેલું થઈ શક્યું હોત. પરંતુ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે વારંવાર દલીલ કરી રહ્યા છે કે આ કેબિનેટ વિસ્તરણમાં વિલંબથી સરકારના સંચાલન પર કોઈ અસર થતી નથી. હજુ પણ રાજ્યના વિકાસને પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે અને લોકોની સેવા કરવા પર તમામ ભાર મૂકવામાં આવી રહ્યો છે.
શિવસેનાના અધિકારો માટે જંગ
આ કેબિનેટ વિસ્તરણ સિવાય હવે શિવસેના કોની હશે, આ લડાઈ પર વેગ પકડશે. સોમવારે શિંદે અને ઉદ્ધવ જૂથે ચૂંટણી પંચમાં કેટલાક મહત્વપૂર્ણ દસ્તાવેજો જમા કરાવવાના હતા. પરંતુ અત્યાર સુધી શિંદે જુથે જ માત્ર દસ્તાવેજો જમાં કરાવ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, શિવસેનાના શિંદે જૂથે એફિડેવિટ સાથે જોડાયેલા દસ્તાવેજો સાથે સ્થાનિક સંસ્થાઓના ધારાસભ્યો, સાંસદો, કાઉન્સિલરોની યાદી તેમજ પાર્ટીનાં કેન્દ્ર, રાજ્ય અને સ્થાનિક એકમોમાં તેમના સમર્થકોના દાવાની યાદી રજૂ કરી છે.