Entertainment

શિલ્પા શેટ્ટીએ ‘નિકમ્મા’ જેવી ફિલ્મો કરવી પડે છે!

શિલ્પા શેટ્ટીની બીજી ફિલ્મ ‘નિકમ્મા’ એ પણ નિરાશ કર્યા છે. શિલ્પાના 14 વર્ષ પછી પુનરાગમનની પહેલી ફિલ્મ ‘હંગામા – 2’ના નિર્દેશક પ્રિયદર્શન હોવા છતાં કોઇ હંગામો મચાવી શકી ન હતી. હવે ‘નિકમ્મા’ને વીકએન્ડમાં માત્ર રૂ. 1.51 કરોડ જ મળ્યા છે. અસલમાં શિલ્પાએ કમબેક માટે ‘નિકમ્મા’ જ પસંદ કરી હતી પરંતુ નિર્માતા રતન જૈનની ‘બાજીગર’થી કારકિર્દી બની હોવાથી ‘હંગામા – 2’ માટે તેમને ના કહી શકી ન હતી. એ વાતનો તાજેતરમાં ખુલાસો કર્યા પછી શિલ્પાએ એમ પણ કહ્યું છે કે ફિલ્મ જ્યારે OTT પર રજૂ થઇ અને મેં જોઇ ત્યારે ખ્યાલ આવ્યો કે મારી આવી ભૂમિકા ન હતી! ‘નિકમ્મા’માં શિલ્પા હજુ એવી જ સુંદર દેખાય છે. તેણે અભિમન્યુની ‘ભાભી’ની ભૂમિકાને ભજવવાનો પ્રયત્ન માત્ર કર્યો છે. તે હજુ વધુ સારી રીતે ભૂમિકાને ભજવી શકી હોત પરંતુ રિયાલિટી શોમાં જજ તરીકે જેટલો ઉત્સાહ બતાવે છે એટલો આ ભૂમિકા ભજવવામાં બતાવ્યો નથી. તેણે ફિલ્મોમાં ફરી સ્થાન બનાવવાનો પ્રયત્ન છોડી દેવો જોઇએ એવો મત દર્શકોએ જજ બનીને વ્યક્ત કર્યો છે. તેલુગુ સ્ટાર નાનીની ફિલ્મ ‘મિડલ ક્લાસ અબ્બાઇ’ ની આ રીમેક હોવાથી થોડી આશા રાખવામાં આવી હતી પરંતુ ઢંગ વગરનું નિર્દેશન અને સારા કલાકારોના અભાવમાં અઢી કલાકની ફિલ્મ દર્શક માટે મનોરંજનના મામલે નિકમ્મી જ સાબિત થઇ છે.

દક્ષિણની ફિલ્મોની સફળતાને વટાવવા એની હિન્દીમાં રીમેક બનાવવાના ચક્કરમાં બોલિવૂડના નિર્માતાઓ દર્શકોને ઠગી રહ્યા છે. ‘હંગામા – 2’નો પહેલો ભાગ કદાચ સહન થઇ શકે છે પણ બીજો મુશ્કેલ છે. થિયેટરમાં ‘નિકમ્મા’ જોવા કરતાં યુટ્યુબ પર અસલ ફિલ્મનું હિન્દીમાં ડબ થયેલું વર્શન વધુ સારું ગણાયું છે. ‘હીરોપંતી’ અને ‘બાગી’ના નિર્દેશક શબ્બીર ખાન અભિમન્યુ પાસે ટાઇગર જેવી અપેક્ષા રાખતા હતા અને એક્શન – કોમેડી ફિલ્મ તરીકે ‘નિકમ્મા’નો પ્રચાર કરવામાં આવ્યો હતો. એમાં સમ ખાવા પૂરતું કોમેડીનું એક દ્રશ્ય નથી.

અભિનેત્રી ભાગ્યશ્રીના પુત્ર અભિમન્યુ દાસાનીએ પહેલી ફિલ્મ ‘મર્દ કો કભી દર્દ નહીં હોતા’માં એકશન સાથે અભિનયમાં સારી છાપ છોડી હતી. ‘નિકમ્મા’માં તે એક્શન સિવાય પ્રભાવિત કરી શક્યો નથી. દરેક દ્રશ્યમાં સંવાદો બોલતી વખતે પણ ઓવર એક્ટિંગ કરતો લાગે છે. તેની ભૂમિકા માની ના શકાય એવા સુપરહીરો જેવી રાખવામાં આવી છે. તે 10 ગુંડાઓને ઉછાળીને મારે છે. દમ વગરની વાર્તામાં એની ભૂમિકા કેવી રીતે લખવામાં આવી છે એ જ સમજાતું નથી. ફિલ્મમાં અભિમન્યુ એક દ્રશ્યમાં કહે છે કે ‘ફ્રાઇ ડે ફિલ્મેં દેખેંગે ફિલ્મેં’ પણ એને પ્રશ્ન કરવો જોઇએ કે આવી ‘નિકમ્મા’ જેવી કોણ જોવાનું હતું? અભિમન્યુની હીરોઇન તરીકે શર્લી સારી લાગે છે.

તેણે હજુ અભિનયમાં ઘણું શીખવું પડશે. ફિલ્મમાં તે ઘણા સમય સુધી ગાયબ થઇ જતી હોવાથી એ ભૂલી જવાય છે કે એની કોઇ ભૂમિકા છે! શર્લીની ભૂમિકા એટલી બિનજરૂરી લાગે છે કે તે આ ફિલ્મમાં ના હોત તો પણ કોઇ ફરક પડ્યો ન હોત. શર્લી અને અભિમન્યુના રોમાન્સનો એક ટ્રેક છે પણ ગીત – સંગીત યાદ રહી શકે એવું નથી. ‘બચ્ચન પાંડે’ પછી ફરીથી વિલન તરીકે અભિમન્યુ સિંહ નબળી ભૂમિકામાં પણ જમાવટ કરવાનો પ્રયત્ન કરે છે. ‘નિકમ્મા’ને OTT પર રજૂ કરવામાં આવી હોત તો નિર્માતાને વધારે ફાયદો થયો હોત. કંગનાની ‘ધાકડ’ માટે એવી જ સલાહ આપવામાં આવી હતી. હોલિવુડની સ્ટાઇલની એક્શન ફિલ્મ ‘ધાકડ’ કાર્તિક આર્યનની ‘ભુલ ભુલૈયા – 2’ સામે ટકી શકી ન હતી.

‘ભુલ ભુલૈયા – 2’ હજુ પણ રોજ રૂ. 1 કરોડ કમાઇ રહી છે. ‘ધાકડ’ થિયેટરોમાં ફ્લોપ રહ્યા પછી OTT પર એને રજૂ કરવાનું મુશ્કેલ બની રહ્યું હતું. આમ તો દર બીજી ફિલ્મ બોક્સ ઓફિસ પર પીટાતી રહે છે પણ કંગનાની ‘ધાકડ’ આ વર્ષે બોલિવુડના કોઇ સ્ટારની એવી ફિલ્મ બની રહી, જેની મલ્ટિપ્લેક્સથી લઇ સિંગલ સ્ક્રીન સુધી ખરાબ હાલત થઇ હોય. હવે 1 જુલાઇએ ‘Zee – 5’ પર રજૂ કરી દેવામાં આવશે. ‘ધાકડ’ની સાથે કંગનાની કારર્કિદીનો ગ્રાફ વધુ એક વખત નીચે ગયો છે. કંગનાના સ્ટારડમની ચમક ઝાંખી પડી રહી છે કેમ કે 2015ની ‘તનુ વેડ્સ મનુ’ પછી કંગના કોઇ મોટી હિટ આપી શકી નથી. તે ફિલ્મ પસંદ કરવામાં સતત થાપ ખાઇ રહી છે.

Most Popular

To Top