સુરત: સપ્તાહમાં ત્રણ દિવસ શારજાહથી (Sharjah) સુરત આવતી એર ઇન્ડિયા (Air India) એક્સપ્રેસની ફલાઈટનો ઉપયોગ કરી સોનાની દાણચોરી કરવાનો સિલસિલો ચાલુ રહ્યો છે. શારજાહથી સુરત આવેલી ફ્લાઇટમાંથી ઉતરેલા પેસેન્જરો (Passengers) પાસેથી 1.80 કરોડનું દાણચોરીનું સોનુ (Gold) સુરત ડીઆરઆઇ વિભાગે ઝડપી પાડયુ હતું. સોનાની સ્મગલિંગમાં સામેલ એક મહિલા પેસેન્જર સહિત કુલ પાંચ પેસેન્જરોને શંકા ના આધારે અટકાયતમાં લઈ આ ગેરરીતિ પકડી પાડવામાં આવી હતી. ડીઆરઆઈએ આ કેસ સુરત કસ્ટમ વિભાગને સોંપી દીધો છે. આ કેસની વધુ તપાસ કસ્ટમ ડિપાર્ટમેન્ટની પ્રિવેન્ટિવ વિંગ કરશે.
- ડીઆરઆઇએ બે જુદા જુદા કેસમાં કુલ 2.75 કિલો સોનુ પકડી પાડ્યું
- ત્રણ પેસેન્જર ગુદા માર્ગમાં પેસ્ટના સ્વરૂપમાં ગોલ્ડ લઇ જતાં પકડાયા
ગુદા માર્ગમાં પેસ્ટના સ્વરૂપમાં સોનુ સંતાડી લઇ જવામાં આવી રહ્યાં નું બહાર આવ્યું
ડીઆરઆઇના સૂત્રોના જણાવ્યા મુજબ જુદા-જુદા બે કેસમાં 2.75 કિલો સોનુ ઝડપી પાડવામા આવ્યું હતું. બુધવારે સુરત ફલાઇટ આવી ત્યારે બાતમીના આધારે એરપોર્ટ પર લગેજ એરિયામાં ત્રણ પેસેન્જરની તપાસ કરવામાં આવી હતી.
જેમાં ગુદા માર્ગમાં પેસ્ટના સ્વરૂપમાં સોનુ સંતાડી લઇ જવામાં આવી રહ્યાં નું બહાર આવ્યું હતું. ત્રણેય આરોપીઓની શારિરીક તપાસ કરવામાં આવતા આ મામલો બહાર આવ્યો હતો. ડીઆરઆઇએ બે કિલો સોનાની બજાર કિંમત એક કરોડની હોવાનું જણાવ્યું હતું. ગત બુધવારે અન્ય એક બીજા મામલામાં બે પ્રવાસીઓ પાસેથી 80 લાખનું દાણચોરીથી ઘુસાડવામાં આવતું સોનુ મળી આવ્યુ હતું. દુબઇથી સોનુ ખરીદી લોકલ માર્કેટમાં વેચવાથી 17 ટકા જેટલો ટેક્સસનનો લાભ થાય છે.