Entertainment

શાહરૂખ ખાન દક્ષિણ સાથે હાથ મિલાવી રહ્યો છે?

છેલ્લા 4 વર્ષથી મોટા પડદાથી દૂર રહ્યા બાદ શાહરૂખ ખાન આવતા વર્ષે પોતાની એક્શન ફિલ્મોથી છવાઇ જવા માગે છે. શાહરૂખ એક પછી એક પોતાની હીરો તરીકેની ફિલ્મોથી પોતાનું સ્થાન પાછું મેળવવા માગે છે. તેની ‘પઠાન’ અને ‘ડંકી’ પછી નવી ફિલ્મ ‘જવાન’ ની રજૂઆતની તારીખ પણ બહાર પાડી દીધી છે. 2023માં સિધ્ધાર્થ આનંદની ‘પઠાન’ ને 25 જાન્યુઆરીએ, ‘જવાન’ ને 2 જૂને અને રાજકુમાર હીરાનીની ‘ડંકી’ ને 22 ડિસેમ્બરે રજૂ કરવામાં આવશે. શાહરૂખ ‘જવાન’ થી આજના યુવાન હીરોને પણ ટક્કર આપવા માગે છે. શાહરૂખે દક્ષિણના નિર્દેશક એટલી કુમારની સાથે ‘જવાન’ બનાવવાનું નક્કી કરીને ચાલાકી કરી છે.

એટલીએ દક્ષિણમાં ‘રાજા રાની’, ‘થેરી’, ‘બિગિલ’ વગેરે ફિલ્મોથી પોતાનું અલગ સ્થાન બનાવ્યું છે. અત્યારે દક્ષિણની ફિલ્મોને હિન્દીમાં ડબ કરીને એક સાથે 5 ભાષામાં રજૂ કરવાની પ્રથા ‘પેન ઇન્ડિયા ફિલ્મ’ તરીકે ચાલી રહી છે ત્યારે શાહરૂખે દક્ષિણની ફિલ્મો સામે ટક્કર લેવાને બદલે એમની સાથે ચાલવાની નીતિ અપનાવી છે. કદાચ શાહરૂખને હવે દક્ષિણના નિર્દેશકો પર વધુ ભરોસો આવી રહ્યો છે. ફિલ્મમાં હીરોઇન પણ દક્ષિણની જ નયનતારા છે. ‘જવાન’ નું ટીઝર શાહરૂખના ચોંકાવનારા ખતરનાક લુક સાથે રજૂ થયું છે.

અગાઉ તે લવરબોય તરીકે અને રોમેન્ટિક ભૂમિકામાં જ વધુ દેખાયો છે. ‘જવાન’ માં ઘાયલ શાહરૂખના ચહેરા, માથું અને હાથ પર પટ્ટીઓ બાંધેલી છે. તે બંદૂક અને હથિયારો સાથેના આવા ખતરનાક લુકમાં પહેલી વખત દેખાયો છે. કોઇએ કલ્પના ના કરી હોય એવું શાહરૂખે ટ્રાન્સફોર્મેશન કર્યું છે અને અનિરુધ્ધનું સંગીત આંતરરાષ્ટ્રીય સ્તરનું લાગી રહ્યું છે. ટીઝરના અંતમાં શાહરૂખનું હાસ્ય વર્ષો પછી તેના ચાહકોએ સાંભળ્યું છે પણ એ હાસ્ય આ વખતે ડર ઊભો કરી રહ્યું છે. ફિલ્મમાં શાહરૂખ પિતા-પુત્રના ડબલ રોલમાં હોવાની ચર્ચા છે. જેમાં એક ભૂમિકા નકારાત્મક હશે. ફિલ્મમાં હીરો અને વિલન બંને ભૂમિકામાં શાહરૂખ હોવાથી બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી શકે છે.

Most Popular

To Top