સુરત શહેરના કાપોદ્રા વિસ્તારમાં આજે વહેલી સવારે એક ભયાનક આગની ઘટના સામે આવી, જેમાં LPG સિલિન્ડર બ્લાસ્ટને કારણે મોટી જાનહાનિ થઈ છે. આ દુર્ઘટનામાં બે લોકોના મોત નિપજ્યા છે, જ્યારે ફાયર વિભાગે જીવના જોખમે 11 લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા.
માહિતી મુજબ, ઘટના ભરતનગર વિસ્તારમાં રચના સર્કલ નજીક આવેલા એક ઔદ્યોગિક એકમમાં બની હતી. આજે સવારે લગભગ 5:30 વાગ્યે આગ લાગવાની જાણ થતા ફાયર વિભાગ તાત્કાલિક હરકતમાં આવી હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ચાર ફાયર ટેન્ડર સ્થળ પર મોકલવામાં આવ્યા.
આ અંગે ચીફ ફાયર ઓફિસર બસંત પરીખે જણાવ્યું હતું કે ફાયર બ્રિગેડ પહોંચે તે પહેલાં જ ફેક્ટરીની અંદર રહેલા LPG સિલિન્ડરમાંથી ભીષણ વિસ્ફોટ થયો, જેના કારણે આગ વધુ વિકરાળ બની ગઈ. અને બે લોકો ના મોત થયા ,જો કે તે બાદ પ્રાથમિક તપાસમાં સ્થળ પરથી કુલ 8 સિલિન્ડર મળ્યા હતા, જેમાંથી બે સિલિન્ડર ફાટ્યા હોવાનું સામે આવ્યું છે. બાકીના 6 સિલિન્ડરને સુરક્ષિત રીતે દૂર કરીને પોલીસે કબ્જે લીધા છે.
આ આગ G+3 બિલ્ડિંગમાં લાગી હતી, જેમાં વિવિધ યુનિટ કાર્યરત હતા. ખાસ કરીને ત્રીજા માળે આવેલા શીટ-મેટલ શેડમાં અનેક લોકો ફસાઈ ગયા હતા. ફાયર ટીમે હાઇડ્રોલિક પ્લેટફોર્મની મદદથી શેડ તોડી અંદર પ્રવેશ કર્યો અને રાહત-બચાવ કામગીરી હાથ ધરી. વધુમાં ફાયર અધિકારી રણજીત ખડિયા એ સ્થળ અંગે ની માહિતી આપતા કહ્યું હતું કે ફાયર કર્મચારીઓએ બહાદુરીપૂર્વક કામગીરી કરીને કુલ 11 લોકોને બચાવ્યા, પરંતુ દુર્ભાગ્યે તેમાંના બે લોકો સારવાર દરમિયાન મોતને ભેટ્યા. બાકીના લોકોને નાની ઇજાઓ સાથે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હાલમાં પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે અને આગ લાગવાના ચોક્કસ કારણો શોધવામાં આવી રહ્યા છે.