લોકસભામાં થયેલા હોબાળા બાદ સસ્પેન્ડ કરાયેલા 8 સાંસદોને રાહત મળી છે. Om Birlaના નિર્ણય અનુસાર તેમનું સસ્પેન્શન રદ કરવામાં આવ્યું છે, પરંતુ ગૃહની શિસ્ત અને પરંપરા જાળવવા માટે કેટલીક કડક શરતો પણ લાગુ કરવામાં આવી છે. બજેટ સત્ર દરમિયાન આ સાંસદોએ ગૃહમાં ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો અને સ્પીકર તરફ કાગળો ફેંક્યા હતા, જેને કારણે તેમને અનુશાસનહીન વર્તન બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. જોકે, સોમવારે પક્ષ-વિપક્ષ વચ્ચે થયેલી બેઠક બાદ વાતાવરણ શાંત થયું અને સમાધાનનો માર્ગ મોકળો બન્યો.
સ્પીકર ઓમ બિરલાએ જણાવ્યું કે તમામ પક્ષોએ ગૃહની ગૌરવશાળી પરંપરા જાળવવા અને સંયમપૂર્વક વર્તન રાખવા સંમતિ વ્યક્ત કરી છે. તેમણે ખાસ સૂચના આપી કે સંસદ પરિસરમાં AI જનરેટેડ ફોટો, અપમાનજનક પ્લેકાર્ડ, ફેક ઈમેજ અથવા ઉશ્કેરણીજનક સૂત્રોચ્ચારથી દૂર રહેવું પડશે. આ નિર્ણય પહેલા Kiren Rijijuએ ગૃહમાં સસ્પેન્શન રદ કરવાનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો, જેને લઈને ચર્ચા બાદ મતદાન થયું અને અંતે પ્રસ્તાવ મંજૂર થયો. આ દરમિયાન Supriya Suleએ જણાવ્યું કે વિપક્ષ ગૃહમાં તણાવ વધારવા નહીં, પરંતુ દેશની સેવા કરવા આવ્યો છે અને સહકાર આપવા તૈયાર છે.
કોંગ્રેસ સાંસદ K Sureshએ પણ સ્પષ્ટ કર્યું કે સ્પીકરના નિર્દેશો અને ગૃહની મર્યાદા જાળવવાની અપીલને ધ્યાનમાં રાખીને સસ્પેન્શન પાછું ખેંચવાનો નિર્ણય લેવાયો છે. આ સમગ્ર ઘટનાક્રમ પછી સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો છે કે સંસદમાં વિરોધ પ્રદર્શન માટે પણ મર્યાદા અને શિસ્ત જાળવવી જરૂરી છે.