શહેરના પાંડેસરા વિસ્તારમાં એક દુઃખદ અને ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં માત્ર 9 મહિનાના માસૂમ બાળકનું સારવાર દરમિયાન મોત થયું છે. આ બનાવે ફરી એકવાર ખાનગી ક્લિનિકોમાં આપવામાં આવતી સારવાર પર સવાલો ઉભા કર્યા છે. પરિવારજનોએ ક્લિનિકના ડોક્ટર પર ગંભીર બેદરકારીના આક્ષેપો કર્યા છે અને ન્યાયની માંગ કરી છે. પાંડેસરાના ગણેશનગર વિસ્તારમાં રહેતા રાજા વિકાસ રાજપૂત નામના બાળકને છેલ્લા એકાદ દિવસથી સામાન્ય તાવ આવતો હતો. બાળકની તબિયત ગંભીર ન લાગતા પરિવારજનો તેને નજીકની ખાનગી ક્લિનિકમાં સારવાર માટે લઈ ગયા હતા. પરંતુ આ મુલાકાત તેમને માટે કારમો ઘા લઈને આવશે એનાથી તેઓ અજાણ હતા. પરિવારનો આક્ષેપ છે કે ડોક્ટરે બાળકની તબિયતની યોગ્ય તપાસ કર્યા વગર જ સીધી દવા અને ઇન્જેક્શન આપવાનું શરૂ કર્યું. સામાન્ય રીતે આવા કેસમાં બ્લડ ટેસ્ટ કે અન્ય બેઝિક રિપોર્ટ જરૂરી હોય છે, પરંતુ અહીં કોઈ પણ પ્રકારની તપાસ કરવામાં આવી નહોતી. સારવાર દરમિયાન બાળકની તબિયત સુધરવાને બદલે વધુ બગડતી ગઈ.
બાળકના પિતા વિકાસકુમારના જણાવ્યા અનુસાર, પહેલા દિવસ દવા આપ્યા બાદ બાળકને થોડો આરામ થયો હતો. પરંતુ બીજા દિવસે ફરી દવા પીવડાવતા જ બાળક અચાનક હાથ-પગ પછાડવા લાગ્યું હતું અને થોડી જ વારમાં તેનું મોત થઈ ગયું હતું. બાળકના મોતના સમાચાર ફેલાતા જ વિસ્તારના લોકો અને સગા-સંબંધીઓ ક્લિનિક પર એકઠા થયા હતા. માતા-પિતાનું હૈયાફાટ રૂદન અને લોકોમાં ઉગ્ર રોષના કારણે વાતાવરણ તંગ બની ગયું હતું. પરિસ્થિતિ બગડતા પોલીસને જાણ કરવામાં આવી હતી. પાંડેસરા પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી પરિસ્થિતિ કાબૂમાં લીધી હતી. પોલીસે બાળકના મૃતદેહનો કબજો લઈ સુરતની સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલ્યું છે. સાથે જ પરિવારને ખાતરી આપવામાં આવી છે કે મામલાની સંપૂર્ણ અને નિષ્પક્ષ તપાસ કરવામાં આવશે. પરિવારજનોએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે ડોક્ટરે રિપોર્ટ કર્યા વગર જ હેવી ડોઝ આપીને સારવાર કરી, જેનાથી બાળકનું મોત થયું. હવે તેઓ ડોક્ટર સામે કડક કાર્યવાહી અને ન્યાયની માંગ કરી રહ્યા છે.