કોરોના કાળ દરમ્યાન શેરબજારમાં આવેલા જોરદાર કડાકા બાદ રીકવરી શરૂ થવા પામી છે, અને શેરબજારે નવા ઐતિહાસિક સપાટી બનાવતા જોવા મળ્યા હતા. જેમાં ફેબ્રુઆરી મહિનામાં છ ટકાની તેજી જોવા મળી છે. આ તેજી આગળ ચાલુ રહેશે કે કેમ તે અંગે એક પ્રશ્નાર્થ ઉભો થયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, શેરબજારમાં એટલી હદે તેજી જોવા મળી રહી છે તે જોતાં મંદીવાળાઓને ભારે નુકશાન વેઠવું પડયુ છે, તેને જોતાં મંદીવાળાઓ તેજીવાળાને પછાડવા માટે એકપણ મોકો છોડવા તૈયાર નથી. જેના લીધે માર્ચ મહિનામાં બેઉતરફી વધઘટ જોવા મળી રહી છે.
ખાસ કરીને માર્ચ મહિનામાં અસ્થિરતાનો માહોલ જોવા મળતો હોય છે. અગાઉના 10 વર્ષના ઇતિહાસના આંકડા જોતાં શેરબજારમાં પાંચ વર્ષ મંદીવાળાઓએ બાજી મારી છે અને પાંચ વર્ષ એટલે કે પાંચ વખત તેજીવાળાઓ બાજી મારી ગયા છે. આ વખતે બેઉતરફી વધઘટ સાથે હજુય થોડીક બાજી તેજીવાળાઓના હાથમાં છે.
છેલ્લા કેટલાક દિવસોથી મંદીવાળાઓ બજારમાં એકપણ નકારાત્મક મુદ્દાને છોડવા તૈયાર નથી અને જોરદાર વેચવાલી કરી રહ્યા છે. જેમાં મંદીવાળાઓને કોરોનાનો કહેર ફરી એકવાર વધી રહ્યો છે તે મહત્વનું બળ મળ્યું છે. આ ઉપરાંત, અમેરિકાના બોન્ડ યીલ્ડના ઉછાળાથી મંદીવાળાઓ હાવી થઇ રહ્યા છે. આની સામે ફેબ્રુઆરી મહિનાના ઇકોનોમી ડેટા જાહેર થયા છે તેમાં આર્થિક સુધારો દર્શાવાઇ રહ્યો છે અને તે તેજીવાળા માટે બુસ્ટનું કારણ બની શકે છે. તેની સાથે ઓટો કંપનીઓના ફેબ્રુઆરી મહિનાના વેચાણના આંકડા ખૂબ જ સકારાત્મક રહ્યા છે, તે પણ એક સારૂ પાસું બન્યું છે. પરંતુ કોરોનાની વેકસીનની ઝડપ હજુય વધારવામાં નહિં આવે અને તેની સામે કોરોનાના કેસોમાં સતત વૃદ્ધિ થતી જોવા મળશે તો બજાર માટે નકારાત્મક કારણ બની શકે છે.
અમેરિકાના બોન્ડ યીલ્ડ તથા ફુગાવાના નિયંત્રણ માટે ફેડરલ રિઝર્વના ચેરમેન પોવેલ દ્વારા હજુય કોઇ મહત્વપુર્ણ પગલાં કે જાહેરાત કરવામાં આવી નથી, તે એક નકારાત્મક કારણ છે. આ ઉપરાંત, અમેરિકાના 1.9 ટ્રીલીયન ડોલરના સ્ટીમ્યુલસ પેકેજના શું પરિણામ આવે છે તે જોવાનું રહેશે.
ખાસ કરીને ઓપેક તથા ઓપેક પ્લસની વિડીયો કોન્ફરન્સીંગ બેઠક મળી હતી અને આ બેઠકમાં ઉત્પાદન કાપ દૂર કરાય તેવી અપેક્ષા રાખવામાં આવી હતી, પરંતુ આ બેઠકમાં વૈશ્વિક ઇકોનોમી સ્ટેબલ ન થાય ત્યાં સુધી ક્રુડના ઉત્પાદનમાં કાપ ચાલુ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જે દર્શાવે છે કે આવનારા સમયમાં ક્રુડના ભાવમાં હજુય ઉછાળો શકય છે અને તેની સીધી અસર કરન્સી બજાર ઉપર જોવા મળશે અને ડોલરમાં વધુ મજબૂતાઇ થવાની શકયતા છે.
આમ, હાલની સ્થિતિએ જોઇએ તો અમેરિકાના બોન્ડ યીલ્ડના ઉછાળા તથા ક્રુડના ભાવોમાં વૃદ્ધિ તેજીવાળાઓની બાજી બગાડી શકે છે અને મંદીવાળાઓ હાવી રહેશે.
જોકે, બજારના નિષ્ણાંતોનું માનવું છે કે શેરબજારમાં હાલની સ્થિતિએ ઘટાડો આવે તો ગુણવત્તા ધરાવતા શેરોમાં ખરીદીનો મોકાનો લાભ લેવો જોઇએ, દરેક ઘટાડે રોકાણકારોએ કવોલીટી ધરાવતા શેરોની ખરીદી કરવી જ જોઇએ, દરેક ઘટાડે ખરીદી કરવામાં લાભ મળી શકે છે. નિષ્ણાંતોના મતે બજાર અપગ્રેડ નજર આવી રહ્યું છે. નિષ્ણાંતોએ કહ્યું કે, ઇન્ડિયા ઇન્કનું પ્રદર્શન સારૂં રહ્યું છે અને માઇક્રો તથા મેક્રો આંકડા મજબૂત જોવા મળી રહ્યા છે, જેથી દરેક ઘટાડે ખરીદી જોવા મળી રહી છે. ગત માર્ચમાં બજાર બોટમ આઉટ થયા બાદ નિફ્ટીમાં શાનદાર ઉછાળો જોવા મળ્યો હતો અને સતત નવા ઉછાળા સાથે ઐતિહાસિક સપાટી બનાવતી જોવા મળી રહી છે.
ટેકનીકલ નિષ્ણાંતના જણાવ્યા અનુસાર આ તેજીવાળા બજારમાં ચાર મોટા પ્રાઇસ કરેકશન જોવા મળ્યા હતા. જે કરેકશન 7થી 11 ટકા વચ્ચે જોવાયા હતા, જેનું એવરેજ જોઇએ તો 9.5 ટકા રહ્યું હતું. જેથી 15431 પોઇન્ટનો વિક્રમી સપાટીના સ્તરેથી હાલમાં છ ટકા સુધીનું કરેકશન આવી ચુકયું છે. જે 10 મહિનાની એવરેજ કરેકશન અને કૈન્ડલ સેટઅપના સ્ટ્રકચરને જોતાં નિફ્ટીમાં નીચે 14300થી 13800 પોઇન્ટના સ્તરની સંભાવના દેખાઇ રહી છે. આમ છતાં બજારમાં ઓવરઓલ અપટ્રેડ મજબૂત જોવાયો હતો. આમ તમામ ઘટાડામાં મીડીયમ ટર્મમાં ખરીદીનો મોકો સમજવો જોઇએ.
નાણાંકીય વર્ષના અંતિમ મહિનો માર્ચમાં દર વર્ષે બેઉતરફી વધઘટ જોવા મળતી હોય છે. આ સિવાય યુનિયન બજેટ બાદ બજારમાં કોઇ મોટું ઘરેલું ટ્રીગર દેખાતું નથી, પરંતુ વૈશ્વિક સંકેતોની અસર ભારતીય શેરબજારમાં જોવા મળી શકે છે. વૈશ્વિક સંકેતોમાં અમેરિકાના રાહત પેકેજ ઉપર શું નિર્ણય આવે છે અને અમેરિકાના બોન્ડ યીલ્ડ 1.5 ટકાના સ્તરને પાર કરે છે કે નહિં તે મહત્વના પરિબળ ગણી શકાય. આ ઉપરાંત, ક્રુડના ઉત્પાદન કાપ ચાલુ રહેતાં ક્રુડના ભાવો ઉછળી રહ્યા છે, જેની ભારત ઉપર નકારાત્મક અસર કરશે જેની ઉપર પણ બજારની ચાલ જોવા મળશે.
આ તમામ મુદ્દાઓની સાથે બોન્ડ યીલ્ડના ઉછાળા બાદ એફપીઆઇ-એફઆઇઆઇની ખરીદીને બ્રેક વાગતી જોવા મળી રહી છે. અને બોન્ડ યીલ્ડમાં સુધારો ચાલુ રહેશે તો એફઆઇઆઇની ખરીદીને બ્રેક વાગશે અને વેચવાલીનો રૂખ જોવા મળી શકે છે. જેમાં ગત માર્ચ-2020માં એફઆઇઆઇએ ભારતીય બજારોમાંથી રૂ. 60000 કરોડ બહાર કાઢ્યા હતા, જે આજે ચોખ્ખી ખરીદી કરતાં જોવા મળી રહ્યા છે. જ્યારે ડીઆઇઆઇના માર્ચ મહિનાઓના આંકડા જોઇએ તો છેલ્લા 10 વર્ષમાં છ વર્ષ ભારતીય બજારોમાં વેચવાલી જોવા મળી છે.
ક્રુડના વધતા ભાવો, બોન્ડ યીલ્ડમાં ઉછાળો સહિતના મુદ્દાઓના લીધે આવનારા સમયમાં મોંઘવારી વધવાની પુરેપુરી સંભાવના છે અને મોંઘવારી વધશે તો વ્યાજદરોમાં જે ઘટાડો કરાયો છે, તે આગળ નહિં વધે અને વ્યાજદરોમાં વધારો જોવા મળી શકે છે. જે બજાર માટે લાભકારક સાબિત ઓછું થશે.
આમ, યુએસ બોન્ડ યીલ્ડમાં નરમાઇ જોવાશે તો ઇકવીટી બજારમાં સુધારાનો રૂખ જોવા મળશે, પરંતુ જો બોન્ડ યીલ્ડ વધશે તો ગ્લોબલ બોન્ડ અને ઇકવીટી બજારમાં વેચવાલીનો બીજો દોર શરૂ થતો જોવા મળી શકે છે.
00000000000000000
શેરબજારની માર્ચ સીરિઝમાં કોણ બાજી મારશે? તેજીવાળા કે મંદીવાળા?
By
Posted on