Business

સેન્સેક્સ અને નિફ્ટી ઓલટાઇમ હાઇ સપાટીએ બંધ થયા, સતત પાંચમાં દિવસે શેરબજારમાં તેજી

નવી દિલ્હી: અઠવાડીયાના ચોથા દિવસે એટલે કે ગુરુવારે પણ ભારતીય શેરબજારો ઓલ ટાઇમ હાઇ લેવલ સાથે લીલા નિશાનમાં બંધ થયા હતા. ત્યારે આજે સતત 5મો દિવસ છે જ્યારે શેરબજારો તેજી સાથે બંધ થયા હતા. તેમજ ગુરુવારે BSE સેન્સેક્સ 126.21 પોઈન્ટ (0.15 ટકા)ના વધારા સાથે અને NSE નિફ્ટી 50 પણ 52.70 પોઈન્ટ (0.21 ટકા)ના વધારા સાથે બંધ રહ્યો હતો.

આજે ગુરુવારે ટ્રેડિંગ દરમિયાન, સેન્સેક્સ અને નિફ્ટી બંને સૂચકાંકોએ પોતપોતાના નવા રેકોર્ડ બનાવ્યા હતા. આજે નિફ્ટીએ પ્રથમ વખત 25,000 પોઈન્ટને પાર કર્યો હતો. બીજી તરફ સેન્સેક્સે પણ 82129.49 પોઈન્ટ્સ પર પહોંચીને તેની નવી ઓલ ટાઈમ હાઈ સપાટી નોંધાવી હતી. આ સાથે જ ભારતીય ચલણ પોતાની પાછલી કિંમત કરતા 5 પૈસા ઘટીને 83.73 પર બંધ થયું હતું.

સેન્સેક્સ 82,129.49 પોઈન્ટની નવી ઓલ ટાઈમ હાઈ સપાટીએ
ગઇકાલે બુધવારે 81,741.34 પોઈન્ટ પર બંધ થયેલો સેન્સેક્સ આજે 81,949.68 પોઈન્ટના ઉછાળા સાથે ખુલ્યો હતો અને ટ્રેડીંગ દરમિયાન 81,700.21 પોઈન્ટની સપાટીથી 82,129.49 પોઈન્ટની સપાટીએ પહોંચ્યો હતો, જે સેન્સેક્સની નવી ઓલ ટાઈમ હાઈ બની હતી. એ જ રીતે નિફ્ટી પણ આજે ઉછાળા સાથે ખુલ્યો હતો અને 24,956.40 પોઈન્ટની નીચી સપાટીથી 25,078.30 પોઈન્ટની સપાટીએ પહોંચ્યો હતો.

સેન્સેક્સની 15 કંપનીઓના શેર લીલા નિશાનમાં બંધ થયા હતા
આજના ટ્રેડિંગ સેશનમાં BSE સેન્સેક્સની 30 કંપનીઓમાંથી 15 કંપનીઓના શેર ઉછાળા સાથે બંધ થયા હતા, જ્યારે 15 કંપનીઓના શેર ઘટાડા સાથે બંધ થયા હતા. ત્યારે વધારા સાથે બંધ થયેલા શેરોમાં પાવર ગ્રીડ, NTPC, HDFC બેન્ક, નેસ્લે ઈન્ડિયા, અદાણી પોર્ટ્સ, મારુતિ સુઝુકી જેવી કંપનીઓનો સમાવેશ થાય છે. બીજી તરફ જે શેરોને સૌથી વધુ નુકસાન થયું છે તેમાં મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, ટાટા સ્ટીલ, બજાજ ફિનસર્વ, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, લાર્સન એન્ડ ટુબ્રો, ટાટા મોટર્સનો સમાવેશ થાય છે.

પાવર ગ્રીડનો શેર રૂ. 361.25 પર બંધ રહ્યો હતો
પ્રાપ્ત ડેટા મુજબ પાવરગ્રીડનો શેર આજે BSE પર 3.36 ટકા (રૂ. 12.65)ના ઉછાળા સાથે રૂ. 361.25 પર બંધ થયો હતો. POWERGRID નું વર્તમાન માર્કેટ કેપ રૂ. 3,35,984.31 કરોડ છે. જ્યારે મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાનો શેર 2.68 ટકા (રૂ. 78.00)ના ઘટાડા સાથે રૂ. 2829.20 પર બંધ થયો હતો. જેનું વર્તમાન માર્કેટ કેપ રૂ. 3,51,819.18 કરોડ છે.

Most Popular

To Top