National

દેશની સૌથી મોટી બેન્ક SBIમાં સનસનીખેજ લૂંટ, કરોડોની રોકડ અને દાગીના લૂંટાયા

દેશની સૌથી મોટી જાહેર ક્ષેત્રની બેન્ક સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાની કર્ણાટકના વિજયપુરા ખાતેની શાખામાં મોટી લૂંટ થઈ છે. સનસનીખેજ આ લૂંટની ઘટનામાં કરોડો રૂપિયા અને સોના-દાગીના લઈ લૂંટારા ફરાર થઈ ચૂક્યા છે. પિસ્તોલ અને છરીની અણીએ બેન્ક કર્મચારીઓને બંધક બનાવી લૂંટારાઓએ લૂંટને અંજામ આપ્યો હતો. અંદાજે 21 કરોડથી વધુનો મુદ્દામાલ લૂંટાયો હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.

બનાવ મંગળવારે તા. 16 સપ્ટેમ્બરની સાંજે 6:30 વાગ્યાની આસપાસ આ લૂંટની સનસનીખેજ ઘટના બની હતી. પોલીસ પાસેથી મળેલી માહિતી મુજબ ત્રણ લૂંટારા માસ્ક પહેરીને બેન્કમાં ઘુસ્યા હતા. પહેલાં તો લૂંટારાઓએ બેન્કમાં એકાઉન્ટ ખોલાવવાની ઈન્કવાયરી કરી હતી. ત્યાર બાદ થોડી જ સેકન્ડોમાં લૂંટારાઓએ હથિયારો બતાવી બેન્ક મેનેજર, કેશિયર સહિતના સ્ટાફને બંધક બનાવી દીધો હતો. બેન્ક સ્ટાફના હાથ-પગ બાંધી દીધા હતા. આ દરમિયાન લૂંટારુઓએ બેંકમાંથી આશરે રૂ.1 કરોડની રોકડ રકમ અને આશરે રૂ.20 કરોડના સોનાના દાગીના લઈને ફરાર થઈ ગયા હતા.

કઈ રીતે લૂંટ મચાવી?
બેંકની અંદર પ્રવેશ કર્યા બાદ લૂંટારુઓએ ખૂબ ગોઠવેલા પ્લાન મુજબ આ કૃત્યને અંજામ આપ્યું હતું. તેઓએ પહેલા કર્મચારીઓને ડરાવ્યા, ત્યારબાદ કેશ કાઉન્ટર અને લોકર્સમાં રાખેલા સોનાના દાગીનાને નિશાન બનાવ્યા હતા. અંદાજ મુજબ કુલ માલમસાલાની કિંમત રૂ.21 કરોડ કે તેથી વધુ જેટલી થાય છે.

પોલીસે કાર્યવાહી શરૂ કરી
આ બનાવની જાણ થતાં જ વિજયપુરા પોલીસે તાત્કાલિક કેસ દાખલ કર્યો છે. પોલીસે જણાવ્યું કે આરોપીઓ લૂંટ બાદ નકલી લાઇસન્સ પ્લેટવાળી સુઝુકી EV કારમાં ભાગી ગયા હતા. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે તેઓ લૂંટ કર્યા પછી મહારાષ્ટ્રના પંઢરપુર તરફ ભાગ્યા હતા. લૂંટારુઓને પકડવા સમગ્ર જિલ્લામાં નાકાબંધી કરવામાં આવી છે અને શંકાસ્પદ વાહનોની તપાસ ચાલી રહી છે.

વિજયપુરાના પોલીસ અધિક્ષક લક્ષ્મણ નિમ્બર્ગીએ જણાવ્યું કે આરોપીઓના પીછો કરવા માટે અલગ-અલગ ટીમો બનાવી દેવામાં આવી છે. આસપાસના વિસ્તારોમાં સીસીટીવી ફૂટેજ ચકાસવામાં આવી રહ્યા છે જેથી લૂંટારુઓની ઓળખ જલ્દી થી જલ્દી શક્ય બને.

આસપાસના વિસ્તરમાં ડરનો માહોલ
આ લૂંટની ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં ભયનું વાતાવરણ ફેલાયું છે. બેંકના ગ્રાહકો અને સ્થાનિક લોકોમાં પણ ચિંતા જોવા મળી રહી છે કે સુરક્ષા વ્યવસ્થામાં આવી મોટી ખામી કેવી રીતે રહી ગઈ. બેંક મેનેજરે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે અને SBI મથક દ્વારા પણ તપાસ શરૂ કરવામાં આવી છે.

કર્ણાટકના વિજયપુરાની આ SBI લૂંટ છેલ્લા કેટલાક વર્ષોમાં બનેલી સૌથી મોટી બેંક લૂંટ ગણાઈ રહી છે. ધોળા દિવસે આવી ઘટનાએ પોલીસની કામગીરી અને સુરક્ષા વ્યવસ્થાને લઈને અનેક પ્રશ્નો ઉભા કર્યા છે. હાલમાં પોલીસ તાત્કાલિક ચેતવણી પર છે અને આરોપીઓને ઝડપવા માટે ખાસ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે.

Most Popular

To Top