National

સ્વદેશી ચીજોથી બનેલી આત્મનિર્ભર INS એન્ડ્રોટ એન્ટી સબમરીન નેવીમાં સામેલ, જાણો વિશેષતા

ભારતીય નૌકાદળે આજ રોજ તા.6 ઓક્ટોબર સોમવારે તેના નવા એન્ટિ-સબમરીન જહાજ INS એન્ડ્રોટને પોતાના કાફલામાં સામેલ કર્યુ. આ જહાજનું 80 ટકા કરતાં વધુ બાંધકામ ભારતીય ટેકનોલોજી અને ઘટકોથી થયું છે.

વિશાખાપટ્ટનમ સ્થિત નેવલ ડોકયાર્ડમાં યોજાયેલા સમારોહમાં INS એન્ડ્રોટને ભારતીય નૌકાદળમાં સત્તાવાર રીતે સામેલ કરવામાં આવ્યું છે. આ સમારોહની અધ્યક્ષતા પૂર્વીય નૌકાદળ કમાન્ડના વડા વાઇસ એડમિરલ રાજેશ પેંઢારકરે કરી હતી. આ નવું જહાજ દેશના નૌકાદળની યુદ્ધ ક્ષમતાઓને વધુ મજબૂત બનાવશે.

INS એન્ડ્રોટનું નિર્માણ કોલકાતામાં આવેલા ગાર્ડન રીચ શિપબિલ્ડર્સ એન્ડ એન્જિનિયર્સ (GRSE) દ્વારા કરવામાં આવ્યું છે. આ જહાજનું બાંધકામ સંપૂર્ણપણે ભારતીય ડિઝાઇન પર આધારિત છે અને તેના લગભગ 80 ટકા ભાગ સ્વદેશી છે. આ ‘આત્મનિર્ભર ભારત’ અભિયાનની દિશામાં મહત્વપૂર્ણ પગલું ગણવામાં આવે છે.


આ જહાજ ખાસ કરીને છીછરા પાણીના વિસ્તારોમાં કાર્ય કરવા માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે. જે દરિયાકાંઠાના રક્ષણ અને સુરક્ષા માટે ઉપયોગી સાબિત થશે.

‘એન્ડ્રોટ’ નામ લક્ષદ્વીપના સૌથી મોટા અને સાંસ્કૃતિક રીતે સમૃદ્ધ ટાપુ ‘એન્ડ્રોટ’ પરથી લેવામાં આવ્યું છે. આ ટાપુની જેમ જ INS એન્ડ્રોટ પણ દેશની નૌકાદળ પરંપરાને મજબૂત બનાવશે.

તાજેતરના વર્ષોમાં ભારતીય નૌકાદળે INS અર્નાલા, INS ઉદયગિરી, INS નીલગિરી, અને INS નિસ્તાર જેવા અનેક નવા જહાજો પોતાના કાફલામાં સામેલ કર્યા છે. આ બધા જ જહાજો ભારતીય શિપયાર્ડમાં જ બનેલા છે અને સ્વદેશી તકનીકનો ઉત્તમ ઉદાહરણ છે.

INS એન્ડ્રોટના સામેલ થવાથી ભારતીય નૌકાદળની તાકાતમાં વધારો થશે અને દેશની દરિયાઈ સુરક્ષા વધુ મજબૂત બનશે.

Most Popular

To Top