દેશની આઝાદીના 75 વર્ષની ઉજવણી આપણે કરી રહ્યા છીએ, જેને અમૃત મહોત્સવ કહેવામાં આવી રહ્યો છે. આવા સમયે મીડિયાની ભૂમિકા અને દેશમાં મીડિયાના અસ્તિત્વને લઈને અનેક ચર્ચાઓ થઈ રહી છે. આવા સમયે અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે આજે વાત કરશું એવાં સિક્રેટ રેડિયો સ્ટેશનની, જેનું ખૂબ મોટું યોગદાન રહ્યું છે ભારતની સ્વતંત્રતા માટેની લડતમાં. એક એવું પ્રકરણ જેના વિશે કદાચ આજની પેઢીને ખબર નહીં હોય.
શરૂઆતથી શરૂ કરીએ. એ વખતે માહોલ હતો અંગ્રેજોને ઘરભેગા કરવાનો. ચળવળ શરૂ થઈ ચૂકી હતી. મહાત્મા ગાંધી મુંબઈમાં હતા. તારીખ હતી 8 ઓગસ્ટ, 1942 અને સ્થળ હતું મુંબઈનું ગોવાલિયા ટેન્ક મેદાન, જે આજે ઓગસ્ટક્રાંતિ મેદાન તરીકે ફેમસ છે. વિશાળ જનમેદની હતી અને અંગ્રેજ હકૂમત વિરુદ્ધના સૂત્રોચ્ચારથી વાતાવરણ ગૂંજી રહ્યું હતું. આ સમયે મોહનદાસ કરમચંદ ગાંધી ઊભા થયા અને બોલ્યા – ‘‘હું તમને આજે એક મંત્ર આપવા માગું છું, જે તમે તમારા હૃદયમાં બેસાડી દો. તમારા શ્વાસોચ્છવાસમાં આ મંત્રને ભરી દો. આ મંત્ર છે – કરો યા મરો.’’ બસ આ ઐતિહાસિક ભાષણ વખતે જ મુંબઈમાં કોલેજમાં અભ્યાસ કરતાં એક યુવતી અને તેમના સાથીઓના મનમાં એક વિચાર આકાર લઈ રહ્યો હતો. એ યુવતી એટલે ઉષા મહેતા અને વિચાર જે આકાર લઈ રહ્યો હતો એ હતો, કોંગ્રેસનું ‘સિક્રેટ રેડિયોસ્ટેશન’. હિંદુસ્તાનના ખૂણે-ખૂણેથી એક જ અવાજ ઊઠી રહ્યો હતો, ‘અંગ્રેજો ભારત છોડો.’
‘ભારત છોડો’ આંદોલનની હાકલ સાથે જ અંગ્રેજી હકૂમતે ગાંધીજી અને અન્ય કોંગ્રેસી નેતાઓને પકડીને જેલમાં ધકેલી દીધા હતા. નેતાઓને જેલમાં કેદ કરી આંદોલનની કમર તોડી દેવાની યોજના હતી પણ બીજી તરફ લડવૈયાઓએ છૂપી રીતે ચળવળ શરૂ કરી હતી. ગાંધીજીએ જગાવેલી ‘હિંદ છોડો ચળવળ’ને વધુ બળવત્તર બનાવવા ‘સિક્રેટ રેડિયોસ્ટેશન’ આકાર લઈ રહ્યું હતું, જેનું નામ ‘કોંગ્રેસ રેડિયો’ તરીકે ઇતિહાસમાં નોંધાયું હતું.
ઉષા મહેતાએ ખુદ તેમના એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, બોમ્બે ખાતે યોજાયેલા ઑલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના સત્રમાં મહાત્મા ગાંધી, જવાહરલાલ નહેરૂ, સરદાર પટેલ, મોલાના આઝાદ અને અન્ય નેતાઓનાં ભાષણો સાંભળ્યા બાદ ‘સિક્રેટ રેડિયોસ્ટેશન’ની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી હતી. અંગ્રેજી હકૂમતમાંથી મુક્ત થવા માટે ચાલી રહેલી ચળવળમાં આ રેડિયો ‘સ્વતંત્રતાનો અવાજ’ બનીને ઊભર્યો હતો.
દેશભરમાં ચાલી રહેલી આઝાદીની લડતના સમાચાર પ્રસારિત કરવા અને ભારતીયોને અંગ્રેજ સરકાર સામે એકઠા કરવાના હેતુ સાથે આ ‘સિક્રેટ રેડિયો’ શરૂ કરાયો હતો. ઉષા મહેતા અને તેમના સાથીઓએ ટેક્નિકલ બાબતોના નિષ્ણાત મિત્રનો સંપર્ક સાધ્યો અને તેમણે ટ્રાન્સમિટર તૈયાર કરી આપ્યું હતું. આ દરમિયાન ઉષા મહેતાને જાણ થઈ કે અન્ય કેટલાક સમૂહો અને લડવૈયાઓ પણ આવું જ કોઈ કામ કરવાની તૈયારીમાં છે, તેમણે તેમનો સંપર્ક કર્યો, જેના પરિણામ સ્વરૂપે ડૉ.રામમનોહર લોહિયાનો પત્ર આવ્યો હતો.
તેઓ ઇન્ટરવ્યૂમાં ઉલ્લેખ કરે છે એ પ્રમાણે રામમનોહર લોહિયાનો પત્ર મળ્યા બાદ તેઓ તેમના સાથી બાબુભાઈ વિઠ્ઠલભાઈ સાથે રેડિયોની શરૂઆત કરતાં પહેલાં તેમને મળવા માટે ગયાં હતાં. ‘પ્રેસ ઇન્ફર્મેશન બ્યૂરો’ સાથેની વાતચીતમાં ઉષા મહેતાએ કહ્યું હતું, 14 ઑગસ્ટના રોજ અમે પહેલું પ્રસારણ કર્યું હતું. એ પછીથી દરરોજ સાંજે 7:30થી 8:30 દરમિયાન જ એક કલાકનો કાર્યક્રમ પ્રસારિત થતો હતો.
આ રેડિયો કાર્યક્રમનું પ્રસારણ બોમ્બેથી છૂપી રીતે કરવામાં આવતું હતું, જેથી પોલીસ ભાંડાફોડ ન કરી શકે. ‘અનટોલ્ડ સ્ટોરી ઑફ બ્રોડકાસ્ટિંગ ડ્યુરિંગ ક્વિટ ઇન્ડિયા મુવમેન્ટ’ પુસ્તક પ્રમાણે આ ‘સિક્રેટ રેડિયોસ્ટેશન’ સાથે બોમ્બેના 20 વર્ષના ગુજરાતી સ્વાતંત્ર્યસેનાની વિઠ્ઠલદાસ ખખ્ખર, 23 વર્ષના ચંદ્રકાંત ઝવેરી, 28 વર્ષના વિઠ્ઠલદાસ ઝવેરી, મુંબઈના જગનનાથ ઠાકુર, 40 વર્ષના પારસી ઇજનેર નરીમન પ્રિન્ટર અને તેમના આસિસ્ટન્ટ મિર્ઝા પણ જોડાયા હતા. યુવાન અને નીડર યુવતી ઉષાબહેન મહેતા એ વખતે માત્ર 22 વર્ષનાં હતાં.
આ સિક્રેટ રેડિયો સ્ટેશનની શરૂઆત ક્યાંથી કરાઈ હતી, જાણો છો? અરૂણચંદ્ર ભુયાનના પુસ્તક ‘ધ ક્વિટ ઇન્ડિયા મુવમેન્ટ’ પ્રમાણે આ રેડિયોસ્ટેશન સૌ પ્રથમ મુંબઈમાં ચોપાટી પાસે (સી વ્યૂ) ઇમારતના સૌથી ઉપરના માળેથી શરૂ કરાયું હતું. આ રેડિયોસ્ટેશનને ટેક્નિકલ મદદ અને માર્ગદર્શન ‘શિકાગો રેડિયો એન્ડ ટેલિફોન કંપની’ દ્વારા પૂરા પાડવામાં આવતા હતા.
રેડિયોનું પ્રસારણ સિક્રેટ રીતે અને અલગ-અલગ સ્થળોથી કરાતું હતું, જેથી કરીને અંગ્રેજ સરકારને તેની ખબર ન પડે. 3 મહિના સુધી આ રેડિયોનું પ્રસારણ કરતા રહ્યા હતા. આ 3 મહિનામાં 7 થી 8 વખત સ્ટેશનો બદલ્યાં હતાં. શરૂઆતમાં અંગ્રેજી અને હિંદીમાં સવારે અને સાંજે દેશમાં બની રહેલી ઘટનાઓનું પ્રસારણ કરાતું હતું. એ પછીથી દરરોજ સાંજે 7:30થી 8:30 દરમિયાન જ એક કલાકનો કાર્યક્રમ પ્રસારિત થતો હતો. આ રેડિયો સ્ટેશન પરથી કેવા સમાચારો પ્રસારિત થતા હતા જાણો છો?
બંગાળમાં વેપારીઓ અને સરકારી એજન્ટોએ સાથે મળીને ચોખાની નિકાસ અટકાવવાનો નિર્ણય કર્યો છે. ગામવાસીઓનો કાગળના પૈસા પરથી ભરોસો ઊઠી ગયો છે. કર્ણાટકમાં ધરપકડનો આંકડો 1600એ પહોંચી ગયો છે. અમુક ગામડાંમાં અનેક વ્યક્તિઓએ આત્મસમર્પણ સ્વીકારી લીધું છે. સેંકડો લોકોને ચાબુક મારવાની સજા ફટકારાઈ છે. અમુક ગામડાંમાં ગાંધીજીને તેમના નેતા તરીકે સ્વીકારવામાં આવ્યા છે. ઘણી જગ્યાએ પ્રભાતફેરી અને સરઘસનું આયોજન કરાયું. આ સમયે પોલીસ ફાયરિંગમાં સેંકડો ઘાયલ થયા છે. બીજાપુર, કર્ણાટક, હુબલી, ઉત્તર કનારા, દક્ષિણ કનારામાં સરકારી મિલકતને નુકસાન કરવામાં આવી રહ્યું છે, જેવી માહિતી લોકો સુધી પહોંચાડવામાં આવતી હતી.
હવે એ સમજીએ કે, આ રેડિયોસ્ટેશનને સમાચારો મળતા કેવી રીતે હતા? દેશભરમાંથી સંદેશાવાહકો મારફતે સમાચાર મેળવાતા હતા. આ ઉપરાંત મુંબઈ ખાતે આવેલી ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટી પણ સમાચારનું એક સ્રોત હતું. ચિત્તાગોંગ બૉમ્બકાંડ, જમશેદપુરની હડતાળ અને બલિયાની ઘટના સૌથી પહેલાં સિક્રેટ રેડિયો પરથી બ્રોડકાસ્ટ કરાઈ હતી. સિક્રેટ રેડિયો ફેમસ કેવી રીતે થયો એ ઘટના પણ ઇન્ટરેસ્ટિંગ છે. સમાચારો પર કડક પ્રતિબંધો લાદી દેવામાં આવ્યા હતા અને પત્રકારોને જેલમાં ધકેલી દેવામાં આવતા હતા, જેથી કરીને ભારતમાં બની રહેલી ઘટનાઓથી સામાન્ય જનતા વંચિત બની રહે. જે ખબરો ક્યાંય નહોતી મળતી તે કોંગ્રેસ રેડિયોથી લોકો સુધી પહોંચતી હતી એટલે તેમને બહોળો પ્રતિસાદ મળી રહ્યો હતો.
જો કે, સિક્રેટ રેડિયોનો ભાંડો આખરે ફૂટી ગયો હતો! ‘ધ ક્વિટ ઇન્ડિયા મુવમૅન્ટ’ પુસ્તક પ્રમાણે 12 નવેમ્બર, 1942ની રાત્રે નવ વાગીને પાંચ મિનિટે પોલીસે છાપો માર્યો અને એમાં ઉષા મહેતા અને તેમના સાથીઓની ધરપકડ થઈ હતી. પોલીસે છાપા દરમિયાન ટ્રાન્સમિશન સેટની સાથે 7થી 10 હજારની કિંમતના 120 ગ્રામોફોન રેકર્ડ્સ અને 22 ધાતુની પેટીઓમાં રખાયેલી AICCની બેઠકની તસવીરો અને સાઉન્ડ ફિલ્મ જપ્ત કરી હતી. ખરેખર પોલીસે એક અઠવાડિયા પહેલાં મહત્ત્વની ગણાતી રેડિયોની દુકાનો પર છાપા માર્યા હતા. જ્યાં તેમણે ટેક્નિશ્યન્સની પણ ધરપકડ કરી હતી, જેમાંથી એકે ભાંડો ફોડી દીધો હતો.