કોવિન એપ્લિકેશન પર આવી રહેલી ટેકનિકલ સમસ્યાઓ અને કોરોના વાયરસ રસી લેનારાઓને ઓળખવામાં મુશ્કેલીઓને લીધે રસીકરણ અભિયાનને માઠી અસર પહોંચી રહી હોવાનું કહેવામાં આવી રહ્યું છે. આ વેક્સિનના બીજા ડોઝ માટે વેક્સિન કાર્યક્રમ પર અસર થઇ રહી છે. તમામ રાજ્યોના અહેવાલોમાં આ વાત સામે આવી છે કે લોકો બીજો ડોઝ લેવા માટે આવી રહ્યા નથી.
ઉત્તરપ્રદેશ, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, રાજસ્થાન, બિહાર અને ગુજરાત સહિત છ રાજ્યોમાં રસીનો બીજો ડોઝ સોમવારથી શરૂ થયો છે. શનિવારથી બંગાળ, ગોવા, તામિલનાડુ અને હરિયાણામાં રસીકરણનો બીજો રાઉન્ડ શરૂ થયો છે. બીજો ડોઝ 28 દિવસના વિરામ પછી આપવામાં આવે છે. રસીકરણનો કાર્યક્રમ 16 જાન્યુઆરીએ શરૂ થયો હતો.
બંગાળમાં ફક્ત 7273 લોકોએ બીજો ડોઝ લીધો છે, જ્યારે 16 જાન્યુઆરીએ પ્રથમ રાઉન્ડમાં લગભગ 15 હજાર લોકોને રસી આપવામાં આવી હતી. પ્રથમ તબક્કાની તુલનામાં બીજા તબક્કામાં માત્ર ચાર ટકા લોકોએ પંજાબમાં રસી લીધી હતી. 16 જાન્યુઆરીએ, 1319 આરોગ્ય કર્મચારીઓને રસી આપવામાં આવી હતી, જ્યારે બીજા તબક્કામાં ફક્ત 59 લોકોને રસી આપવામાં આવી હતી.
આ આંકડાઓ એવું દર્શાવી રહ્યા છે કે લોકો કોરોના વેક્સિન લેતા ડરી રહ્યા છે અથવા પહેલો ડોઝ લીધાં પછી આડઅસરને લીધે પણ આવું થયું હોવાની સંભાવના દર્શાવવામાં આવી રહી છે. પહેલો ડોઝ ઉત્સાહથી લેનારા આરોગ્યકર્મીઓ બીજો ડોઝ લઇ રહ્યા નથી એવામાં સામાન્ય લોકોમાં એક ખોટો સંદેશ જવાની પણ સંભાવના રહી છે.
ભારતમાં હાલમાં બે રસીઓનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ઓક્સફર્ડ-એસ્ટ્રાઝેનેકાની કોવિશિલ્ડ અને ભારત બાયોટેકની કોવિસીન. આ બંને રસી માટે બે ડોઝ લાગુ કરવામાં આવી રહ્યા છે. પ્રથમ અને બીજા ડોઝ વચ્ચે ચાર અઠવાડિયાનો સમય આપવામાં આવી રહ્યો છે. ડોકટરો કહે છે કે આ રસીની અસર બે ડોઝ વિના જોવા નહીં મળે. દેશભરમાં એવા ઘણા કિસ્સા બન્યાં છે જ્યાં રસીની એક માત્રા પછી લોકોને કોરોનામાં ચેપ લાગ્યો છે. આનાથી સરકારની ચિંતા વધી ગઈ છે.