National

બિહાર NDAમાં બેઠક વહેંચણીનો મુદ્દો સોલ્વ, જેપી નડ્ડા સાથે મુલાકાત બાદ ચિરાગ પાસવાને કરી જાહેરાત

બિહાર: બિહારમાં (Bihar) એનડીએમાં બેઠકોની વહેંચણીને લઈને લાંબા સમયથી ચાલી રહેલ સસ્પેન્સ હવે સમાપ્ત થઈ ગયું છે. હવે બિહારની એનડીએમાં (NDA) સીટની વહેંચણી થઇ ચુકી છે. જેના સમાચાર ચિરાગ પાસવાને (Chirag Paswan) પોતાના એક્સ હેન્ડલ ઉપર આપ્યા હતા. આ સાથે જ બિહારમાં કોની પાર્ટીને કેટલી સીટ મળશે તે પણ નક્કી થઇ ચૂક્યુ છે.

બિહારમાં લોકસભા સીટોને લઈને એનડીએમાં મંથન ચાલી રહ્યું હતું. જેને ધ્યાનમાં રાખીને જમુઈના સાંસદ તેમજ એલજેપીઆરના વડા ચિરાગ પાસવાને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘એક્સ’ પર જાહેરાત કરી હતી કે એનડીએના સભ્ય તરીકે તેઓ આજે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાને મળ્યા હતા. ચિરાગે કહ્યું કે બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ સાથેની બેઠકમાં તેમણે આગામી લોકસભા ચૂંટણી માટે બિહારમાં સીટ શેરિંગને અંતિમ રૂપ આપ્યું છે. ચિરાગ પાસવાને કહ્યું કે યોગ્ય સમય આવશે ત્યારે અન્ય માહિતી આપવામાં આવશે.

અત્યાર સુધી એવી ચર્ચા હતી કે ચિરાગ પાસવાન અને ભાજપ વચ્ચેના સંબંધોમાં તિરાડ છે. પરંતુ હવે ખુદ ચિરાગ પાસવાનની સોશિયલ મીડિયા પોસ્ટ પરથી એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે બિહારની સીટ પર તેમના માટે મામલો ફાઇનલ થઈ ગયો છે. ચિરાગ પાસવાને પણ સ્પષ્ટ કર્યું છે કે તેઓ NDA સાથે જ રહેશે. પરંતુ જેપી નડ્ડા સાથે મુલાકાત કર્યા બાદ ચિરાગે ગઠબંધનમાં કેટલી સીટો મળશે તેનો ખુલાસો કર્યો નથી. આવી સ્થિતિમાં હાજીપુર બેઠક અંગે આગામી સમયમાં શું જાહેરાત થાય છે તે જોવું રસપ્રદ રહેશે.

સૂત્રોના જણાવ્યા અનુસાર જીતન રામ માંઝીની પાર્ટી એચએએમને 1 સીટ, ઉપેન્દ્ર કુશવાહાને 1 સીટ, પશુપતિ પારસને સમસ્તીપુરની 1 સીટ અને ચિરાગ પાસવાનને હાજીપુર સહિત 4 સીટ આપવા પર સહમતિ થઇ છે. આ સિવાય નીતીશ કુમારની પાર્ટી જેડીયુ 16 સીટો પર ચૂંટણી લડી શકે છે.

જણાવી દઈએ કે આજે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાના ઘરે એક બેઠક યોજાઈ હતી, જેમાં જેપી નડ્ડાએ ચિરાગ પાસવાન અને મંગલ પાંડે સાથે બેઠક વહેંચણી અંગે ચર્ચા કરી હતી. અગાઉ મંગલ પાંડેએ પણ સીટ વહેંચણી અંગે પશુપતિ પારસ સાથે મુલાકાત કરી હતી.

સૂત્રોનું માનીએ તો ભાજપ હાજીપુર સીટ ચિરાગ પાસવાનને આપવા માંગે છે. જોકે, પશુપતિ પારસ હાજીપુર સીટથી સાંસદ છે. તેઓ લાંબા સમયથી હાજીપુર બેઠક પરથી ચૂંટણી લડશે તેવી યોજના બનાવી રહ્યા હતા. પરંતુ ચિરાગ પાસવાન પણ હાજીપુર બેઠક પરથી દાવેદારી કરી રહ્યા હતા. તેમણે કહ્યું કે તેઓ રામવિલાસ પાસવાનના રાજકીય ઉત્તરાધિકારી છે. તેથી તેમને ગઠબંધનમાં હાજીપુર બેઠક મળવી જોઈએ. આ કારણે કાકા અને ભત્રીજા (પશુપતિ પારસ અને ચિરાગ પાસવાન) વચ્ચે દુશ્મનાવટ શરૂ થઈ ગઈ હતી. પશુપતિ પારસે દાવો કર્યો હતો કે રામ વિલાસ પાસવાને તેઓ જીવતા હતા ત્યારે તેમને હાજીપુર બેઠક પરથી ઉમેદવાર બનાવ્યા હતા. તેથી તેઓ હાજીપુર બેઠકના હકદાર માલિક છે.

Most Popular

To Top