World

મધ્ય ઈરાનમાં સર્ચ ઓપરેશન તેજ, 2 ક્રૂ સભ્યો માટે અમેરિકાએ શરૂ કર્યું રેસ્ક્યુ ઓપરેશન

ઈરાનમાં એક યુએસ ફાઈટર જેટ તોડી પાડવામાં આવ્યું હોવાના અહેવાલો સામે આવ્યા બાદ, આ ઘટનાને પગલે અમેરિકી સેનાએ ગુમ થયેલા ક્રૂ સભ્યોને શોધવા માટે વિશાળ સ્તરે સર્ચ અને રેસ્ક્યુ ઓપરેશન શરૂ કર્યું હોવાનું કહેવાઈ રહ્યું છે. જોકે, આ સમગ્ર ઘટનાને લઈને હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ સામે આવી નથી, જેના કારણે પરિસ્થિતિ ગૂંચવણભરી બની છે. અહેવાલો મુજબ, ઈરાની હવાઈ વિસ્તારમાં એક અમેરિકન ફાઈટર જેટ તોડી પાડવામાં આવ્યું હતું. તે સમયે વિમાનમાં બે ક્રૂ સભ્યો સવાર હતા. આ ઘટનાના તરત બાદ અમેરિકા દ્વારા બંને સભ્યોને શોધવા માટે કામગીરી શરૂ કરવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા મુજબ આ શોધ અભિયાન ખાસ કરીને મધ્ય ઈરાનના વિસ્તારોમાં કેન્દ્રિત છે, જ્યાં વિમાન પડ્યું હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

ઈરાનના રાજ્ય મીડિયા દ્વારા જણાવાયું છે કે શોધ કામગીરી માટે હેલિકોપ્ટર, સૈન્ય વિમાનો અને ડ્રોનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. કેટલાક ઓનલાઇન વિડીયો અને તસ્વીરોમાં આ વિસ્તારમાં હવાઈ ગતિવિધિઓ વધેલી જોવા મળી રહી છે, જે સૂચવે છે કે સર્ચ ઓપરેશન સક્રિય રીતે ચાલુ છે. અહેવાલો અનુસાર, શોધ વિસ્તાર લગભગ 15500 ચોરસ કિલોમીટર જેટલો વિશાળ છે, જે મુખ્યત્વે ગ્રામ્ય અને પહાડી વિસ્તાર છે. આ વિસ્તારમાં લુર સમુદાયના લોકો વસે છે અને મોટાભાગના લોકો ખેતી સાથે જોડાયેલા છે. સાથે જ, આ પ્રદેશનો દક્ષિણ ભાગ તેલ ઉત્પાદન માટે મહત્વનો હોવાથી તેનું વ્યૂહાત્મક મહત્વ પણ છે.

જોકે, આ ઘટનાને લઈને ઘણી બાબતો હજુ સ્પષ્ટ થઈ નથી. ફાઈટર જેટ ખરેખર તોડી પાડવામાં આવ્યું હતું કે કોઈ ટેકનિકલ ખામીના કારણે ક્રેશ થયું હતું, તે અંગે વિસંગત માહિતી સામે આવી રહી છે. કેટલાક અહેવાલોમાં આ અદ્યતન પાંચમી પેઢીના ફાઇટર જેટ હોવાનો દાવો પણ કરવામાં આવ્યો છે, જે આ ઘટનાને વધુ ગંભીર બનાવે છે. અમેરિકા તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી, જેના કારણે આ ઘટનાની પુષ્ટિ થઈ શકી નથી. બીજી તરફ, ઈરાન પણ પોતાની તરફથી સ્પષ્ટ માહિતી આપતું નથી. આ સાથે જ અમેરિકા, ઈઝરાયલ અને ઈરાન વચ્ચે સતત હુમલા અને પ્રતિક્રિયાઓના અહેવાલોથી સમગ્ર વિસ્તારમાં સંઘર્ષ વધુ ઉગ્ર બનવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

Most Popular

To Top