Columns

શ્રીકૃષ્ણ દેવલોક થયા પછીસમુદ્રમાં ડૂબી ગયેલા નગરની શોધ

છેલ્લી સદીના ઉત્તરાર્ધમાં ભારતના પુરાતત્વવિદોએ આજના દ્વારકા શહેરની નજીક પ્રાચીન ડૂબી ગયેલા નગર દ્વારકાની શોધ શરૂ કરી છે. નિષ્ણાતો તેનાં અસ્તિત્વ અંગેના વિવાદનો અંત લાવવા માટે આવા પુરાવા શોધવાનો પ્રયાસ કરી રહ્યા છે. ભારતીય પુરાતત્વ સર્વેક્ષણના એડીજી ડૉ. આલોક ત્રિપાઠી સમજાવે છે કે, ભારતમાં દ્વારકાનું વિશેષ મહત્વ છે. આ એ જ નગર છે જે મહાભારતમાં વર્ણવેલ વાર્તા સમયે અસ્તિત્વમાં હતું.


ડૉ. આલોક ત્રિપાઠી પ્રાચીન ડૂબી ગયેલા અવશેષોનાં નિષ્ણાત છે. તેઓ હિંદ મહાસાગરમાં ડૂબી ગયેલા ખંડેરોની શોધ કરે છે. તેઓ કહે છે, ડૂબી ગયેલા ખંડેરોનું સૌથી મહત્વપૂર્ણ ખોદકામ દ્વારકાની શોધના સંદર્ભમાં કરવામાં આવ્યું હતું. આ સ્થળ તેનાં ઇતિહાસ, ધાર્મિક મહત્વ અને તેના પુરાતત્વને કારણે ખાસ છે.
ચાલો પહેલાં જાણીએ દ્વારકાની કહાની દ્વારકા યાત્રાળુઓ માટેના સાત મહત્વપૂર્ણ પવિત્ર સ્થળોમાંનું એક છે. મહાભારત કાળની કહાનીઓમાં આ શહેરનો ઉલ્લેખ ભગવાન કૃષ્ણના રાજ્ય તરીકે કરવામાં આવ્યો છે. એવું કહેવાય છે કે શ્રી કૃષ્ણના મૃત્યુ પછી જ આ શહેર ડૂબી ગયું હતું. દ્વારકા વિશે જાણનારા કહે છે, ભગવાન કૃષ્ણ આ નગરમાં સો વર્ષ રહ્યા હતા. દ્વારકા 84 ચોરસ કિલોમીટરના વિસ્તારમાં ફેલાયેલું એક દુર્ગમ રાજ્ય હતું, જે ગોમતી નદીના કિનારે સ્થાપિત થયું હતું અને જ્યાં ગોમતી હિંદ મહાસાગરને મળે છે. બીજા જાણનારાઓ કહે છે, જ્યારે ભગવાન કૃષ્ણ આ દુનિયા છોડીને ગયા, ત્યારે સમુદ્રના પાણી દ્વારકાને ગળી ગયાં હતાં. મહાભારતના ત્રીજા અધ્યાયમાં વર્ણન છે કે જ્યારે શ્રી કૃષ્ણ 125 વર્ષ પછી આ પૃથ્વી છોડીને ગયા, ત્યારે સમુદ્ર દેવે કૃષ્ણના મહેલ સિવાય બાકીની જમીન પાછી લઈ લીધી હતી.


ડૉ. આલોક ત્રિપાઠીના જણાવ્યા મુજબ, છેલ્લી સદીના મધ્યમાં પુરાતત્વવિદોએ નક્કર પુરાવા શોધવાનો પ્રયાસ કર્યો હતો, જેથી તેઓ તેને ઐતિહાસિક રીતે સ્થાપિત કરી શકે. 1960ના દાયકામાં પુણે સ્થિત ડેક્કન કોલેજ દ્વારા પ્રથમ ખોદકામ હાથ ધરવામાં આવ્યું હતું અને 1979માં ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ દ્વારા બીજો પ્રયાસ કરવામાં આવ્યો હતો, જે દરમિયાન નિષ્ણાતોને જૂના માટીકામના કેટલાક અવશેષો મળ્યા હતા, જે તેઓ 2000 બીસીના હોવાનું માનતા હતા. સાયન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રિયલ રિસર્ચ કાઉન્સિલ (CASIR)ના ભૂતપૂર્વ વડા અને વૈજ્ઞાનિક ડૉ. રાજીવ નિગમ કહે છે કે, મહાભારતમાં કૃષ્ણ કહે છે કે દ્વારકા નગર સમુદ્રમાંથી નીકળેલી જમીન પર બનાવવામાં આવ્યું હતું, પરંતુ જ્યારે તેનું પાણી તેનાં મૂળ સ્થાને પાછું ફર્યું, ત્યારે શહેર ડૂબી ગયું હતું. તેઓ સમજાવે છે, હાલના દ્વારકાધીશ મંદિરની નજીક પાણીની અંદર ખોદકામ શરૂ થયું હતું. અહીં મંદિરોની શ્રેણી મળી આવી હતી, એટલે કે જેમ જેમ પાણીનું સ્તર વધતું ગયું, તેમ તેમ મંદિરોનું સ્થાન વધતું ગયું હતું. આ અવલોકનથી ભારતના પ્રખ્યાત પુરાતત્વવિદ્ ડૉ. એસ.આર. રાવને ખાતરી થઈ કે શા માટે દરિયા કિનારે ખોદકામ કરીને આ ડૂબી ગયેલા નગરનો વાસ્તવિક પુરાવો ન શોધી કાઢવો જોઈએ.
ડૉ. આલોક ત્રિપાઠીના જણાવ્યા મુજબ, ખોદકામ દરમિયાન વિવિધ કલાકૃતિઓ અને અવશેષો મળી આવ્યા હતા. અમને સુંદર રંગીન વસ્તુઓ મળી હતી, જેમાં ઘણા રંગોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
અમને સફેદ સપાટી પર લાલ રંગની કારીગરી મળી હતી. અહીં પાંચસોથી વધુ કલાકૃતિઓ અને વિવિધ નમૂનાઓ મળી આવ્યા હતા જે બે હજાર વર્ષની સાંસ્કૃતિક સાતત્યના નક્કર પુરાવા છે. અમને પાણીની નીચે પથ્થરોથી બનેલા ખંડિત માળખાં મળ્યા હતા. જો કે, અમને તે પથ્થરો મળી આવ્યા ત્યાંનો પ્રવાહ ખૂબ જ ઝડપી છે.
પ્રાચીન દ્વારકા શહેરની ઘણી કલાકૃતિઓ સમુદ્રમાં મળી આવી છે. પથ્થરના બ્લોક્સ, સ્તંભો અને સિંચાઈ સાધનો વગેરે. પરંતુ અહીં મળેલી પ્રાચીન કલાકૃતિઓની ઉંમર હજુ પણ ચર્ચામાં છે. ડૉ. આલોક ત્રિપાઠી કહે છે, 2007માં વ્યાપક ખોદકામ કરવામાં આવ્યું હતું. હું આ પ્રોજેક્ટનો ડિરેક્ટર હતો. દ્વારકા ભારતના પશ્ચિમ કિનારે આવેલું છે. તેનું સ્થાન ઐતિહાસિક સાહિત્યમાં વર્ણવ્યા મુજબ બરાબર છે. તે ગોમતી નામની એક નાની નદી છે જે સમુદ્રને મળે છે અને દ્વારકા એક નગર છે. તેથી અમે ખોદકામ માટે તેની આસપાસ 200 ચોરસ મીટરનો વિસ્તાર પસંદ કર્યો હતો અને અમે આ વિસ્તારની સંપૂર્ણ પુરાતત્વીય તપાસ કરી હતી. અમને 50 ચોરસ મીટરમાં વધુ કલાકૃતિઓ મળી જે કદમાં મોટી અને મજબૂત છે. અહીં અમને 10 મીટરના વિસ્તારમાં ખંડેર મળ્યા જે સમુદ્ર દ્વારા નાશ પામ્યાં હતાં. અમે લગભગ બે નોટિકલ માઇલ બાય એક નોટિકલ માઇલના વિસ્તારનો હાઇડ્રો સર્વે કર્યો હતો. આ વિસ્તારના હાઇડ્રો સર્વે ડેટા દર્શાવે છે કે નદીનો પ્રવાહ બદલાઈ રહ્યો છે.
તેમણે વધુમાં જણાવ્યું કે, અમે તેને ખૂબ જ ચોક્કસ રીતે માપ્યું અને ડાઇવિંગ સ્થળોને યોગ્ય રીતે ચિહ્નિત કર્યા હતા. અમે જ્યાં પણ ગયા ત્યાં પથ્થરોને નંબર આપ્યા હતા. અમે જેમ જેમ આગળ વધ્યા જાણવા મળ્યું કે આ સ્થાનો કુદરતી વનસ્પતિથી ઢંકાયેલા છે. જ્યારે તેમના આકાર સ્પષ્ટ થઈ જશે, ત્યારે વધુ જાણકારી સામે આવશે. આ સ્થળે ઘણા પથ્થરો મળી આવ્યા છે જે સાબિત કરે છે કે અહીં એક સમયે એક મોટું બંદર હોવું જોઈએ.
ડૉ. રાજીવ નિગમ કહે છે, સમુદ્ર સપાટીમાં કેવા પ્રકારના વધઘટ થયા છે તે જાણવા માટે અમે કમ્પ્યૂટરની મદદથી છેલ્લા પંદર હજાર વર્ષના રેકોર્ડનો એક પ્રોજેક્શન તૈયાર કર્યો છે. પંદર હજાર વર્ષ પહેલાં સમુદ્ર સપાટી સો મીટર નીચે હતી.
પછી સમુદ્ર સપાટી વધવા લાગી અને સાત હજાર વર્ષ પહેલાં સમુદ્ર સપાટી હાલના સ્તર કરતા વધારે હતી અને સાડા ત્રણ હજાર વર્ષ પહેલાં દ્વારકા નગર વસેલું હતું. સમુદ્રની સપાટી વધતાં દ્વારકાએ જળસમાધિ લીધી હતી.

Most Popular

To Top