એડિનબર્ગ : સ્કોટલેન્ડના (Scotland) બેટ્સમેન અને માજી કેપ્ટન કાઇલ કોએત્ઝરે ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી (International Cricket) નિવૃત્તિની જાહેરાત કરી છે. પોતાની કેરિયર દરમિયાન કુલ 159 ઇન્ટરનેશનલ મેચ રમીને તેમાં 5 સદી અને 27 અર્ધસદીની મદદથી 4687 રન કરનાર કોએત્ઝર સ્કોટલેન્ડ વતી વર્લ્ડકપમાં સદી ફટકારનાર પહેલો બેટ્સમેન બન્યો હતો. તેની આગેવાનીમાં સ્કોટલેન્ડે ઘણી યાદગાર જીત મેળવી હતી. તેણે 86 મેચમાં સ્કોટલેન્ડનું સુકાન સંભાળ્યું હતું, જેમાંથી 46 મેચ જીતી હતી.
તેની આગેવાનીમાં ટીમે 2021ના ટી-20 વર્લ્ડકપના સુપર-12 સ્ટેજમાં ક્વોલિફાઇ કર્યું હતું. 2018માં તેની કેપ્ટનશિપ હેઠળ સ્કોટલેન્ડે ઇંગ્લેન્ડને તેના ઘરઆંગણે હરાવ્યું હતું અને 2021ના ટી-20 વર્લ્ડકપમાં સ્કોટલેન્ડે બે વારની ચેમ્પિયન વેસ્ટઇન્ડિઝને પણ હરાવ્યું હતું. નિવૃત્તિ લીધા પછી હવે કોએત્ઝર ધ હન્ડ્રેડ ટૂર્નામેન્ટમાં નોર્ધન ડાયમંડ્સની મહિલા ટીમના સહાયક કોચ તરીકેની નવી ભૂમિકામાં જોવા મળશે.
ઇંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડે જોની બેયરસ્ટોને IPLમાં રમવા માટે એનઓસી ન આપી
નવી દિલ્હી : ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમનો (England Cricket Team ) વિકેટકીપર બેટ્સમેન જોની બેરસ્ટોને તેના ક્રિકેટ બોર્ડ દ્વારા એનઓસી (NOC) ન મળવાથી તે ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ) 2023માંથી બહાર થઈ ગયો છે. ગયા વર્ષે ગોલ્ફ રમતી વખતે બેયરસ્ટોને પગમાં ઈજા થઈ હતી જેના કારણે તે લાંબા સમયથી ક્રિકેટથી દૂર છે. બીજી તરફ ઇસીબીએ ઓલરાઉન્ડર લિયામ લિવિંગસ્ટોનને આઇપીએલમાં રમવા માટે એનઓસી આપી દીધી છે. આ બંને ખેલાડી પંજાબ કિંગ્સનો ભાગ છે.
- ગોલ્ફ રમતી વખતે થયેલી ઇજાને કારણે લાંબા સમયથી ક્રિકેટથી દૂર બેયરસ્ટોને એનઓસી ન મળતા આ વખતે આઇપીએલમાં જોવા નહીં મળે
- ઇંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડ દ્વારા ઇજામાંથી સાજા થયેલા ઓલરાઉન્ડર લિયામ લિવિંગસ્ટોનને આઇપીએલમાં રમવા માટે મંજૂરી આપી
ઈંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડ (ઇસીબી)એ ઘૂંટણ અને પગની ઈજામાંથી સાજા થયેલા ઓલરાઉન્ડર લિયામ લિવિંગસ્ટોનને 31 માર્ચથી શરૂ થઈ રહેલી આઇપીએલમાં રમવાની મંજૂરી આપી છે. પંજાબ કિંગ્સે આઇપીએલ ઓક્શનમાં લિવિંગસ્ટોન અને બેયરસ્ટોને અનુક્રમે રૂ. 11.50 કરોડ અને રૂ. 6.75 કરોડમાં પોતાની ટીમમાં સામેલ કર્યા હતા. મીડિયા રિપોર્ટસ અનુસાર પંજાબ કિંગ્સ માટે એક સારા અને એક ખરાબ સમાચાર ઇસીબીએ આપ્યા છે. ઇસીબીએ લિવિંગસ્ટોનને આઇપીએલમાં ભાગ લેવા માટે લીલી ઝંડી આપી દીધી છે, પણ બેયરસ્ટોને તેમાં ભાગ લેવાની મંજૂરી મળી નથી. ગોલ્ફ કોર્સ પર લપસ્યા પછી બહુવિધ ફ્રેક્ચરને કારણે બેયરસ્ટો સપ્ટેમ્બરમાં ટી-20 વર્લ્ડકપની સાથે જ પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડના ટેસ્ટ પ્રવાસમાં ચૂકી ગયો હતો.