Gujarat

વિદ્યાસહાયક, પ્રાથમિક શિક્ષકો અને મુખ્યશિક્ષકોની બદલીના નવા નિયમો જાહેર કરાયા

ગાંધીનગર: રાજયના 2 લાખ પ્રથિક શિક્ષકોને (Teacher) લાભ થાય અને લાંબાગાળાની અસર જન્માવે તેવા મહત્વના નિર્ણયના ભાગરૂપે રાજય સરકારે આજે વિધાસહાયક, પ્રાથમિક શિક્ષકો અને મુખ્યશિક્ષકોની બદલીઓના નવા નિયમો જાહેર કર્યા છે. આ નવા નિયોમના અમલ સાથે રાજયભરમાં એકીસામટા 4 હજાર જેટલા પ્રથમિક શિક્ષકોની બદલીના આદેશનો ખરેખર અમલ પણ થઈ જશે. તેઓને છૂટા કરીને નવી જગ્યાએ હાજર કરાશે.

રાજ્યના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ આજે બપોર પછી આ નવા નિયમો જાહેર કરતા કહયું હતું કે વિદ્યાર્થીઓના શિક્ષણનું હિત, શિક્ષકોનું હિત તથા વહીવટીતંત્રનું હિત જળવાય એ માટે અંદાજે બે લાખથી વધુ શિક્ષકોને લાભ થશે.આ ઉપરાંત એકજ સાથે 4 હજાર જેટલા શિક્ષકોની બદલીના ઓર્ડર ઈશ્યુ થયેલા છે પરંતુ શિક્ષણ બગડે નહીં તે કારણોસર તેઓને છૂટા નહોતા કરાંતા હવે તેઓને ત્વીરત છૂટા કરીને વતનની જગ્યાએ તેમના પરિવાર સાથે રહી શકે તે રીતે બદલીના આદેશનો અમલ કરી દેવાશે.

દશ વર્ષ પહેલા પ્રાથમિક શિક્ષકોની બદલીઓ સંદર્ભે નિયમો ઘડાયા હતા. આ નિયમોમાં બદલાવ માટે પ્રાથમિક શિક્ષણના સંઘો દ્વારા રજુઆતો થઇ હતી જેની પગલે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સંપૂર્ણ સંવેદના સાથે નિયમોમાં મહત્વના ફેરફાર કરવા દિશા-નિર્દેશો આપ્યા છે. ગુજરાત રાજ્ય શૈક્ષિક સંઘના પ્રમુખ ભીખાભાઇ પટેલ, ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ દિગ્વીજયસિંહ જાડેજા સહિત મંડળના હોદેદારો સાથે શિક્ષણ વિભાગના સચિવ વિનોદ રાવ, પ્રાથમિક શિક્ષણ નિયામક મહેશ જોષી સહિત ઉચ્ચ અધિકારીઓ સાથે તબક્કાવાર ફળદાયી બેઠક યોજાઇ હતી. જેની ફળશ્રુતિ સ્વરૂપે આ નિર્ણયો લેવાયા છે. આ નિર્ણયોને સંઘો દ્વારા વધાવી લઇ તેને ઐતિહાસિક નિર્ણયો ગણાવ્યા છે.

બદલીના નવા નિયમોની હાઈલાઈટ
● અત્યાર સુધી જે શિક્ષકોની બદલી થઇ ગઈ છે પરંતુ ૧૦ ટકા કરતાં વધુ મહેકમ ખાલી પડતું હોવાના કારણે છૂટા થઇ શક્યાં નથી તેવા બદલી પામેલા તમામ શિક્ષકોને ખાસ કિસ્સા તરીકે છૂટા કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જે શાળામાં બદલીવાળા શિક્ષકોને છૂટા કરવાના કારણે શૂન્ય શિક્ષકવાળી શાળા થતી હોય ત્યાં છેલ્લે છૂટા થવા પાત્ર શિક્ષકને નવા શિક્ષક આવે ત્યારે જ છૂટા થવાનું રહેશે. છેલ્લા ત્રણ વર્ષમાં બદલી થયેલી હોય અને છૂટા ન કરાયા હોય તેવા તમામ શિક્ષકોને પણ આ નિર્ણય લાગુ પડશે.
● પ્રાથમિક શિક્ષકોની બદલીના નિયમો તા.૨૩-૦૫-૨૦૧૨ના ઠરાવથી નિયત થયા હતા. માન્ય શિક્ષક સંગઠનો તેમજ શિક્ષકોનું હિત ધ્યાને લઈ રાજ્ય સરકાર દ્વારા નવા નિયમો તૈયા૨ ક૨વામાં આવ્યા છે. જે અંતર્ગત અત્યા૨ સુધી જે તે જિલ્લામાં ખાલી જગ્યાના ૪૦ ટકા શિક્ષકોને જિલ્લા ફેરબદલીનો લાભ આપવામાં આવતો હતો તેના બદલે નવા નિયમો મુજબ જે તે જિલ્લામાં ખાલી ૧૦૦ ટકા જગ્યા પ૨ જિલ્લા ફેરબદલીનો લાભ આપવામાં આવશે.

● જિલ્લા ફેર અરસપરસ અને જિલ્લા આંતરિક અરસપરસ બદલીમાં સંબંધિત શિક્ષકોના વતન હોવા જરૂરી હતા તે જોગવાઇ દૂ૨ ક૨વામાં આવેલ છે એટલે કે ‘વતન’ શબ્દ દૂ૨ ક૨વામાં આવ્યો છે. તે ઉપરાંત શિક્ષક સંઘો અને તેમના પ્રતિનિધિઓ સાથે પુરતી ચર્ચા વિચારણાને અંતે એવો પણ નિર્ણય લેવામાં આવ્યો છે કે, જે શિક્ષકો વધ બદલીથી અન્ય શાળામાં ગયેલા છે તેવા શિક્ષકોને જો તેઓ મૂળ શાળામાં જગ્યા ખાલી પડે તો બે વધઘટ બદલી કેમ્પ સુધી મૂળ શાળા ઇચ્છે તો માંગી શકે.
● ૧૦ વર્ષ એક જ જગ્યાએ નોકરી ક૨વાની શરતે જે શિક્ષકોને નિમણૂંક આપવામાં આવી છે તેવા શિક્ષકો પાંચ વર્ષ પછી જિલ્લા ફેરબદલી કે જિલ્લા અરસ પરસ બદલી માટે અરજી કરી શકશે. એટલું જ નહિ, જે સ૨કારી કર્મચારીઓ રાજ્યના એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં બદલીપાત્ર છે તેવા કર્મચારીઓના પતિ-પત્ની જો સરકારી શાળામાં પ્રાથમિક શિક્ષક કે મુખ્ય શિક્ષક હોય તો તેઓને સરકારી કર્મચારીના બદલીવાળા જિલ્લામાં પ્રતિનિયુક્તિથી મૂકી શકાશે.

● પતિ-પત્નીના કિસ્સામાં બદલીનો લાભ હવેથી અનુદાનિત સંસ્થાઓ, ગુજરાત સ૨કા૨ના જાહેર સાહસો, કેન્દ્ર અને રાજ્ય સરકારની સરકારી કંપનીઓના કિસ્સામાં પણ મળવાપાત્ર થશે. તે ઉપરાંત બદલીઓના કિસ્સામાં ફરિયાદ નિવારણ માટે ફરિયાદ નિવારણ સમિતિની રચના કરવામાં આવી છે. એટલે કે બદલી બાબતે જે કોઇ રજૂઆત – ફરિયાદ હોય તો સંબંધિત શિક્ષક – મુખ્ય શિક્ષક દ્વારા ફરિયાદ નિવારણ સમિતિને રજૂઆત કરી શકાશે અને ફરિયાદ નિવારણ સમિતિ તેનું નિરાકરણ ક૨શે. જેથી શિક્ષકોને બિનજરૂરી કોર્ટ કેસ કરવાની જરૂરિયાત ઉપસ્થિત થશે નહીં.

Most Popular

To Top