સુરત : ધરમપુર (Dharampur) તાલુકાના ઓઝરપાડા ખાતે કન્યા સાક્ષરતા નિવાસી શાળામાં (School) અભ્યાસ કરતી 600 વિધાર્થિનીઓને (Student) શાળાના રસોઈયા દ્વારા વિધાર્થિઓના નાહતી વખતના બિભત્સ ફોટા (Photo) તથા વિડીયો ઉતારી બિભત્સ માંગણીઓ કરતાં શાળા પરિસરમાં વાલીઓનું ટોળું ધસી આવી શાળાના આચાર્ય, ગૃહમાતા તથા રસોઈયાની બદલી સાથે ભારે હોબાળો મચાવ્યો હતો.
ધરમપુરના ઓઝરપાડા ગામે કન્યા સાક્ષરતા નિવાસી શાળામાં 600 આદિવાસી વિધાર્થિનીઓ અભ્યાસ કરે છે. આ શાળામાં રસોઈયા તરીકે ફરજ બજાવતા ત્રણ જેટલા રસોઈયાઓએ વિધાર્થિનીના નહાતા હોય તે વખતના બિભત્સ ફોટા તથા વિડીયો ઉતાર્યો હતો. શાળામાં અભ્યાસ કરતી બાળકીઓને ‘એક રાત મેરે સાથ સોયેગી’ જેવા બિભત્સ મેસેજ કરી રસોઈયા દ્વારા બાળકીઓને ખોટી રીતે હેરાન કરવામાં આવતી હોવાની જાણ વાલીઓને થતાં મોટી સંખ્યામાં વાલીઓ શાળાના કેમ્પસમાં આવી પહોંચી ભારે હોબાળો મચાવ્યો હતો. આચાર્ય સામે નારાજગી વ્યક્ત કરી શાળામાં રસોઈયા તરીકે પુરુષ નહીં પરંતુ મહિલા રસોઈયા મૂકવાની માંગ કરી હતી. વિધાર્થિનીઓએ શાળાના આચાયૅ નિતા ચૌધરી તથા ગૃહમાતા અને રસોઈયાઓની તાત્કાલિક બદલી માટેની માંગ પણ કરી હતી.
વિધાર્થિનીઓ સાથે અત્યાચાર કરનારની ધરપકડ કરવાની માંગ
દરમિયાન ઓઝરપાડા શાળા પહોંચેલા તા.પં.ના અપક્ષ સભ્ય કલ્પેશ પટેલે પણ બહારના આવા તત્વો સામે કાયદેસર કાર્યવાહી કરવા તથા આદિવાસી વિધાર્થિનીઓ સામે અત્યાચાર કરનારની ધરપકડ કરવાની માંગ પીએસઆઈ સગરને કરી હતી.
પીંપરીની શાળાનું મકાન ખંડેર બનતા 441 બાળકોનાં જીવ જોખમમાં
સાપુતારા : ડાંગ જિલ્લામાં સરકારીમાંથી ખાનગીકરણ થયેલી પીપરીની શાળાનું મકાન ખંડેર હાલતમાં ફેરવાઈ જતા 441 બાળકોનાં જીવ જોખમમાં મુકાઈ ગયા છે. ડાંગનાં આહવા તાલુકામાં સમાવિષ્ટ પીંપરીની શાળાને રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2005-2006 દરમ્યાન પાંચ વર્ષનાં પી.પી.પી ધોરણે ભારતીય જનસેવા સંસ્થાન ટ્રસ્ટને સોંપી ખાનગીકરણમાં તબદીલ કરી હતી. શાળામાં અભ્યાસ કરતા આદિવાસી બાળકોને અદ્યતન સુવિધાઓ સાથે શિક્ષણ મળી રહે તથા શાળાનું મકાન નવુ બને તેવી શરતો સાથે સરકારે ભારતીય જનસેવા સંસ્થાન ટ્રસ્ટને સોંપણી કરી હતી. પરંતુ શાળાનું ખાનગીકરણ થયાને આજે 17 વર્ષ વીતી ગયા છતાં ટ્રસ્ટીઓએ શાળાનાં મકાનને નહીં સુધારતા શાળાનાં ઓરડા ખંડેર હાલતમાં ફેરવાઈ ગયા છે. મકાનનાં સ્લેબ સહિત દીવાલનાં પોપડા ઉખડી જતા અભ્યાસ કરતા ધોરણ 9 થી 12નાં 441 આદિવાસી બાળકોનો જીવ જોખમમાં મુકાઈ ગયો છે.
શાળાનું મકાન એટલી હદે જર્જરિત બની જતા પ્રાચીન સમયનાં પિરામીડની પ્રતિકૃતિનો અહેસાસ અપાવી રહ્યુ છે. શાળાની જમીન સરકારી આશ્રમશાળા સાથે સંલગ્ન હોય તેમ છતાંય બેદરકાર ટ્રસ્ટીઓએ વિદ્યાર્થીઓ માટે રમતગમતનું મેદાન સહિત સંરક્ષણ દીવાલ પણ બનાવી નથી. ભારતીય જનસેવા સંસ્થાન ટ્રસ્ટનાં બેદરકાર ટ્રસ્ટીઓએ કમાણીની લ્હાયમાં સરકારને અંધારામાં રાખી 17 વર્ષથી શાળાનું નવીનીકરણ નહીં કરી માત્ર સ્લેબ પર પતરા ગોઠવી બાળકોને સુવિધાઓનાં નામે માત્રને માત્ર દુવિધા આપતા તપાસનો વિષય બન્યો છે.