અમદાવાદ(Ahmedabad): રાજ્યમાં (Stat) સતત બે વર્ષથી કોરોનાની (Corona) સ્થિતિમાં શાળાઓ (School) શરૂ થઇ શકી નથી. મોટા ભાગનો સમય વિદ્યાર્થીઓએ (Student) ઓનલાઇન શિક્ષણ (Online Study) મેળવ્યું છે. તેમ છતાં બીજી તરફ શાળા સંચાલકોએ ફીમાં (Fee) વધારો ઝીંકી દીધો છે. ગત વર્ષે રાજ્ય સરકાર દ્વારા શાળાની ફીમાં ૨૫ ટકા માફી આપી હતી. આ ફી માફી આ વર્ષે પણ યથાવત રાખી છે, પરંતુ સત્તાવાર પરિપત્ર બહાર પાડવામાં આવ્યો નથી. જેના પગલે રાજ્યની શાળાઓમાં ૨૫ ટકા ફી માફી જાહેર કરવામાં આવે, અને સત્તાવાર પરિપત્ર બહાર પાડવામાં આવે તેવી માંગણી સાથે પ્રદેશ એનએસયુઆઇ દ્વારા રેલી યોજીને જિલ્લા શિક્ષણાધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
એનએસયુઆઈના વિદ્યાર્થી કાર્યકર્તાઓએ શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીના ફોટા ઉપર ચલણી નોટોનો હાર પહેરાવીને ફી માફીની માગણી સાથે સૂત્રોચ્ચાર સાથે રેલી યોજવામાં આવી હતી અને જિલ્લા શિક્ષણાધિકારીને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી.
શાળાઓમાં ૨૫ ટકા ફી માફીનો પરિપત્ર જાહેર નહીં કરાતા શાળા સંચાલકો બેફામ
એનએસયુઆઈના પ્રદેશ મહામંત્રી ગૌરાંગ મકવાણાએ જણાવ્યું હતું કે શિક્ષણ મંત્રી દ્વારા ફી માફીની જાહેરાત કરવામાં આવી છે, તેમ છતાં શાળાઓ ફી વધારો કરીને ફી ઉઘરાવી રહી છે. શિક્ષણ મંત્રી વિદ્યાર્થીઓના હિતને બદલે ખાનગી શાળા સંચાલકોના હિતનું વધારે ધ્યાન રાખી રહ્યા છે. આથી જ શાળાઓમાં ૨૫ ટકા ફી માફી અંગેનો પરિપત્ર જાહેર કરવામાં આવતો નથી. જેના પગલે શાળા સંચાલકો બેફામ ફી ઉઘરાવી રહ્યા છે. જો રાજ્ય સરકાર વહેલી તકે શાળાઓમાં ૨૫ ટકા ફી માફીની જાહેરાત નહીં કરે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે, તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી.