અમદાવાદ: રાજ્યની શાળાઓમાં (School) બાળક છ વર્ષનું થાય ત્યારે જ ધોરણ -૧માં પ્રવેશ આપવામાં આવશે, તેવા નિયમને પગલે ઘણા બધા બાળકો એક- બે મહિના માટે પ્રવેશથી વંચિત રહે તેવી સ્થિતિ ઊભી થઈ છે. ત્યારે ઓલ ગુજરાત વાલી મંડળ દ્વારા ધોરણ-૧માં પ્રવેશ માટે જૂન મહિનામાં જન્મ થયેલા બાળકને પહેલા ધોરણમાં પ્રવેશ મળે તે માટે મુખ્યમંત્રીને પત્ર લખી રજૂઆત કરવામાં આવી છે.
ઓલ ગુજરાત વાલી મંડળના પ્રમુખ નરેશ શાહએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને પત્ર લખી રજૂઆત કરી છે કે, ગુજરાતમાં ધોરણ-૧માં મે મહિનામાં જન્મ્યા હોય તે જ બાળકો પ્રવેશ લઈ શકશે. જ્યારે જૂન મહિનામાં જે બાળકનો જન્મ થયો હોય તેવા બાળકો છ વર્ષ થવામાં એક મહિનો ખુટતો હોવાથી, એક મહિના માટે 30 ટકા જેટલા બાળકો પ્રવેશથી વંચિત રહી જાય છે અને આખું એક વર્ષ બાળકનું બગડે છે. એક મહિના માટે આ બાળકને એડમિશન મળતું નથી. તેથી જો જૂન મહિનામાં જન્મ થયેલા બાળકને પણ વર્ગ-૧માં એડમિશન માટે માન્ય રાખવામાં આવે, તો જૂન મહિનામાં જન્મેલા ઘણા બધા બાળકોને એડમિશન મળી શકે તેમ છે.