Gujarat

ત્રીજી લહેરના એંધાણ વચ્ચે આજથી ધોરણ-9 થી 11ના વર્ગો પણ શરૂ: આ બાબતનું રાખવું પડશે ધ્યાન

સુરત: છેલ્લા દોઢ વર્ષથી કોરોના (Corona)ના કહેર વચ્ચે અન્ય એક્ટિવિટીની સાથે વર્ગખંડો (Class)માં શિક્ષણ પણ બંધ થઇ ચૂક્યું છે, જે પૈકી અન્ય વ્યપાર ધંધા અને એક્ટિવિટીઓ પુન:શરૂ થઇ ચુકી છે. પરંતુ હજુ 18 વર્ષથી નીચેના બાળકોને વેક્સિન (Vaccine) નહીં મૂકાઇ હોવા ઉપરાંત ત્રીજી લહેર (Third wave)માં બાળકો વધુ અસરગ્રસ્ત થવાની શકયતા ધ્યાને રાખી શિક્ષણ કાર્ય (Educational session)ને પુર્વવત કરવામાં સરકાર ફૂંકી ફૂંકીને આગળ વધી રહી છે.

થોડા દિવસો પહેલા ધોરણ 12નુ શિક્ષણ ઓફલાઇન શરૂ થયા બાદ હવે સોમવારથી એટલે કે 26 જૂલાઇથી ધોરણ-9 થી 11નું ઓફલાઇન શિક્ષમ શરૂ થઇ રહ્યું છે. ગાંધીનગર ખાતે કોર કમિટીની બેઠકમાં રાજ્યમાં કોરોના સંક્રમણની સ્થિતિ અને ઉત્તરોત્તર ઘટતા જતાં કોવિડ કેસોની સંખ્યાને ધ્યાનમાં લઈ શાળામાં વર્ગો રાબેતા મુજબ પૂર્વવત કરવા અંગે વિસ્તૃત સમીક્ષા અને ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. જેમાં સમગ્ર રાજ્યમાં 26મી જુલાઈ 2021થી શાળાઓના ધોરણ 9 થી 11ના વર્ગો શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જો કે બાળકોને શાળાએ મોકલવા માંગતા વાલીઓને સંમતીપત્ર આપવુ જરૂરી હોવાથી સંચાલકોએ કરેલા દાવા મુજબ 80 ટકા વાલીઓ પોતાના બાળકોને શાળાએ મોકલવા તૈયાર થયા હોય સોમવારથી વર્ગખડોમાં શિક્ષણ શરૂ થઇ રહ્યું છે. જો કે તમામ શાળાઓને કોવીડની ગાઇડલાઇનનું ચૂસ્તતાથી પાલન કરવાની તાકીદ મહાનગર પાલિકા દ્વારા કરી દેવામાં આવી છે.

સોમવારથી શરૂ થતી શાળાઓના સંચાલકોએ કયા કયા નિયમોનું પાલન કરવું તેની ગાઇડલાઇન મોકલી આપી છે. જેમાં જણાવાયું છે કે, ઓફલાઇન એજ્યુકેશનમાં વિદ્યાર્થીઓની હાજરી મરજિયાત રહેશે અને જે વિદ્યાર્થી ઓફલાઇન એજ્યુકેશન નહીં લેવા ઇચ્છતો હોય તો તેને ઓનલાઇન એજ્યુકેશન આપવાનું રહેશે. વર્ગખંડમાં ક્ષમતાના 50 ટકા વિદ્યાર્થીઓને બેસાડવાના જ રહેશે અને તેમાં પણ સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવુ ફરજિયાત છે. વર્ગખંડનું સેનિટાઇઝેશન, શાળામાં ઠેર ઠેર સેનિટાઇઝર કે હેન્ડ વોશની વ્યવસ્થા, શાળાના કર્મચારીઓ અને વિદ્યાર્થીઓએ માસ્ક ફરજિયાત સહિત કોરોનાની અન્ય ગાઈડલાઇન્સનું પણ ધ્યાન રાખવું અત્યંત જરૂરી થઇ પડશે.

અત્રે ઉલ્લ્ખનીય છે કે, સુરત શહેર સહિત જિલ્લામાં ધોરણ-9થી 11ની 700 ખાનગી, 196 ગ્રાન્ટેડ અને 23 સરકારી એમ 919 શાળા કાર્યરત છે. જેમાં બે લાખ જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. 

Most Popular

To Top