રાજસ્થાનના ઝાલાવાડ જિલ્લામાં એક ગંભીર દુર્ઘટના ઘટી છે. આજ રોજ શુક્રવારની સવારે મનોહર પોલીસ સ્ટેશન વિસ્તારના પીપલોડી ગામમાં આવેલ એક સરકારી ઉચ્ચ પ્રાથમિક શાળાની છત અચાનક ધરાશાયી થઈ ગઈ. આ દુર્ઘટનામાં ચાર બાળકોના મોત થયાના અહેવાલ છે.અને 17 બાળકો ઘાયલ થયા છે તેમજ કેટલાક વિદ્યાર્થીઓ કાટમાળની નીચે ફસાઈ ગયાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
સવારના શાળાના સમય દરમ્યાન વિદ્યાર્થીઓ પોતાની વર્ગખંડમાં હાજર હતા ત્યારે અચાનક છત તૂટી પડી. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખતા તાત્કાલિક રાહત અને બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે. સ્થાનિક લોકોએ ઝડપથી બચાવ કામગીરીમાં હાથ વધાવ્યો હતો અને તંત્રને જાણ કરતાં તાત્કાલિક પોલીસ અને બચાવ દળ ઘટનાસ્થળે દોડી આવ્યું હતું.
પ્રથમ દૃષ્ટિએ લાગતું છે કે છતના ઝીણા માળખાં અને જર્જરિત ઈમારત હોવાથી આ ઘટના બની હોઈ શકે. જોકે હાલ તંત્ર દ્વારા ઘટનાની પૂરતી તપાસ કરવામાં આવી રહી છે. જીલ્લા કલેક્ટર અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચી ગયા છે અને રાહત કામગીરીની સમીક્ષા કરી રહ્યા છે. ગંભીર રીતે ઘાયલ બાળકોને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
જિલ્લા તંત્રે હોસ્પિટલમાં ઇમરજન્સી વ્યવસ્થા ઉભી કરી છે અને લોકોમાં ભયનો માહોલ છે. આગેવાનોએ ઘટના અંગે દુખ વ્યક્ત કરતા આખી ઘટનાની ઊંડાણપૂર્વક તપાસ કરવાની માગ ઉઠાવી છે.
આ ઘટના એકવાર ફરી જર્જરિત શાળાઓના સમારકામ અને સુવિધાઓના અભાવના પ્રશ્નને સામે લાવે છે.