અમદાવાદ: રાજ્યની શાળાઓમાં (School) નબળા વર્ગના ગરીબ બાળકોને આરટીઇ (RTE) હેઠળ વધુ બાળકોને પ્રવેશ મળે તે માટે બેઠકમાં વધારો કરવામાં આવે, તેમજ ખોટા આવકના દાખલા મેળવી પ્રવેશ મેળવતા વાલીઓ સામે કાયદેસર કાર્યવાહી કરવા પ્રદેશ યુવક કોગ્રેસ (Congress) દ્વારા માંગણી કરવામાં આવી છે.
ગુજરાત પ્રદેશ યુવક કોંગ્રેસના મહામંત્રી ગૌરાંગ મકવાણાએ વિદ્યાર્થી અગ્રણીઓ સાથે મંગળવારે અમદાવાદ જિલ્લા શિક્ષણાધિકારીને આવેદનપત્ર આપી આરટીઇ હેઠળની બેઠકોમાં વધારો કરવા તેમજ ગરીબ વિદ્યાર્થીઓને પ્રવેશ મેળવવામાં પડતી મુશ્કેલીઓ દૂર કરવામાં આવે તેવી માગણી કરવામાં આવી હતી.
ગૌરાંગ મકવાણાએ વધુમાં કહ્યું હતું કે છેલ્લા બે વર્ષથી કોરોનાને કારણે કેટલાય વિદ્યાર્થીઓએ પોતાના વાલીઓને ગુમાવ્યા છે જ્યારે કેટલાક વાલીઓએ નોકરી-ધંધો ગુમાવવાનો વારો આવ્યો છે આવા સંજોગોને ધ્યાને લઇને શિક્ષણ વિભાગે આરટીઇ હેઠળની બેઠકોમાં વધારો કરવો જોઈએ.
એનએસયુઆઈના અગ્રણી ભાવિક સોલંકીએ વધુમાં કહ્યું હતું કે આરટીઇ હેઠળ કેટલાક વાલીઓ ખોટા આવકના દાખલા મેળવી ખોટી રીતે પ્રવેશ મેળવતા હોય છે, જેને કારણે જરૂરિયાતમંદ પરિવારના બાળકોને તેનો લાભ મળતો નથી. આથી પ્રવેશ કાર્યવાહી શરૂ થાય તે પહેલા જ ખોટા આવકના દાખલા ઉભા કરી ખોટી રીતે કોઇ પ્રવેશ ન મેળવે તેવી વ્યવસ્થા કરવી જરૂરી છે, તેમજ જો કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ કરે તો, તેની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે. દર વર્ષે પ્રવેશ વખતે રજીસ્ટર ભાડા કરારના કારણે ઘણા વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત રહી જતા હોય છે. તેથી આ વર્ષે નોટરાઇઝ ભાડા કરારને માન્ય ગણી વિદ્યાર્થીને પ્રવેશ આપવામાં આવે તેવી પણ માગણી છે.