Gujarat

ગ્રામીણ આવાસ યોજનાના લાભાર્થીને વ્યાજમાંથી મુક્તિ આપવાની સ્કીમ

ગાંધીનગર: રાજ્યના ગ્રામીણ વિસ્તારોમાં રહેતા આવાસ યોજનાના લાભાર્થીઓ માટે રાજ્ય સરકારે મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. ગુજરાત ગ્રામ ગૃહ નિર્માણ બોર્ડની વિવિધ આવાસ યોજનાઓમાં દંડનીય વ્યાજ માફી માટે ‘વન ટાઈમ રાહત યોજના’ જાહેર કરવામાં આવી છે, જેના પરિણામે 9 હજારથી વધુ ગ્રામ્ય કુટુંબોને મોટી રાહત મળશે.

આ નિર્ણય અનુસાર, જે લાભાર્થીઓ આવાસ માટેની બાકી રહેલી મૂદ્દલ રકમ છ મહિનાની અંદર સંપૂર્ણ ભરપાઈ કરશે, તેમને માસિક 2 ટકા જેટલા દંડનીય વ્યાજમાંથી સંપૂર્ણ મુક્તિ આપવામાં આવશે. લાંબા સમયથી દંડનીય વ્યાજના ભાર હેઠળ આવેલા લાભાર્થીઓની રજૂઆતને ધ્યાને લઈ મુખ્યમંત્રીએ આ જનહિતલક્ષી પગલું ભર્યું છે.

રાજ્ય સરકારના આ નિર્ણયથી અંદાજે 9029 જેટલા ગ્રામ્ય કુટુંબોને કુલ રૂ.154 કરોડ જેટલી દંડનીય વ્યાજની રાહત મળશે. સાથે જ, મૂદ્દલ સંપૂર્ણ ભરપાઈ કરનાર લાભાર્થીઓને તેમના મકાનના માલિકી હક્ક પ્રાપ્ત થશે, જેથી તેઓ સાચા અર્થમાં પોતાના મકાનના માલિક બની શકશે. સીએમ ભૂપેન્દ્ર પટેલનો આ નિર્ણય પીએમ નરેન્દ્ર મોદીના “દરેક નાગરિકને પોતીકી આવાસ છત”ના સંકલ્પને વધુ મજબૂતી આપશે. રાજ્યના ગ્રામ્ય વિસ્તારોમાં વસતા અનેક કુટુંબો માટે આ નિર્ણય આશાની નવી કિરણરૂપ સાબિત થશે.

Most Popular

To Top