નોકરીઓમાં એસસી/એસટીનું પ્રતિનિધિત્વ કેટલું અપુરતું છે તે નક્કી કરવાનું કાર્ય રાજ્યોનું છે: સુપ્રીમ

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે (Suprim Court) અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના (SC-ST) લોકોને સરકારી નોકરીઓમાં (Government Job) બઢતીમાં અનામત આપવા માટે કોઇ માપદંડ નક્કી કરી આપવાનો આજે ઇન્કાર કર્યો હતો અને કહ્યું હતું કે તેમના પ્રતિનિધિત્વ કેટલું અપુરતું છે તે રાજ્યોએ નક્કી કરવાનું છે.

  • રાજ્યોએ પોતાની વિવેક બુદ્ધિના આધારે આ નક્કી કરવાનું છે
  • સરકારી નોકરીઓમાં બઢતી માટે એસસી/એસટીને અનામત અંગે કોઇ માપદંડ નક્કી કરી આપવાનો સુપ્રીમ કોર્ટનો ઇન્કાર

જસ્ટિસ નાગેશ્વરા રાવના વડપણ હેઠળની ત્રણ જજોની બેન્ચે જણાવ્યું હતું કે અનુસૂચિત જાતિ/જનજાતિના લોકોના અપૂરતા પ્રતિનિધિત્વ બાબતે માહિતી ભેગી કરવાની જવાબદારી રાજ્યોની છે. દલીલોના આધારે અમે રજૂઆતને છ મુદ્દાઓમાં વહેંચી છે. એક એ માપદંડ છે. જર્નેઇલ સિંઘ અને નાગરાજના કેસના પ્રકાશમાં અમે કહ્યું છે કે અમે કોઇ માપદંડ નક્કી કરી શકીએ નહીં. આંકડાઓ ભેગા કરવાની બાબતના સંદર્ભમાં અમે કહ્યું છે કે માપ કાઢી શકાત તેવી માહિતી ભેગી કરવાનું કામ રાજ્યોનું છે એમ બેન્ચે જણાવ્યું હતું જેમાં જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિસ બી. ગવઇનો પણ સમાવેશ થતો હતો. સર્વોચ્ચ અદાલતે કહ્યું હતું કે રાજ્યના નેજા હેઠળ આવતી નોકરીઓમાં અનુસૂચિત જાતિ કે જનજાતિનું પ્રતિનિધિત્વ કેટલું અપુરતું છે તે નક્કી કરવાનું કામ રાજ્યની વિવેકબુદ્ધિ પર છોડી દેવામાં આવ્યું છે, આ બાબત નક્કી કરવાનું કામ અનેક પરિબળો પર આધાર રાખે છે અને આ અદાલત તે કરી શકે નહીં એ મુજબ બેન્ચે કહ્યું હતું. સર્વોચ્ચ અદાલતે જણાવ્યું હતું કે અદાલતો માટે તે કાયદેસરનું કે યોગ્ય હશે નહીં કે તે કારોબારીને તે બાબતમાં આદેશ જારી કરે કે માગદર્શનના પ્રવચન આપે જે બાબત બંધારણ હેઠળ સ્પષ્ટપણે કારોબારીના અધિકારક્ષેત્ર હેઠળ આવે છે.

સર્વોચ્ચ અદાલતે જણાવ્યું હતું કે એસસી/એસટીના અપુરતા પ્રતિનિધિત્વને લગતી માહિતી ભેગી કરવાની છે તે સમગ્ર સર્વિસ કે ક્લાસ માટે કરવાની નથી પણ તે જેમાં બઢતી આપવાની છે તે હોદ્દાઓના ગ્રેડ/કેટેગરીને લગતી હોવી જોઇએ. અત્રે ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકારે અગાઉ સરકારી નોકરીઓમાં એસસી અને એસટીના લોકોને બઢતી માટે અનામત લાગુ પાડવા માટે ભારત સંઘ અને રાજ્યો માટે એક ચોક્કસ અને નિર્ણાયક ભૂમિકા નક્કી કરી આપવા સુપ્રીમ કોર્ટ સમક્ષ માગણી કરી હતી.

Most Popular

To Top