રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ પોતાની મોનીટરી પોલિસી સમીક્ષામાં રેપો રેટમાં કોઈ ફેરફાર કર્યો નથી. રેપો રેટ 5.5% પર જ રહેશે. આનો સીધો અર્થ એ છે કે લોન લેનારાઓ માટે EMIમાં હાલમાં કોઈ ઘટાડો નહીં થાય, કારણ કે બેંકો સામાન્ય રીતે RBI રેપો રેટ ઘટાડે ત્યારે જ લોનના વ્યાજ દર ઘટાડે છે.
રેપો રેટ એ તે વ્યાજ દર છે જેના પર RBI ટૂંકા ગાળાની લોન માટે વાણિજ્યિક બેંકોને રૂપિયા આપે છે. RBIએ નીતિગત વલણ ‘તટસ્થ’ રાખ્યું છે.
મહંગાઈ અને GDP વૃદ્ધિનો અંદાજ
RBI ગવર્નર સંજય મલ્હોત્રાએ જણાવ્યું કે મુખ્ય ફુગાવો 4% આસપાસ સ્થિર છે, પરંતુ ગ્રામીણ વપરાશ અસ્થિર છે. નાણાકીય વર્ષ 2025-26 માટે ગ્રાહક ભાવ સૂચકાંક (CPI) આધારિત મહંગાઈ 3.1% અને 2026-27 માટે 4.9% રહેવાનો અંદાજ છે.
ચાલુ નાણાકીય વર્ષ માટે વાસ્તવિક GDP વૃદ્ધિ 6.5% અને આગામી વર્ષ માટે 6.6% રહેવાનો અંદાજ છે. ક્વાર્ટર પ્રમાણે અંદાજઃ Q1: 6.5%, Q2: 6.7%, Q3: 6.6% અને Q4: 6.3%.
વેપાર ખાધ અને લિક્વિડિટી સ્થિતિ
ગવર્નરે જણાવ્યું કે પ્રથમ ક્વાર્ટરમાં વેપાર ખાધ વધી છે. છેલ્લા કેટલાક મહિનામાં સિસ્ટમ લિક્વિડિટી સરપ્લસમાં રહી છે. હાલ સરેરાશ રૂ.3 લાખ કરોડ પ્રતિ દિવસ, જે અગાઉના સરેરાશ રૂ.1.6 લાખ કરોડ કરતા વધુ છે. તાજેતરમાં જાહેર કરાયેલ 100% CRR કાપથી તરલતા વધુ સુધરશે.
બેંકિંગ સિસ્ટમની સ્થિતિ
શિડ્યુલ્ડ કોમર્શિયલ બેંકોનો મૂડી પર્યાપ્તતા ગુણોત્તર હાલમાં 17% થી વધુ છે. નેટ ઇન્ટરેસ્ટ માર્જિન (NIM) 3.5%, લિક્વિડિટી 132%, ગ્રોસ NPA 2.2% અને ક્રેડિટ-ડિપોઝિટ ગુણોત્તર 78.9% છે.
આ નિર્ણયથી લોન લેનારાઓને EMIમાં રાહત નહીં મળે, પરંતુ RBIનો ભાર હાલ મહંગાઈ નિયંત્રણ અને આર્થિક સ્થિરતા પર છે.