- ગાંધીનગરના તેડાં બાદ પુનઃ એકવાર ફેરવી તોળ્યું
- સવારથી ચાલતા ડ્રામા ઉપર બપોર સુધીમાં પૂર્ણવિરામ મુકાઈ ગયું
વડોદરા: સાવલીના ભાજપના ધારાસભ્ય કેતન ઇનામદારે પુનઃ એકવાર રાજીનામાનો સ્ટંટ કર્યો હતો. પોતાની વાત મનાવવા માટે રાજીનામાને આગળ ધરવા માટે કેતન ઇનામદાર પંકાયેલા છે. ત્યારે આજે પુનઃ એકવાર તેઓએ પોતાનું એ જ હથિયાર અપનાવ્યું હતું. જો કે સવારે શરુ થયેલા આ હાઈ પ્રોફાઈલ નાટકનો બપોર સુધીમાં તો અંત આવી ગયો હતો અને રાજીનામુ નહિં આપવાની જાહેરાત કરી દીધી હતી.
સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે મોડી રાતે મેઈલ થકી પોતાનું રાજીનામુ વિધાનસભાના અધ્યક્ષને મોકલી આપ્યું હતું. અને સવારથી જ તેઓના નિવાસસ્થાને લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા. કેતન ઇનામદારને સમજાવવા સવારથી જ જિલ્લા પ્રભારી રાજેશ પાઠક દ્વારા બેઠક કરવામાં આવી હતી. જો કે તેઓ ત્યાંથી ન માનતા ગાંધીનગરનું તેડું આવ્યું હતું. તેઓ બપોરે 12.30 કલાકે ત્યાં જવા રવાના થયા હતા. પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ સાથેની બેઠક બાદ તેમણે જાહેરાત કરી હતી કે પાર્ટીએ મારી બધી વાત માની લીધી છે અને મેં રાજીનામું નહિં આપવાનું નક્કી કર્યું છે.
કેતન ઇનામદાર સામે એ સવાલો ઉભા થાય છે કે હંમેશા નાક દબાવવા માટે રાજીનામાનું તરકટ જ આગળ ધરવું કેટલું યોગ્ય છે? ક્યારેક ડેરીનો મુદ્દો હોય તો ક્યારે પોતાના અંગત હરીફને પદ કે જવાબદારી આપવામાં આવે તે મુદ્દો હોય. ત્યારે મોવડી મંડળ પણ આ બાબતની ગંભીર નોંધ લઇ રહ્યું હોવાની ચર્ચા છે.