હથોડા: સાવા (Sava) ગામની વચ્ચેથી પસાર થતી કોતરમાં નજીકમાં આવેલી ભવ્ય પેક નામની કંપની (Company) દ્વારા સંડાસ અને બાથરૂમનું ગંધાતું પાણી છોડવામાં આવતાં અને આ કોતરના પાણીનો રાત-દિવસ આદિવાસીઓ સહિત ગ્રામજનો ઉપયોગ કરતા હોવાથી લોકોમાં આક્રોશ સપાટી પર આવ્યો છે. અને સાવા ગ્રામ પંચાયત દ્વારા તાત્કાલિક તપાસ કરી કંપનીના સંચાલકો સામે અસરકારક પગલાં ભરવા કોસંબા પોલીસ, મામલતદાર અને ટીડીઓને લેખિત ફરિયાદ કરવામાં આવી છે.
માંગરોળના સાવા ગ્રામ પંચાયતે લેટરપેડ પર કરેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, સાવા ગામની હદમાંથી નહેર પસાર થાય છે. અને આ નહેરની નીકળતી નાની કોતર સાવા ગામની વચ્ચેથી પસાર થાય છે. જે કોતરમાં નજીકમાં આવેલી ભવ્ય પેક નામની કંપનીનું ગંધાતું પાણી છોડી દેવામાં આવ્યું હતું. આ કોતરના પાણીનો આદિવાસીઓ તેમજ ગ્રામજનોએ કપડાં ધોવા, વાસણ ઘસવા તેમજ ખેડૂતો પોતાનાં જાનવરોને પાણી પીવડાવવા રાત-દિવસ ઉપયોગ કરે છે. ફેક્ટરી દ્વારા સંડાસ અને બાથરૂમનું પાણી છોડી દેવામાં આવતાં ગંધાતા પાણીના કારણે કોઈ ગંભીર પ્રકારનો રોગચાળો ફાટી નીકળે તેટલી હદે દુર્ગંધ આવે છે. જેથી ગ્રામવાસીઓમાં આક્રોશ સપાટી પર આવ્યો છે અને ફેક્ટરી સામે અસરકારક પગલાં ભરવાની માંગ કરી છે. લેખિત ફરિયાદમાં વધુમાં જણાવ્યું છે કે, આ કોતર નજીક ખેડૂતોનાં ફળદ્રુપ ખેતર આવ્યાં છે. ખેતરોમાં પણ પાણી પીવડાવવા ખેડૂતો પાણીનો ઉપયોગ કરે છે અને ખેડૂતોનાં જાનવરો પણ આ કોતરનું પાણી પીએ છે અને આ કોતર સાવા ગામની આદિવાસીઓની વસતી જ્યાં આવી છે ત્યાંથી આ કોતર પસાર થઈ હોવાથી વર્ષોથી આદિવાસીઓ કોતરના પાણીનો ઉપયોગ કરતા આવ્યા છે. સાવા ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવેલી લેખિત ફરિયાદ બાબતે જવાબદાર તંત્ર યોગ્ય તપાસ કરી નિરાકરણ લાવે એ જરૂરી છે.
હું કંપનીના માલિકને જાણ કરું છું: મેનેજર
આ બાબતે કંપનીના મેનેજર મહેશ ભટ્ટે જણાવ્યું હતું કે, હું કંપનીના માલિકને જાણ કરું છું. આમ કંપનીના મેનેજરે માલિક ઉપર મામલો ધોળી ખો આપવાનો પ્રયાસ કર્યો હતો.