વધી રહેલા તણાવ વચ્ચે Saudi Arabiaએ Iran સામે કડક રાજદ્વારી પગલું ભર્યું છે. સાઉદી સરકારે ઈરાનના દૂતાવાસ સાથે જોડાયેલા કેટલાક કર્મચારીઓને ‘અનિચ્છનીય વ્યક્તિ’ જાહેર કરીને 24 કલાકની અંદર દેશ છોડવાનો આદેશ આપ્યો છે. આ નિર્ણય ખાડી વિસ્તારમાં ઈરાન દ્વારા વધતા હુમલાઓની પૃષ્ઠભૂમિમાં લેવામાં આવ્યો હોવાનું જણાવાયું છે. સાઉદી વિદેશ મંત્રાલયના નિવેદન અનુસાર, ઈરાનના લશ્કરી પ્રતિનિધિ, તેમના સહાયક અને દૂતાવાસના અન્ય ત્રણ અધિકારીઓને આ કાર્યવાહી હેઠળ આવરી લેવામાં આવ્યા છે. સરકારે આ હુમલાઓને આંતરરાષ્ટ્રીય નિયમો, સારા પડોશી સંબંધોના સિદ્ધાંતો અને દેશના સાર્વભૌમત્વના સ્પષ્ટ ભંગ તરીકે ગણાવ્યા છે. સાઉદી તરફથી કહેવામાં આવ્યું છે કે આવા પગલાં દ્વિપક્ષીય સંબંધોને ગંભીર અસર પહોંચાડશે.
ખાડી વિસ્તારમાં ઈરાન દ્વારા કરવામાં આવેલા હુમલાઓને લઈને ચિંતા સતત વધી રહી છે. ખાસ કરીને ઊર્જા સુવિધાઓ અને સૈન્ય મથકોને નિશાન બનાવવાના બનાવો બાદ અનેક દેશો સતર્ક બન્યા છે. સાઉદી અરેબિયાએ સ્પષ્ટ સંકેત આપ્યો છે કે તે પોતાની સુરક્ષા અને પ્રદેશની અખંડિતતા માટે જરૂરી તમામ પગલાં લેવા તૈયાર છે. આ અગાઉ Qatarએ પણ ઈરાનના કેટલાક દૂતાવાસ અધિકારીઓને ‘અનિચ્છનીય વ્યક્તિ’ જાહેર કરીને દેશ છોડવાનો આદેશ આપ્યો હતો. આ પગલું કતારના રાસ લફાન ગેસ ક્ષેત્ર પર થયેલા હુમલા બાદ લેવામાં આવ્યું હતું, જેને કતારે પોતાના સાર્વભૌમત્વ પર ગંભીર આંચકો ગણાવ્યો હતો. વિશ્વ સ્તરે વધતા આ તણાવને કારણે ખાડી ક્ષેત્રમાં અસ્થિરતા વધુ ઊંડી બની રહી છે. રાજદ્વારી સંબંધોમાં આવતી તિરાડ અને સૈન્ય પ્રવૃત્તિઓમાં વધારાને કારણે પરિસ્થિતિ વધુ ગંભીર બનવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
તો બીજી તરફ એ ચર્ચાએ પણ જોર પકડ્યું છે કે શું સાઉદી અરેબિયા ઇરાનને જવાબ આપશે? સાઉદી અરેબિયાએ જણાવ્યું છે કે તેની સેનાને ઈરાન તરફથી થતા હુમલાઓનો જવાબ આપવાનો અધિકાર છે અને તે આ દિશામાં આગળ વધી શકે છે. સાઉદી વિદેશ મંત્રી પ્રિન્સ ફૈઝલ બિન ફરહાને જણાવ્યું હતું કે તેઓ ઈરાન તરફથી થતા મિસાઈલ અને ડ્રોન હુમલાના જવાબમાં લશ્કરી કાર્યવાહી થાય એ શકયતા છે. પાકિસ્તાન અને અન્ય દેશોના વિદેશ મંત્રીઓ સાથેની બેઠક બાદ બિન ફરહાને આ નિવેદન આપ્યું હતું. પાકિસ્તાન અને સાઉદી અરેબિયા વચ્ચે સંરક્ષણ કરાર છે. તેથી, જો સાઉદી અરેબિયા સત્તાવાર રીતે યુદ્ધમાં પ્રવેશ કરે છે, તો પાકિસ્તાન પણ લડાઈમાં જોડાવા માટે મજબૂર થશે.