Gujarat

સરદાર પટેલની 150મી જન્મજયંતિની ઉજવણી સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે કરાશે

લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિની ઉજવણી આ વર્ષે એકતાનગર ખાતે ખુબ જ ભવ્ય રીતે થવાની છે. આ વિશેષ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની હાજરીમાં રાષ્ટ્રીય સ્તરે વિવિધ કાર્યક્રમો યોજાશે. દર વર્ષે તા. 31 ઑક્ટોબરે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. પરંતુ આ વર્ષે ઉજવણી વિશેષ હશે. કારણ કે આ તેમનો 150મો જન્મ દિવસ છે.

સરદાર પટેલે ભારતના એકીકરણ માટે અવિસ્મરણીય યોગદાન આપ્યું હતું. દેશના 562 રજવાડાઓને એક રાષ્ટ્ર તરીકે જોડવાના તેમના પ્રયત્નો માટે તેમને “લોહપુરુષ” તરીકે ઓળખવામાં આવે છે. તેમની આ સેવાઓને યાદ કરવા માટે સમગ્ર દેશ ગુજરાતનાં નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે એકત્રિત થશે.

કાર્યક્રમની તૈયારી અને વિશેષતાઓ
એકતાનગરમાં સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટી જે સરદાર પટેલને અર્પણ છે.એ આ ઉજવણીનું મુખ્ય કેન્દ્ર રહેશે. કેન્દ્ર અને રાજ્ય સરકાર બંનેએ મળીને તૈયારીઓ પૂર્ણ કરી છે. સુરક્ષા, પરિવહન, રહેવાની વ્યવસ્થા અને કાર્યક્રમના સમયપત્રક માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે.

ભવ્ય પરેડનું આયોજન

આ વખતે ઉજવણીમાં દિલ્હીની પ્રજાસત્તાક પરેડની જેમ એક ભવ્ય પરેડ યોજાશે. તેમાં BSF, CRPF, CISF, ITBP, SSB અને NCC સહિત કુલ 16 સુરક્ષા દળો ભાગ લેશે.

પરેડ દરમિયાન સરદાર સાહેબના જીવન, કાર્ય અને રાષ્ટ્રીય એકતા વિશે દર્શાવતી ઝાંખીઓ (ટેબ્લોઝ) રજૂ થશે. આ ઝાંખીઓમાં જમ્મુ-કાશ્મીર, છત્તીસગઢ, આંદામાન-નિકોબાર, મણીપુર, ગુજરાત અને NDRF, NSG જેવા દળોના પ્રદર્શનો સામેલ હશે.

સ્કૂલ બેન્ડ અને મહિલા દળોની ભાગીદારી
પરેડ દરમિયાન રાજ્યકક્ષાએ વિજેતા બનેલા ચાર સ્કૂલ બેન્ડ દ્વારા સંગીત પ્રદર્શન થશે.
તેમજ મહિલા દળો પણ ખાસ રીતે પરેડમાં ભાગ લેશે. જે દેશની સ્ત્રી શક્તિ અને સમાનતાનું પ્રતિક બનશે.

વડાપ્રધાન મોદીની ઉપસ્થિતિ
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સરદાર સાહેબની પ્રતિમાની પદ પૂજા કરીને કાર્યક્રમની શરૂઆત કરશે. ત્યારબાદ તેમને કેન્દ્રીય સુરક્ષા દળો અને ગુજરાત પોલીસ દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવશે. વડાપ્રધાન પોતાના સંબોધનમાં સરદાર પટેલના વિચાર, રાષ્ટ્રની એકતા અને યુવાનો માટેના પ્રેરણાસ્રોત તરીકે તેમના જીવન પર પ્રકાશ પાડશે.

સાંસ્કૃતિક કાર્યક્રમો અને પ્રદર્શનો
સાંસ્કૃતિક મંત્રાલયના સહયોગથી વિવિધ રાજ્યોની લોકસંસ્કૃતિ, નૃત્ય અને પરંપરાઓ રજૂ કરાશે. આ કાર્યક્રમો “એક ભારત, શ્રેષ્ઠ ભારત”ની ભાવનાને જીવંત કરશે.

તે ઉપરાંત દેશના અલગ-અલગ ભાગોના કલાકારો દ્વારા સંગીત, લોકનૃત્ય અને થિયેટર પ્રસ્તુતિઓ પણ યોજાશે.

‘ભારત પર્વ 2025’નું આયોજન
આ ઉજવણીના ભાગરૂપે તા. 1થી 15 નવેમ્બર સુધી ‘ભારત પર્વ-2025’ યોજાશે. આ દરમિયાન દેશના તમામ 28 રાજ્યો અને 8 કેન્દ્રશાસિત પ્રદેશોની સાંસ્કૃતિક ઝલક એક જ સ્થળે જોવા મળશે. અહીં હસ્તકલા, હેન્ડલૂમ અને સ્થાનિક ખાદ્ય પદાર્થોના 100થી વધુ સ્ટોલ મૂકવામાં આવશે.

લોકો અહીં વિવિધ રાજ્યોના ખોરાકનો સ્વાદ લઈ શકશે અને દેશની સંસ્કૃતિની એકતા અનુભવી શકશે.

અન્ય કાર્યક્રમો
તા.15 નવેમ્બરે બિરસા મુંડા જયંતિ નિમિત્તે આદિવાસી સંસ્કૃતિ સંબંધિત કાર્યક્રમો યોજાશે.
તા.17 નવેમ્બરે સાયક્લોથોન સ્પર્ધા યોજાશે. જેમાં દેશભરના 5,000 જેટલા સાયકલ ચાલકો ભાગ લેશે.

ઉજવણીનો ઉદ્દેશ્ય
આ સમગ્ર કાર્યક્રમનો મુખ્ય હેતુ રાષ્ટ્રીય એકતા, સૌહાર્દ અને ગૌરવની ભાવનાને મજબૂત બનાવવાનો છે. વડાપ્રધાન મોદીના મંત્ર “રાજ્ય અનેક – રાષ્ટ્ર એક, ભાષા અનેક – ભાવ એક, રંગ અનેક – તિરંગો એક”. આ ઉજવણીમાં સાકાર થશે.

એકતાનગરમાં થનારી આ ઉજવણી માત્ર એક કાર્યક્રમ નહીં પણ અખંડ ભારતની એકતા, સમરસતા અને સરદાર પટેલના અવિસ્મરણીય યોગદાનને અર્પણ શ્રદ્ધાંજલિ રહેશે.

Most Popular

To Top