સાપુતારા : પ્રવાસીઓથી ઉભરાતા સાપુતારા (Saputara)માં પ્રવાસીઓ (Visitors)ની સુરક્ષા (safety) માટે ડાંગ જિલ્લા વહીવટી તંત્ર સહિત પોલીસ વિભાગની ટીમ (Police team) સજ્જ બની છે. સાપુતારામાં આવતા પ્રવાસીઓ માસ્ક સહિત સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરી કોવિડની ગાઈડ (covid guidelines)નું અનુસરણ કરે તે માટે જિલ્લા પોલીસ વડા રવિરાજસિંહ જાડેજાએ સૌને અનુરોધ કર્યો છે.
ડાંગ જીલ્લો ચોમાસાની ઋતુમાં સોળે કળાએ ખીલી ઉઠી સૌંદર્યનાં સરતાજની સાથે મધમધી ઉઠે છે. જિલ્લાનાં પ્રવાસન સ્થળોએ ચોમાસામાં ભરપૂર ઘસારો જોવા મળે છે. અગાઉ કોરોના બીજી ઘાતક લહેરનાં કારણે આ પ્રવાસન સ્થળો પ્રવાસી વિના સુમસામ બન્યા હતા. હાલમાં કોરોનાની બીજી લહેર શાંત થતા અહીં સૌંદર્યને માણવા મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી રહ્યા છે. જેથી સાપુતારા સહિત ડાંગ જિલ્લાનાં સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન થાય તે માટે ડાંગ જિલ્લા કલેક્ટર ભાવિન પંડ્યા અને જિલ્લા પોલીસ વડા રવિરાજસિંહ જાડેજાનાં માર્ગદર્શન હેઠળ તમામ સ્થળોએ ટ્રાફિકનું નિયમન થાય તે માટે વધુ પાર્કિંગનાં સ્પોટ નિર્ધારિત કરવામાં આવ્યા છે.
વહીવટી તંત્રનાં જણાવ્યા મુજબ સાપુતારામાં એક પાર્કિંગ સ્પોટ ઉપર પ્રવાસી વાહનો દ્વારા લીધેલી પાર્કિંગની ટીકીટ સાપુતારાનાં તમામ પાર્કિંગ સ્પોટ ઉપર એક દિવસ માટે માન્ય રહેશે. જેથી સાપુતારામાં આવતા પ્રવાસીઓ હવે તમામ જોવાલાયક સ્થળોએ પાર્કિંગની વ્યવસ્થાનો લાભ મેળવી શકશે. સાપુતારામાં શનિ રવિમાં મોટા વાહનોની અરાજકતા ન સર્જાય તે માટે આ લક્ઝરી જેવા વાહનોની હેલિપેડ ઉપર વ્યવસ્થા કરવામાં આવી છે. આવનાર શનિ રવિથી વિકેન્ડમાં ટ્રાફિકનું નિયમન થાય તથા પ્રવાસીઓ સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન સહ માસ્કનો ફરજીયાત ઉપયોગ કરે તે માટે ડી.વાય.એસ.પી. કક્ષાનાં અધિકારીઓ તમામ સ્થળોએ સુપરવિઝન કરશે અને કાયદાનો ભંગ કરતા પ્રવાસીઓ દંડાશેનું જણાવ્યુ છે.
હોટલ સંચાલકો પ્રવાસીઓને માસ્ક સહિત સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરાવે
ડાંગ જિલ્લા એસ.પી.રવિરાજસિંહ જાડેજાએ ડાંગમાં આવતા પ્રવાસીઓને અનુરોધ કરતા જણાવ્યું છે કે જિલ્લામાં તમામ પી.એચ.સી અને સામુહિક આરોગ્ય કેન્દ્રો ઉપર વેક્સિનેશનની વ્યવસ્થા તંત્ર દ્વારા કરવામાં આવી છે. જેથી જે કોઈ પ્રવાસીઓ વેક્સિનેશનથી વંચિત હોય તો તુરંત જ રજીસ્ટ્રેશન કરી વેક્સિનો લાભ લઇ શકે. વધુમાં સાપુતારાની હોટલ, રેસ્ટોરન્ટ, લારી ગલ્લા, એડવેન્ચર સ્પોટનાં સંચાલકો આવનાર વિકેન્ડમાં પ્રવાસીઓને માસ્ક સહિત સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવા માટે અનુરોધ કરી જનજીવનનાં સુખાકારીને લોકભોગ્ય બનાવે તેવી તંત્ર દ્વારા અપીલ કરી છે.