સાધુ-સંતો અને ઋષિ-મુનિઓની ધરતી કહેવાતા ભારત દેશમાં આજ પર્યંત ઉચ્ચ કોટિની પરમ જ્ઞાની વિભૂતિઓ થઇ ગઇ. આશરે 600 વર્ષ પહેલાં થઇ ગયેલા સમાજના જ્ઞાતિ-ભેદ કે જાતિ-ભેદને ભેદી સમાજ એકતાની મિશાલ સમા કબીરસાહેબનું ગદ્ય-પદ્ય સાહિત્ય હમણાં જ લખાયેલું હોય તેટલું તલસ્પર્શી અને તરોતાજા લાગે છે. ખાસ કરીને કબીરના સાખી અને દોહરા એટલા વેધક અને સોંસરવા ઊતરી જાય એટલા દિલચસ્પ હોય છે કે વાંચ્યા કે સાંભળ્યા પછી કબીરસાહેબની વિદ્વત્તા સામે આપોઆપ નતમસ્તક થઇ જવાય. ઉપરવાળાએ માણસને ધરા પર મનુષ્ય તરીકે જ મોકલ્યો છે પણ માણસે જ નક્કી કરી લીધું છે કે આ હિન્દુ અને આ મુસ્લિમ. સૌની શરીરરચનામાં ઈશ્વરે હવા, પાણી ને લોહીનો એકસરખી રીતે ઉપયોગ કર્યો છે.
સૌને ભૂખ-તરસ, ઠંડી-ગરમી કે ઊંઘ એક સરખી જ લાગે છે. સૌને માટે ઇશ્વર દ્વારા સૂર્યની ગરમી અને પ્રકાશ કે પછી વરસાદનું પાણી ભેદભાવ વગર એક સરખું જ વરસાવે છે તો આપણને આવા જાતીય ભેદભાવ કરવાનો કોણે હક્ક આપ્યો? આવી વિચારધારાને માનતા કબીરસાહેબ ગરીબ-તવંગરના ભેદભાવ વગર પણ સૌને આવકારતા. સમાજ એકતાની ઉચ્ચ કોટિની વિચારધારા આપણે માટે પ્રેરણાદાયી છે અને ત્યારે ચાલો આપણે આપણામાં કબીરને શોધીએ અથવા તો કબીરમાં આપણે ક્યાં છીએ તે શોધીએ.
ધર્મની બાબત હોય ત્યારે અનેક પ્રકારની વિસંગતતાઓ જોવા મળે એ મુજબ કબીરસાહેબની જન્મકથાઓ બાબતે પણ ભિન્ન-ભિન્ન માન્યતાઓ છે. એક મત એવો છે કે લહરતાલા તળાવમાં કમળ પર બાળસ્વરૂપે કબીરસાહેબ પ્રગટ થયેલા તો કબીરપંથના મોટાભાગના લોકોમાં એવી માન્યતા પ્રવર્તે છે કે એક વિધવા બ્રાહ્મણ મહિલાને રામાનંદ સ્વામીના પુત્રપ્રાપ્તિના વરદાનથી પુત્ર પ્રાપ્ત થયેલો પણ વિધવાને ત્યાં પુત્ર હોવાની લોકલાજને કારણે તેમણે વાંસની ટોપલીમાં બાળકને મૂકી તળાવમાં ત્યજી દીધો હતો તો તે નીરુ અને નીમા નામના મુસ્લિમ દંપતીને મળી આવતા તેમને સંતાન નહીં હોવાથી ઉપરવાળાની કૃપા સમજી તેને સ્વીકારીને પાલન-પોષણ કરેલું.
કબીરસાહેબ મોટા થતા ગયા અને તેના નિર્મળ, સ્વચ્છ, નિર્લેપ સ્વભાવને કારણે ગુરુની શોધ કરવા લાગ્યા પણ કોઇ તેને શિષ્ય બનાવવા તૈયાર નહોતું. જગતગુરુ રામાનંદજી પ્રત્યે તેને અદમ્ય ઇચ્છા હતી કે તેને શિષ્ય બનાવે ને કોઇ ગુરુમંત્ર આપે પણ રામાનંદજીએ પણ અનિચ્છા દર્શાવતા એક વાર વહેલી સવારે નદીકિનારાના ઘાટની સીડીઓ પર સૂઇ ગયા. ગુરુ રામાનંદજી વહેલી સવારે નદીમાં સ્નાન કરવા આવ્યા તો વહેલી સવારના અંધકારમાં કબીરજી દેખાયા નહીં અને તેના પર પગ પડી જતા તે રામ રામ બોલી ઊઠ્યા. કબીરજીએ રામાનંદજીના ચરણનો તેને સ્પર્શ થયો છે તેને સદ્દભાગ્ય સમજી ઉચ્ચારાયેલા રામ રામ શબ્દને ગુરુમંત્ર સમજી સ્વીકારી લીધો. જો કે કબીરશિષ્યો કે કબીરપંથના ઘણા લોકો માને છે કે કબીરજીના કોઇ ગુરુ હતા જ નહીં.
કબીરસાહેબે ઘણી ગદ્ય-પદ્ય રચનાઓ કરી પણ તેઓ નિરક્ષર હતા. કલમ ક્યારેય હાથમાં નહોતી પકડી પણ તેના અદ્દભુત જ્ઞાનનો પ્રકાશ એટલો તેજોમય હતો કે તેના અનેક શિષ્યો થયા. તેના પ્રિય શિષ્ય ધર્મદાસે કબીરસાહેબે ઉચ્ચારેલી એક-એક વાતને શબ્દ સ્વરૂપે કાગળ પર ઉતારી. કબીર -બીજક તરીકે ખ્યાત ગ્રંથ 3 ભાગમાં છે. સાખી, સબદ અને રમૈની એમ 3 વિભાગમાં કબીર સાહેબનું જ્ઞાન ગદ્ય-પદ્ય સ્વરૂપે સચવાયેલું છે. કેટલાક શિષ્યોએ મળી કબીર-પંથની સ્થાપના કરી અને કબીરસાહેબનું જ્ઞાન વધુ ને વધુ લોકો સુધી પહોંચે એટલે દેશના વિવિધ પ્રાંતોમાં કબીર-મંદિરોની સ્થાપના પણ કરાઇ.
સુરતમાં રામપુરા વિસ્તારના રામબાગ ખાતે આવેલ કબીર મંદિર એ 350થી વધુ વર્ષો જૂની કબીરસાહેબની ગાદી છે. કબીર જયંતીની ઉજવણી ઉપરાંત પણ અહીં પ્રતિ વર્ષ હોળીના તહેવાર પર સત્સંગ, ચૌકા આરતી અને ભવ્ય ભંડારાનું આયોજન થાય છે પણ આ વર્ષે હોળી-ધૂળેટી નિમિત્તે અને હાલની ગાદી સંભાળતા મહંત તુલસીદાસજીના પરદાદા પ.પૂ. 108 મહંત શ્રી જીવણદાસજી સાહેબના બ્રહ્મલીન થયાને 100 વર્ષ થાય છે તે નિમિત્તે તેમની યાદમાં શતાબ્દી મહોત્સવનું ભવ્યાતિભવ્ય આયોજન કરાયું છે. આરતી, યજ્ઞ, સેવા, સંતવાણી અને ભંડારા જેવા વિવિધ કાર્યક્રમો તા. 3જી માર્ચથી 6ઠ્ઠી માર્ચ સુધી એમ 4 દિવસ યોજાશે.
આ ધાર્મિક આયોજન માટે રાજ્યના મુખ્યમંત્રીને પણ નિમંત્રિત કરાયા છે. જે 4 દિવસમાંથી એક દિવસ હાજરી આપશે એવું આશ્વાસન મળેલ છે. પણ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલ, રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી, સાંસદ દર્શનાબેન જરદોશ, મેયર હેમાલીબેન બોઘાવાલા ઉપરાંત અનેક ધારાસભ્યો અને નગરસેવકોની ઉપસ્થિતિ આ ચાર દિવસીય કાર્યક્રમની શોભા વધારશે.
કાર્યક્રમ ધાર્મિક હોય ત્યારે સંતોની હાજરી તો અવશ્ય હોય જ. આ શતાબ્દી મહોત્સવમાં આશીર્વાદ અને શુભેચ્છા પાઠવવા હરિધામ, સોખડાથી પ્રેમસ્વરૂપદાસજી, બગદાણાથી મનજીબાપા, જોધલપીર-કેસરડીના ગાદીપતિ મહંત ગોરધનદાસ બાપુ, બરોડા કબીરમંદિરના પ્રીતમદાસજી સાહેબ, લાલદરવાજા-સુરતના નારાયણ મઠના વિશ્વેસ્વરાનંદજી મહારાજ, લંકાવિજય હનુમાન મંદિર-કતારગામના સીતારામદાસજી મહારાજ, ભારત સેવાશ્રમના અંબરીષાનંદજી મહારાજ, ઓલપાડના કાનદાસજી બાપુ, ઝાંઝરકા-સવૈયાનાથ ધામના શંભુનાથજી ટુંડિયા મહારાજ, રામમઢી-સુરતના મૂળદાસજી બાપુ, જોધલપીર-કસાદના મનસુખદાસ બાપુ, અલખધામ-ગંગાધરાના ધર્મેન્દ્રદાસજી મહારાજ, સગરામપુરા કબીરમંદિરના મહંત દેવેન્દ્રદાસજી સાહેબ, દાલમીયા શેરી કબીરમંદિરના મહંત ભજનદાસજી સાહેબ અને અનેક એવા પૂજનીય સાધુ-સંતોની હાજરી કાર્યક્રમને દૈદિપ્યમાન બનાવશે.
રામપુરા રામબાગ ખાતેના કબીર મંદિરના મહંત તુલસીદાસજી અને જય મહંતે આ ભવ્ય આયોજનનો ધર્મલાભ લેવા નાત-જાતના ભેદભાવ વગર ભાવિકોને નિમંત્રિત કરે છે. 4 દિવસના આ ધાર્મિક શતાબ્દી મહોત્સવમાં રોજ સાંજથી પ્રારંભાતા ઉત્સવમાં પ્રથમ દિવસે તા. 3ને શુક્રવારે આરતી, યજ્ઞ, ભજન, સત્સંગ અને ભંડારો હશે તો તા. 4થીને શનિવારે મહંત જીવણદાસજીના જીવન આધારિત પુસ્તક અને ડોક્યુમેન્ટરીનું લોન્ચીંગ ઉપરાંત ભંડારો અને ખૂબ જ જાણીતા કીર્તિદાન ગઢવીનો સંતવાણી ડાયરો રાત્રે યોજાશે. 5મીને રવિવારે વૃધ્ધાશ્રમ અને વિકલાંગ બાળકો માટે સેવાદિવસ, સત્સંગ અને ભંડારો આયોજીત છે તો સોમવારે તા. 6ઠ્ઠીના રોજ હોળી પર્વની ઉજવણી સાથે આરતી, યજ્ઞ, સત્સંગ અને ભંડારો આયોજીત કરાયેલ છે.