નવી દીલ્હી: (Delhi) સંસદના શિયાળુ સત્રના પ્રથમ દિવસે જ વિપક્ષના 12 સાંસદોને રાજ્યસભામાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સસ્પેન્ડ કરાયેલા સાંસદોમાં કોંગ્રેસ (Congress)ના 6, ટીએમસી (TMC) તથા શિવસેનાના 2-2 જ્યારે સીપીએમ (CPM) અને સીપીઆઈ (CPI) ના એક-એક સાંસદનો સમાવેશ થાય છે. આ 12 સાંસદો સમગ્ર સત્રમાં પરત ફરી શકશે નહીં. રાજયસભા(Rajyasabha)ના શિયાળુ સત્રના પ્રથમ સપ્તાહનાં પ્રથમ દિવસે એટલેકે સોમવારનાં (Monday) દિવસે રાજયસભાના ઉપસભાપતિએ આ નામો જાહેર કર્યા હતા કે જેમને સસ્પેન્ડ (Suspended) કરી દેવાની યાદીમાં સમાવિષ્ટ કરાયા હતા.
સંસદના શિયાળુ સત્રમાંથી જે લોકોને સસ્પેન્ડ કરાયા છે તેમાં ફૂલો દેવી નેતામ, છાયા વર્મા, રિપુન બોરા, રાજમણિ પટેલ, સૈયદ નાસિર હુસૈન, અખિલેશ પ્રસાદ સિંહનો સમાવેશ થાય છે કે જે કોંગ્રેસ પાર્ટીનું સાંસદ સભ્યપદ ધરાવે છે. ડોલા સેન અને શાંતા છેત્રી કે જે મમતા બેનર્જીની પાર્ટીમાં જોડાયેલ છે. સાથે પ્રિયંકા ચતુર્વેદી અને અનિલ દેસાઈ કે જે શિવસેનાની પાર્ટીમાં સાંસદ સભ્યનું સભ્યપદ ધરાવે છે. CPM માંથી એલારામ કરીમ અને CPI માંથી બિનોય વિશ્વમને સસ્પેન્ડ કરાયા છે. સાથે જ ગૃહની કાર્યવાહી આવતીકાલ સુધી સ્થગિત કરી દેવામાં આવી છે.
સંસદીય કાર્યમંત્રી પ્રહ્લાદ જોશીના જણાવ્યા મુજબ આ સાંસદોએ રાજ્યસભાના 254માં સત્રના છેલ્લા દિવસે એટલે કે 11 ઓગસ્ટના રોજ જે હિંસક વર્તન કર્યું કે જેમાં તોઓએ સુરક્ષાકર્મીઓ પર જાણીજોઈને હુમલો કર્યો હતુ, ગૃહના કર્મચારીઓ સામે મુકવામાં આવેલા ટેબલ પર ચડી ગયા હતા, અધ્યક્ષનું અપમાન કર્યું હતું, ગૃહના નીતિ-નિયમોને ગૂંચવી નાંખ્યા હતા અને કાર્યવાહીમાં અવરોધ ઉભો કર્યો હતો. આ કારણોને લીધે તેઓને સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે. આ નિર્ણય અંગે પ્રિયંકા ચતુર્વેદી કે જે શિવસેનાના સાંસદ સભ્ય છે તેમણે જણાવ્યું કે અમારો પક્ષ જાણ્યા વગર આ અંગે કાર્યવાહી કરવામાં આવી છે.
આ સસ્પેન્શનના નિર્ણયને લઈ વિપક્ષી પાર્ટીઓએ આવતીકાલે મલ્લિકાર્જુન ખડગેના કાર્યાલયમાં રાજ્યસભામાં એલઓપી પર એક બેઠક બોલાવી છે. વિપક્ષે એક સંયુક્ત નિવેદન જારી કરીને કહ્યું છે કે સરકારના સરમુખત્યાશાહી નિર્ણયનો વિરોધ કરવા તેમજ સંસદીય લોકશાહીનું રક્ષણ કરવા માટેના ભાવિ પગલાં અંગે વિચારણાં કરવા રાજ્યસભામાં વિરોધ પક્ષોના નેતાઓ આવતીકાલે મળશે.
જણાવી દઈએ કે ત્રણ કૃષિ કાયદાઓ તેમજ બીજા અન્ય કારણો અને હંગામાંઓને લીધે લોકસભામાં 22 ટકા તો રાજયસભામાં 28 ટકા જ કામ પૂર્ણ્ર થઈ શકયું છે. પ્રધાનમંત્રીએ સંસદ ભવન પરિસરમાં મીડિયાને સંબોધીને જણાવ્યું હતું કે સંસદમાં સવાલ પણ હોય અને સંસદમાં શાંતિ પણ હોય. અમે ઈચ્છીએ છીએ કે સંસદમાં સરકાર વિરુદ્ધ, સરકારની નીતિઓ વિરુદ્ધ, જેટલો અવાજ મજબૂત થવો જોઈએ એટલો થાય, પરંતુ સંસદની ગરિમા, અધ્યક્ષ તથા આસનની ગરિમા, આ બધા વિષયનું આપણે આચરણ કરીએ, જે આવનારા દિવસોમાં દેશની યુવા પેઢીને કામ લાગે.