ટી20 વર્લ્ડકપ-2026ની ફાઈનલમાં સ્થાન મેળવવા માટે આજે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે બીજી સેમિફાઈનલ મેચ રમાઈ રહી છે. ટોસ સમયે ઈંગ્લેન્ડના કેપ્ટન હેરી બ્રુકે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ભારત તરફથી બેટિંગની શરૂઆત સારી રહી. ટીમ ઈન્ડિયાએ 9.3 ઓવરમાં 2 વિકેટના નુકસાન પર 117 રન બનાવી લીધા છે. હાલ સંજુ સેમસન અને શિવમ દુબે ક્રિઝ પર છે અને ટીમનો સ્કોર ઝડપથી આગળ ધપાવી રહ્યા છે.
વિકેટકીપર-બેટ્સમેન સંજુ સેમસને આ મેચમાં પણ શાનદાર ફોર્મ જાળવી રાખતાં સતત બીજી મેચમાં અડધી સદી ફટકારી છે. તેણે એક શાનદાર છગ્ગા સાથે પોતાની ફિફ્ટી પૂર્ણ કરી અને ભારતીય ઈનિંગ્સને મજબૂત આધાર આપ્યો. બીજી તરફ, ઈશાન કિશને પણ સારો હાથ અજમાવ્યો હતો, પરંતુ 39 રન બનાવ્યા બાદ આદિલ રશીદની બોલિંગ પર વિલ જેક્સના હાથે કેચ આઉટ થયો. તેની સાથે સંજુ સેમસન સાથેની 97 રનની મહત્વપૂર્ણ ભાગીદારીનો અંત આવ્યો. ઓપનર અભિષેક શર્મા આ મેચમાં ફરી એકવાર મોટી ઈનિંગ્સ રમવામાં નિષ્ફળ રહ્યો. તેણે માત્ર 9 રન બનાવ્યા બાદ ઓફ સ્પિનર વિલ જેક્સની બોલિંગમાં પોતાનો વિકેટ ગુમાવ્યો. ઉલ્લેખનીય છે કે ગઈકાલે 4 માર્ચે રમાયેલી પ્રથમ સેમિફાઈનલમાં ન્યૂઝીલેન્ડે દક્ષિણ આફ્રિકાને હરાવીને ફાઈનલમાં સ્થાન મેળવી લીધું છે. હવે આજની મેચમાં જીતનાર ટીમ 8 માર્ચે ન્યૂઝીલેન્ડ સામે ફાઈનલમાં ટક્કર આપશે.