Dakshin Gujarat Main

ચાલુ પત્રકાર પરિષદમાંથી ભરૂચ સી-ડિવિઝને નાટ્યાત્મક ધરપકડ કરાતાં સન્નાટો છવાઈ ગયો

ઝઘડિયા, ભરૂચ, અંકલેશ્વર, વાલિયા: ઝઘડિયાના ધારોલીના સભાસદે ગણેશ સુગર (Ganesh sugar)ના માજી ચેરમેન, એમડી, ચીફ એકાઉન્ટન્ટ સહિત આઠ સામે અંદાજે રૂ.૮૫ કરોડની એકબીજાના ફાયદા માટે ઉચાપત (cheating) મામલે વાલિયા પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીનો ગુનો નોંધવામાં આવ્યો હતો. ઉચાપત બાબતે સંદીપ માંગરોલા (Sandip mangrola)એ સોમવારે ભોલાવ પત્રકાર પરિષદ (press conference) રાખતાં ભરૂચ સી-ડિવિઝને તેમની નાટ્યાત્મક રીતે ધરપકડ (arrest) કરાતાં સુગર વર્તુળોમાં ભારે સન્નાટો છવાઈ ગયો હતો.

ભરૂચ ઝાડેશ્વર તવરા રોડ પર એ-૧૫૮, શ્રીરંગ ટાઉન-૨ સોસાયટીમાં રહેતા પુષ્પેન્દ્રસિંહ ઇન્દ્રસિંહ સુણવા (મૂળ રહે., ધારોલી, તા.ઝઘડિયા) ગણેશ સુગરનો સભાસદ છે. સને-૨૦૦૮-૦૯થી ૨૦૧૯-૨૦ના સમયગાળામાં સંસ્થાના ચેરમેનપદે સુરજીતસિંહ ઉર્ફે સંદીપસિંહ અમરસિંહ માંગરોલા હતા. ગણેશ સુગરમાં ખાંડનો ઓર્ડર લેતી વેળા સો ટકા એડ્વાન્સ રકમ કે RTGS સંસ્થાના ખાતામાં કરવાના હોય છે. અભિરાજ એજન્સી સુરજીતસિંહ માંગરોલા તેમના પિતાના નામે અમરસિંહ માંગરોલાના નામે નોંધાયેલી છે. સંસ્થા પાસેથી અભિરાજ એજન્સીએ તા.૨૪/૯/૨૦૧૮ના રોજ રોજ કુલ ૧૭૦ ખાંડની બોરી કુલ કિંમત રૂ.5,30,145 ઉધાર લઇ ગયા હતા. જે-તે દિવસે ખાંડનો જથ્થો ઝઘડિયા બ્રિટાનીયા ઇન્ડસ્ટ્રીઝને રૂ.૩૦૧૫ના ભાવે રૂ.5,38,170માં વેચી દીધો હતો. તા.૨૫/૮/૨૦૧૮ના રોજ ૨૮૯ બોરી જેનો ભાવ રૂ.૨૫૫૦ લેખે રૂ.૭.૪૯.૭૦૦ અભિરાજ એજન્સીને ખાંડ લઈને મહેશ એન્ટરપ્રાઈઝને એક દિવસે એટલી ખાંડની બોરી રૂ.૨૫૭૫ના ભાવે રૂ.૭,૫૭,૦૫૦માં વેચી દીધી હતી. સુરજીતસિંહ માંગરોલા અને મહેશ એન્ટરપ્રાઈઝ, અમદાવાદ સાંઠગાંઠ કરી સંસ્થાની નિયમ વિરુદ્ધ છ કરોડ ઉધાર ખાંડ આપી હતી.

તા.૧૯/૧/૨૦૧૮ના રોજ કિંજલ પ્રા.લિ.અંકલેશ્વરને પ્રતિ ટનના ૫૦૦ પ્રમાણે ૩૦૦ મેટ્રિક ટન ઉધાર ગણેશ સુગરમાંથી વેચાણ કર્યું હતું. જેનાથી આશરે ૧૫ લાખ જેટલું નુકસાની ભોગવવાનો વારો આવ્યો હતો. તા.૨૯/૬/૨૦૧૯ના રોજ મહેસાણા ડિસ્ટ્રિક્ટ મિલ્ક પ્રોડક્ટ યુનિયન (દૂધસાગર ડેરી) ૧ ટન મોલાસીસના રૂ.૧૩૫૦૦ કુલ ૧૦ હજાર મેટ્રિક ટન આપ્યું હતું. એ જ પ્રમાણે કિંજલ કેમિકલ ઝઘડિયાને પ્રતિ ટન રૂ.૧૦ હજાર પ્રમાણે ઓફર સેલ લેટર ૫૦૦૦ મેટ્રિક ટન મોલાસીસ આપ્યો હતો. જેનાથી રૂ.૩૫૦૦ ઓછા આવતાં કિંજલ કેમિકલથી મોલાસીસમાં રૂ.૧.૭૫ કરોડ મોટું નુકસાન પહોંચાડ્યું હતું.

આ બાબતે તત્કાલીન ચેરમેન સુરજીતસિંહ માંગરોલા, તત્કાલીન એમડી-બનેસિંહ ડોડિયા, તત્કાલીન ચીફ એકાઉન્ટન્ટ નરપતસિંહ સોલંકી, ગણેશ સુગરનો વહીવટી કર્મચારીઓ, અભિરાજ એજન્સીના માલિક, કિંજલ કેમિકલ્સ અંકલેશ્વર-ઝઘડિયાના માલિક, મહેશ એન્ટરપ્રાઈઝના માલિક, યુનિયન બેંક ઓફ ઇન્ડિયાના તત્કાલીન મેનેજર તેમજ કર્મચારી તેમજ તપાસ દરમિયાન તમામ આરોપીઓ સામે ગણેશ સુગર ફેક્ટરીના તમામે પોતાના અંગત ફાયદા માટે ષડ્યંત્ર રચી અંદાજે રૂ.૮૫ કરોડનું આર્થિક કૌભાંડ કરતાં વાલિયા પોલીસ સ્ટેશનમાં વિશ્વાસઘાત સાથે છેતરપિંડીનો ગુનો નોંધવામાં આવ્યો હતો.

સત્તાના જોરે રાજકીય અને સહકારી રાજકારણ પૂરું કરવાનું કાવતરું : સંદીપ માંગરોલા

ભોલાવ ગેસ્ટ હાઉસમાં સંદીપ માંગરોલાએ જણાવ્યું હતું કે, હાલમાં અમારા પર થયેલા FIRમાં જે આક્ષેપો એ નવા નથી. અનેક રજૂઆતો બાદ સરકારી મશીનરી ઇન્ક્વાયરી બાદ કોઈ પરિણામ મળ્યું નથી. માત્ર સત્તાનો દુરુપયોગ કરીને લોકોમાં સંદીપ માંગરોલાનું રાજકીય અને સહકારી રાજકારણ કેવી રીતે પૂરું થાય એની પાછળ લાગેલા છે. પોલીસ વિભાગ પણ ક્યારેક કોઈ ગુનો બન્યો હોય ત્યારે ફરિયાદ દાખલ કરવા માટે જાય તો પોલીસ અધિકારીઓ અરજદારને કહે કે અરજી આપી જાવ. તપાસમાં તથ્ય જણાશે તો FIR કરીશું.

ભાજપ સરકારના ઈશારે ખેલ ખેલાઈ રહ્યો હોવાનો તેઓએ આક્ષેપ કરી તેમની સામે ફરિયાદમાં મુકાયેલા તમામ આરોપ પાયાવિહોણા હોવાનું કહ્યું હતું.

Most Popular

To Top