વલસાડ : વલસાડ (Valsad) શહેરના ગૌરવ પથ પર તાજેતરમાં શરૂ થયેલા સેમસંગ શો રૂમને (Samsung Show Room) પાલિકાએ આજે સવારે સીલ (Seal) કરી દેતાં શહેરમાં ભારે ખળભળાટ મચી ગયો હતો. છેલ્લા કેટલાક દિવસથી ટેક્સના (Tax) મુદ્દે પાલિકાએ મિલકતો સીલ કરવાનું શરૂ કર્યું હતુ, પરંતુ આ શો રૂમ રેસિડન્સીયલ બાંધકામમાં વિના લાયસન્સે જ શરૂ કરી દેવાયો હોય તેને સીલ કરી દેવાયો હતો. જોકે, ત્યારબાદ તેને સાંજે ખુલ્લો કરી દેવાયો હતો.
વલસાડ ગૌરવ પથ પર આવેલા સેમસંગ કેર શો રૂમનું મકાન રેસિડેન્સિયલ પરવાનગી લઇ બંધાયું હતુ. આ બાંધકામમાં દુકાનો બનાવી દઇ તેમાં શોરૂમ શરૂ કરી દેવાયો હતો. 7 માસ અગાઉ શરૂ થયેલા આ શો રૂમના સંચાલકે પાલિકા પાસે કોઇપણ લાયસન્સ લીધું ન હતુ. વિના પરવાનગીએ મોટો શો રૂમ શરૂ કરી દીધો હતો. જે પાલિકાની નજરે આવતા પાલિકાએ તેને લેખિતમાં નોટિસ પણ ફટકારી હતી, પરંતુ સેમસંગ કેરનો સંચાલક આ નોટિસને ઘોળીને પી ગયો હતો. જેના પગલે પાલિકાએ આજે સવારે તેના શો રૂમને સીલ કરી દીધો હતો. ભરબજારમાં સવારના સમયે પાલિકાની આ કાર્યવાહીને લઇ શહેરમાં ભારે ખળભળાટ મચી ગયો હતો.
સેમસંગ જેવી ખ્યાતનામ કંપનીના શો રૂમ આ રીતે શરૂ થયો અને બંધ પણ થઇ જતાં તેને ફરીથી ખોલવવા શહેરના અનેક અગ્રણીઓ પાલિકામાં પહોંચી ગયા હતા. ત્યારે પાલિકાએ તેને લાયસન્સ ઇસ્યુ કરી તેના શો રૂમને ફરીથી ખોલી દીધો હતો. જોકે, તેની સાથે તેની પાસેથી એફિડેવીટ કરાવી રેસિડેન્સિયલ બાંધકામને કોમર્સિયલ કરવાની વાત કરી હતી.
રેસિડેન્સીયલ બાંધકામમાં કઇ રીતે લાયસન્સ ઇસ્યુ થયું
વલસાડ પાલિકાએ પહેલી વખત હિંમત કરી મોટા શો રૂમને સીલ કરવાની કાર્યવાહી હાથ ધરી હતી. જોકે, તેમની આ હિંમત સાંજ સુધીમાં તૂટી ગઇ હતી. સીલ કર્યા બાદ પાલિકા પર ભારે દબાણ આવતા તેમણે રેસિડેન્સિયલ બાંધકામની પરવાનગી વાળા મકાનમાં દુકાનનું તાબડતોબ લાયસન્સ ઇસ્યુ કરી દીધું હતુ. ત્યારે આખી ઘટનામાં પાલિકા મોટી રમત રમી ગયું હોય એવું લાગી રહ્યું છે.