નવી દિલ્હી: સપાના નેતા (Samajwadi party) આઝમ ખાનને (Azam Khan) ભડકાઉ ભાષણનાં કેસમાં કોર્ટે દોષિત જાહેર કર્યા છે. રામપુર કોર્ટે આઝમ ખાનને બે વર્ષની જેલ (Jail) અને અઢી હજાર રૂપિયાના દંડની સજા ફટકારી છે. આ કેસમાં આઝમ ખાનના વકીલ અને ફરિયાદ પક્ષ બંનેને કોર્ટે સાંભળ્યા હતા ત્યાર પછી આ નિર્ણય લેવામાં આવ્યો છે. હાલમાં આઝમ ખાન ન્યાયિક કસ્ટડીમાં (Judicial custody) છે.
આઝમ ખાન પર આરોપ હતો કે 18 એપ્રિલ 2019ના રોજ ધમારા ગામમાં એક જાહેર સભા દરમિયાન તેણે બંધારણીય પદ પર બેઠેલા લોકો વિરુદ્ધ વાંધાજનક ટિપ્પણી કરી હતી. તેમણે જે ભડકાઉ ભાષણ આપ્યું હતું તેનો વીડિયો પણ વાયરલ થયો હતો. જે બાદ ADO સહકારી અનિલ ચૌહાણે આઝમ ખાન વિરુદ્ધ શહઝાદનગરમાં કેસ દાખલ કર્યો હતો.
વિચાર-વિમર્શ બાદ પોલીસે કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી અને સુનાવણી બાદ શનિવારે આઝમ ખાનને ભડકાઉ ભાષણનાં કેસમાં દોષી ઠેરવવામાં આવ્યો હતો. આઝમ ખાન હાલમાં જ્યુડિશિયલ કસ્ટડીમાં છે અને કોર્ટે સજાના પ્રશ્ન પર બંને પક્ષોને સાંભળ્યા છે અને હવે કોર્ટે આઝમ ખાનને બે વર્ષની જેલ અને 2,500 રૂપિયાના દંડની સજા ફટકારી છે.
આઝમ ખાનની સુરક્ષા ખેંચી લેતા યુપીમાં રાજકારણ ગરમાયું હતું
સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ આઝમ ખાનની સુરક્ષાને લઈને ગત દિવસોમાં યુપીમાં રાજકારણ ગરમાયું હતું. આઝમ ખાનને આપવામાં આવેલી Y-કેટેગરીની સુરક્ષા સરકારે ગુરુવારે પાછી ખેંચી લીધી હતી. રામપુરના અધિક પોલીસ અધિક્ષક ડૉ. સંસાર સિંહે જણાવ્યું હતું કે સુરક્ષા મુખ્યાલયમાંથી પોલીસ અધિક્ષક તરફથી એક પત્ર મળ્યો છે, જેમાં કહેવામાં આવ્યું છે કે ‘વાય’ શ્રેણીની સુરક્ષા જાળવવાનો કોઈ અર્થ નથી.આ આદેશ બાદ ભૂતપૂર્વ ધારાસભ્ય આઝમ ખાનની સુરક્ષા પાછી ખેંચી લેવામાં આવી હતી. આના પર સપાએ ભાજપ પર આઝમ ખાનને હેરાન કરવાનો આરોપ લગાવ્યો હતો.
બીજી તરફ સપાના પ્રદેશ પ્રમુખ નરેશ ઉત્તમ પટેલે ભાજપ સરકાર પર વિપક્ષના નેતાઓ સાથે દુશ્મનાવટથી કામ કરવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું મોહમ્મદ આઝમ ખાનની સુરક્ષા હટાવવી દુર્ભાગ્યપૂર્ણ છે. જો કે જ્યારે આ અંગે ઘણો હોબાળો થયો ત્યારે તેમને ફરીથી Y-કેટેગરીની સુરક્ષા આપવામાં આવી હતી. રામપુર જિલ્લા મેજિસ્ટ્રેટ અને પોલીસ અધિક્ષકની ભલામણ પર આ સુરક્ષા તેમને પરત કરવામાં આવી હતી.