બાળ લગ્ન ભારતના સમાજમાં ફેલાયેલું એવું એક દૂષણ છે જેને અટકાવવાના પ્રયાસો સરકારી તેમજ ખાનગી રાહે 200 વર્ષ પહેલાથી ચાલી રહ્યાં છે પરંતુ હજી પણ તેને સફળતા મળી નથી. ભારત સમૃદ્ધ છે. સલામત છે. સુંદર છે. સોનાની ચિડિયા છે આ બધી વાત સાચી પરંતુ જ્યાં સુધી બાળ લગ્નનો ડાઘ ભારત દેશના દામન પરથી દૂર નહીં થાય ત્યાં સુધી બાકીના તમામ ઉપનામ કે વિશેષણનો કોઇ અર્થ રહી જતો નથી. દરેક રાજ્ય આ શરૂઆત કરવા માગે છે પરંતુ કેટલીક મોટી જ્ઞાતિ કે સમાજ એવા છે જે આ વાત કોઇ કાળે માનવા તૈયાર નથી.
કેટલાક પંથ પણ આ બાબત સ્વીકારવા તૈયાર નથી. મુંબઇ, દિલ્હી, ચેન્નઇ અને કોલકાતા જેવી મેટ્રો સિટીમાં પણ હજી આ બદી સંપૂર્ણપણે નાબૂદ નથી થઇ તો ગ્રામ્ય અને અંતરિયાળ વિસ્તારોની તો વાત જ શું પૂછવી. છેલ્લા કેટલાક સમયથી આ મુદ્દે આંશિક જાગૃતિ આવી છે પરંતુ તે પૂરતી નથી. જ્યારે તરૂણીને 14 કે 16 વર્ષે પરણાવી દેવામાં આવે છે ત્યારે તેનો શૈક્ષણિક વિકાસ રૂંધાઇ જાય છે. કાયદો પણ સગીર જો તેની મરજીથી શારીરિક સંબંધ બાંધે તો તેને બળાત્કાર જ ગણે છે. તો શા માટે બાળલગ્ન કરનાર અને કરાવનારા સામે પોક્સો હેઠળ કાર્યવાહી થવી નહીં જોઇએ? જો કે, કોઇ એક રાજ્યએ તો આ હિંમત કરી છે જે કાબિલે તારીફ છે. આસામમાં બાળ લગ્ન સામે સરકારે સમગ્ર રાજ્યમાં આકરી કાર્યવાહી શરૂ કરી દીધી છે. જે પણ લોકો બાળ લગ્ન પ્રતિબંધિત કાયદાનો ભંગ કરી રહ્યા છે તેમની ધરપકડ કરવામાં આવી રહી છે.
આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સર્માએ જણાવ્યું હતું કે બાળ લગ્નો સાથે જોડાયેલા આશરે બે હજાર જેટલા લોકોની ધરપકડ કરવામાં આવી છે. રાજ્ય સરકારે કહ્યું છે કે બાળ લગ્નોને સહેજ પણ નહીં ચલાવી લઇએ. આ સાથે જ આસામમાં ૧૪ વર્ષથી ઓછી વયની કિશોરીની સાથે લગ્ન કે નિકાહ કરનારા સામે પણ પોક્સો કાયદો લાગુ કરવામાં આવશે. જેથી આ મામલે વિવાદની શક્યતાઓ છે. આસામના મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે અમે પોલીસને આદેશ આપ્યો છે કે બાળ લગ્નોને કોઇ પણ સંજોગોમાં અટકાવવામાં આવે. બાળ લગ્નોનો ભોગ સૌથી વધુ બાળકીઓ બની રહી છે. તેમના જીવન સાથે ચેડા કરનારાઓને અમે છોડીશું નહીં.
આસામમાં છેલ્લા ૧૫ દિવસમાં બાળ લગ્નો સામેના ચાર હજારથી પણ વધુ કેસો નોંધાયા છે. જેની પોલીસ દ્વારા તપાસ શરૂ કરી દેવામાં આવી છે અને આરોપીઓ પછી માતા પિતા હોય તો પણ તેમની ધરપકડના આદેશ આપવામાં આવ્યા છે. આસામ સરકારે આદેશ આપ્યો છે કે જો રાજ્યમાં કોઇ પુરુષ ૧૪ વર્ષથી ઓછી વયની કિશોરીની સાથે લગ્ન કે નિકાહ કરશે તો તેની સામે પોક્સો કાયદા હેઠળ કાર્યવાહી કરવામાં આવશે. માની લઇએ કે જેમના બાળલગ્ન થાય તેમના માતા-પિતા તો અભણ છે પરંતુ લગ્ન કરાવનાર મૌલવીઓ, પાદરીઓ કે પુજારીને તો કાયદાનું સંપૂર્ણ જ્ઞાન હોય છે એટલે આસામ સરકાર તેમની સામે જે કાર્યવાહી કરી રહી છે તે પણ સરાહનીય છે.