SURAT

‘શેઠ પગાર આપતો નથી, ઘરે પત્ની પગાર માગે છે, ‘મને એવું ઇન્જેક્શન આપો કે હું મરી જાઉં’

સુરત(Surat): શહેરના લિંબાયત ખાતે રહેતા યુવકને શેઠે પગાર (Salary) નહીં આપતા ઘરમાં આર્થિક સંકડામણથી કંટાળેલા યુવકે મધરાતે ટ્રેન (Train) નીચે પડતું મુકી આપઘાતનો (Suiside) પ્રયાસ કર્યો હતો. યુવકને નવી સિવિલમાં (New Civil) ખેસડાતા તેણે તબીબોને મને એવું ઇન્જેક્શન (Injuction) આપો કે હું મરી જાઉ તેવું રટણ લગાવ્યું હતું. યુવક હાલ સારવાર હેઠળ છે.

નવી સિવિલના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ લિંબાયત છત્રપતિ શિવાજી નગરમાં રહેતો 30 વર્ષીય વિનોદ બાબુલાલ વૈદ્ય માર્કેટમાં ટેમ્પો ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે. તેને સંતાનમાં ત્રણ બાળકો છે. વિનોદ ભાડાના મકાનમાં રહેતો હોવાથી દર મહિને ભાડું સમયસર ચુકવવું પડે છે. પરંતુ છેલ્લા એકાદ મહિનાથી પગાર થયો નહીં હોવાને કારણે ભાડું પણ બાકી હતું. ઘર ચલાવવા પત્ની પૈસા માગે અને ઝઘડાના ઘર થાય. રાત્રે સાડા દસ વાગે વિનોદ આવું છું કહીને ગયા બાદ કલાકો સુધી પરત ઘરે નહીં આવતા તેની શોધખોળ શરૂ કરી હતી. ત્યારે મળસ્કે નવી સિવિલમાંથી તે ઇજાગ્રસ્ત હોવાનો ફોન આવતા પરિવારને જાણ થઈ હતી. અને તેઓ હોસ્પિટલમાં દોડી આવ્યા હતા. હોસ્પિટલમાં વિનોદ ડોક્ટર સામે સતત ‘મને એવું ઇન્જેક્શન આપો કે હું મરી જાઉં, મને મારી જ નાખો સાહેબ શેઠ પગાર નથી આપતો, ઘરે જાઉં તો પત્ની પગાર માગે છે, ઘરનું ભાડું ચૂકવવાનું પણ બાકી છે, મારે નથી જીવવું’ કહીને બૂમો પાડતો હતો. વિનોદની જમણા હાથની આંગળી કપાઈ ગઈ હતી, ડાબા પગમાં પણ ગંભીર ઇજા હતી. પગ બચાવવા તબીબોએ તાત્કાલિક ઓપરેશન માટે લઈ ગયા હતા. પોલીસે આ અંગે વધારે તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top