સુરત: એક દિવસ બાદ હોળી અને ધુળેટીનો તહેવાર છે. ત્યારે શહેર પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું. આ જાહેરનામા પ્રમાણે શહેરીજનો સોશિયલ ડિસ્ટન્સિંગથી હોળી પ્રગટાવી શકશે. પરંતુ સામૂહિક રીતે ધુળેટીની ઉજવણી ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.
હોળીના દિવસે લોકો હોળિકાદહન કરી પ્રદક્ષિણા કરે છે, બીજા દિવસે લોકો એકબીજા ઉપર રંગો ઉડાડી ધુળેટીની ઉજવણી કરે છે. ધુળેટીના દિવસે ફાર્મ હાઉસ, પાર્ટી પ્લોટ તેમજ સોસાયટીના કોમન પ્લોટ ઉપર જાહેર કાર્યક્રમ રાખવામાં આવે છે. પરંતુ હાલમાં કોરોનાની મહામારી વચ્ચે શહેર પોલીસ દ્વારા ધુળેટીની ઉજવણી ઉપર પ્રતિબંધ મૂકી દેવાયો છે. આ ઉપરાંત હોળીના તહેવારમાં પણ સોશિયલ ડિસ્ટન્સ રાખી હોળીકાદહનને લઇ પણ પોલીસે જાહેરનામું બહાર પાડ્યું છે. પોલીસે બહાર પાડેલા જાહેરનામા મુજબ શહેરમાં હોળીના તહેવાર દરમિયાન પરંપરાગત રીતે મર્યાદિત સંખ્યા સાથે હોળી પ્રગટાવી શકશે. હોળી પ્રદક્ષિણા સાથે ધાર્મિક વિધિ પણ કરી શકાશે. પરંતુ હોળી દહનના કાર્યક્રમ દરમિયાન ભીડ એકત્રિત ન થાય તથા કોરોના સંબંધમાં પ્રવર્તમાન ગાઈડ લાઈનનું ચુસ્તપણે પાલન થાય એ અંગે આયોજકોએ તકેદારી રાખવાની રહેશે.
ધુળેટીના દિવસે જાહેરમાં ઉજવણી અને સામૂહિક કાર્યક્રમ કરી શકાશે નહીં
હોળી-ધુળેટીના તહેવારો દરમિયાન કોઈ પણ વ્યક્તિએ જાહેર જગ્યાએ આવતા-જતા રાહદારીઓ ઉપર અથવા મકાનો, મિલકતો, વાહનો ઉપર તેમજ વાહનોમાં જતા-આવતા નાગરિકો ઉપર કાદવ, કીચડ, રંગ અથવા રંગમિશ્રિત કરેલા પાણી, તૈલી તથા આવી બીજી કોઈ વસ્તુઓ નાંખવી નાંખવી નહીં. તહેવાર દરમિયાન પૈસા(ગોઠ) ઉઘરાવવા નહીં અથવા બીજા કોઈ ઈરાદાથી જાહેર રસ્તા ઉપર જતા રાહદારી, વાહનો રોકવા નહીં. હુકમનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.