અમદાવાદ: સાબરમતી નદીની (Sabarmati River) પાણીની (Water) ગુણવત્તામાં ભારે પ્રદૂષણ છે, અને સમગ્ર દેશમાં પ્રદુષિત નદીઓમાં તે બીજા ક્રમાંકે છે તેવું લોકસભામાં જળ મંત્રાલયનાં જવાબમાં સ્પષ્ટ થવા છતાં રાજ્ય સરકાર કે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ ગંભીર નથી. જળ, વાયુ પરિવર્તન-કલાઈમેટ ચેન્જના નામે મોટી મોટી વાતો કરનાર મોદી સરકાર વિકાસના નામે માનવ જિંદગી માટે મુશ્કેલરૂપ પ્રદૂષણ ફેલાવતા ઉદ્યોગો માટે રેડ કાર્પેટ પાથરી રહ્યાં છે. ગમે તેવો – ગમે તેટલો વિકાસ, માનવ જીંદગીના ભોગે કરવો એ કેટલા અંશે વ્યાજબી ? તેવો ગંભીર સવાલ પ્રદેશ કોંગ્રેસે (Congress) કર્યો હતો.
પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, GPCBમાં હપ્તા રાજ ચાલે છે. ભાજપ સરકારના પાપે સાબરમતી સહિત અનેક નદીનું પાણી પીવા લાયક નથી. ભાજપ ચૂંટણી જીતવા GPCBનો ઉપયોગ કરે છે. GPCBના કાવતરા અને કારનામાના પાપે આ હાલત છે. સરકાર વાયુ પ્રદૂષણ અને જળ પ્રદૂષણ રોકવામાં નાકામ છે. સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (CPCB)ના રિપોર્ટમાં ઉલ્લેખ થયો છે કે, સાબરમતીનું પાણી પીવાલાયક નથી રહ્યું. સાબરમતી નદીની સફાઈ માટે કરોડો રૂપિયાનો ખર્ચ થાય છે. તેમ છતાં પણ સાબરમતી નદીની આ દશા થઇ છે. ત્યારે સવાલ થાય કે ક્યાં ગયા સાબરમતી શુદ્ધિકરણના વચનો? આ રિપોર્ટમાં ગુજરાતની અન્ય ૧૨ નદીઓનો પણ સમાવેશ થયો છે. ભાદર,અમલખાડી, ભોગાવો, ભુખી ખાદી, દમણગંગા, ચાણોદ, કોઠાડા, ખારી, માહી કોટના, મિંધોલા, શેઢી, નિઝર, વિશ્વામિત્રીનો સમાવેશ થયો છે.
CPCBના રિપોર્ટ અનુસાર ચેન્નાઈની કૂમ નદીને દેશની સૌથી પ્રદૂષિત નદી તરીકે જાહેર કરવામાં આવી છે. જ્યારે ગુજરાતની સાબરમતી નદી બીજા નંબર પર છે. લોકસભામાં કેન્દ્રીય જળમંત્રાલયએ રિપોર્ટ રજૂ કર્યો છે. જળમંત્રાલયના રિપોર્ટમાં ગુજરાતની 13 નદી પ્રદૂષિત હોવાનો ઉલ્લેખ કરાયો છે. 13 દૂષિત નદીમાં નર્મદા અને સાબરમતી નદીનો સમાવેશ થાય છે. દેશની ટોપ 3 પ્રદૂષિત નદીમાં સાબરમતી નદી પણ સામેલ છે. અમદાવાદની સાબરમતી નદીમાં ભયંકર પ્રદૂષણ ફેલાયું છે, સાબરમતી નદીના પ્રદૂષણ મામલે હાઈકોર્ટે તંત્રની ઝાટકણી કાઢી હતી. નદીના શુધ્ધીકરણ માટે પાંચ વર્ષમાં ૩૦૦ કરોડ રૂપિયા જેટલી માતબર રકમ ખર્ચ કરવામાં આવી છે.
સાબરમતી નદી સહિતની કુદરતી નદીઓની આસપાસના વિસ્તારના લોકોનું આરોગ્ય સુધરે તે માટે પ્રદૂષણ અટકાવવા તાત્કાલિક સખ્ત કાર્યવાહી કરવી જોઈએ. એવી જાણકારી બોર્ડને હોવા છતાં કોઈ કાર્યવાહી ન કરવા બદલ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના જવાબદાર અધિકારીઓ સામે તાત્કાલિક પગલાં લેવા જોઈએ.