નવી દિલ્હી: તાજેતરમાં જેના કારણે રાજયભરની 17 જેટલી જેલોમા રાત્રીના સમયે તપાસહાથ ધરાઈ હતી તે યુપીના (UP) ગેંગસ્ટર અતીક અહેમદને લઈને હવે આજે યુપી પોલસની (Police) એક STFટીમ અમદાવાદના (Ahmedabad) સાબરમતી સેન્ટ્રલ જેલથી રવાના થઈ ચૂકી છે. બીજી બાજુ હવે મહાબાહુબલી ગેંગસ્ટર અતીક અહેમદને પોતાના એન્કાઉન્ટરનો ભય સતાવી રહયો છે. સાબરમતી જેલથી રવાના થતાં પેહલા જ અતીક અહેમદે કહ્યું હતુ કે હવે મને મારી જ હત્યાનો ભય સતાવી રહ્યો છે. આ ઉપરાંત તેણે કહ્યું હતું કે આ લોકો કોર્ટનો સહારો લઈ મારું એન્કાઉન્ટર કરી નાંખશે.
યુપી પોલીસની STF ટીમ અતીકને લઈ આવી પરત ફરી રહી છે. STFની આ ટીમમાં 45 પોલીસકર્મીઓ છે. આ પોલીસ કાફલામાં 6 વાહનો હોવાની જાણ મળી છે. અતીકે રોડ દ્વારા લઈ જવા સામે સુપ્રીમ કોર્ટમાં અરજી પણ કરી હતી. આ અરજીમાં અતીકે માંગણી કરી હતી કે તેને રોડ માર્ગે યુપી ન લઈ જવામાં આવે. કોર્ટ માફિયાની આ અરજી પર 28 માર્ચ મંગળવારના રોજ સુનાવણી થવાની હતી. જો કે તે પહેલા યુપી પોલીસ અતીકને લઈને પ્રયાગરાજ જવા રવાના થઈ ગઈ હતી.
જાણકારી મુજબ અતીકને યુપી લાવતી વખતે યુપીના ડેપ્યુટી સીએમ બ્રિજેશ પાઠકે સપા સુપ્રીમો અખિલેશ યાદવના નિવેદન પર પોતાનો જવાબ આપ્યો છે, જેમાં અખિલેશે કહ્યું હતું કે અતીકને લઈ જતી ગાડી પલટી જશે. ડેપ્યુટી સીએમ બ્રિજેશ પાઠકે કહ્યું, ‘અમે કોર્ટના આદેશનું પાલન કરી રહ્યા છીએ, કોર્ટ જે કહેશે તે થશે.’ અખિલેશના નિવેદન પર બ્રિજેશે કહ્યું કે આવી વાતોથી કોઈ ફરક નથી પડતો.
યુપીમાં આ રીતે પોલીસની નજર હેઠળ રહેશે અતીક
જાણકારી મળી આવી છે કે અતીક અહેમદને યુપીની જેલમાં હાઈ સિક્યોરિટી બેરેકમાં આઈસોલેશનમાં રાખવામાં આવશે. તેના સેલમાં સીસીટીવી કેમેરા હશે. જેલના કર્મચારીઓને તેમના રેકોર્ડના આધારે પસંદ કરવામાં આવશે અને તૈનાત કરવામાં આવશે અને તેમની પાસે બોડી વોર્ન કેમેરા હશે. પ્રયાગરાજ જેલ ઓફિસ અને જેલ હેડક્વાર્ટર 24 કલાક વીડિયો વોલ દ્વારા તેનું મોનિટરિંગ કરશે. પ્રયાગરાજ જેલમાં તમામ વ્યવસ્થા સુનિશ્ચિત કરવા માટે ડીઆઈજી જેલ હેડક્વાર્ટરને ત્યાં મોકલવામાં આવી રહ્યાં છે.
અતીક અહેમદ પાંચ વખત ધારાસભ્ય તથા એક વખત સાંસદ રહી ચૂકયો છે
અમદાવાદની સેન્ટ્રલ જેલની અંદર યુપીના ગેંગસ્ટર અતીક અહેમદને રાખવામાં આવ્યો હતો તે સમયે તેને ગેરકાયદે રીતે સગવડો આપવામાં આવી રહી હતી તેવી આંતરીક માહિતી જેલના જ પોલીસ કર્મીઓએ બહાર પાડી હતી. અતીક અહેમદ અગાઉ પાંચ વખત ધારાસભ્ય તથા એક વખત સાંસદ રહી ચૂકયો છે. સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર તેને અમદાવાદની સેન્ટ્રલ જેલમાં રખાયો છે. યુપીમાં બસપાના ધારાસભ્ય રાજુ પાલની હત્યાના એકમાત્ર સાક્ષી ઉમેશ પાલની ગત 24મી ફેબ્રુ.એ હત્યા કરી દેવાઈ હતી. ઉમેશ પાલ ૨૦૦૫માં પ્રયાગરાજમાં થયેલી બસપાના ધારાસભ્ય રાજુ પાલની હત્યાના કેસમાં મુખ્ય સાક્ષી હતા. રાજુ પાલની હત્યાના કેસમાં યુપીનો કુખ્યાત ગેંગસ્ટર કમ રાજકારણી અતિક અહમદ મુખ્ય આરોપી છે.
જાણો શું હતો મામલો જેના કારણે અતીકની ધરપકડ કરવામાં આવી
ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ઉમેશ પાલની બિલકુલ ફિલ્મી સ્ટાઈલમાં થયેલી હત્યાએ ખળભળાટ મચાવ્યો હતો. મશીનગનો સાથે ત્રાટકેલા છ હુમલાખોરોએ અંધાધૂંધ ગોળીઓ વરસાવીને અને બોમ્બ ફેંકીને માત્ર ૪૭ સેકન્ડમાં તો ઉમેશ પાલનો ખેલ ખતમ કરીને ફરાર થઈ ગયા હતા. ઉમેશ પાલની હત્યા બાદ યુપીના સીએમ યોગી આદિત્યાનાથે કહયું હતું કે ,” હમ માફિયાઓં કે ખિલાફ હૈં ઔર અતિક અહમદ કો મિટ્ટી મેં મિલા દેંગેં. ” યુપી પોલીસે તમામ દસ્તાવેજી પુરાવા એકત્ર કર્યા હતા. તે પછી અતીક અહેમદનો કબ્જો મેળવ્યો હતો. રાજકારણી ટર્ન ગેંગસ્ટર અતીક અહેમદને હવે યુપીની સ્પે.કોર્ટ સમક્ષ રજુ કરાશે.