Gujarat

સાબરમતી નદીને સંપૂર્ણ ખાલી કરાશે

અમદાવાદ : અમદાવાદના ટ્રાફિક માટે મહત્વપૂર્ણ ગણાતા સુભાષબ્રિજને તોડી તેના સ્થાને નવો અને આધુનિક બ્રિજ બનાવવાની મંજૂરી અમદાવાદ મનપા દ્વારા આપવામાં આવી છે. આશરે 235 કરોડ રૂપિયાના ખર્ચે બનનારો આ પ્રોજેક્ટ જાન્યુઆરી 2027 સુધીમાં પૂર્ણ કરી જનતા માટે ખુલ્લો મુકવાનો લક્ષ્ય રાખવામાં આવ્યો છે.

આ અંગે મળતી માહિતી મુજબ, બ્રિજનો સ્પાન બેસી જતાં તેને જોખમી જાહેર કરવામાં આવ્યો છે અને તેને તોડી પાડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આગામી 1 એપ્રિલથી 15 જૂન સુધીના અઢી મહિનાના સમયગાળા દરમિયાન સાબરમતી નદીને સંપૂર્ણપણે ખાલી રાખવામાં આવશે. વાસણાબ્રિજ ખાતે સિંચાઈ વિભાગ દ્વારા 30માંથી 18 દરવાજા બદલવા અને અન્ય દરવાજાઓનું રિપેરિંગ કરવાની કામગીરી હાથ ધરવામાં આવશે, જેના કારણે નદીનું પાણી છોડવામાં આવશે.

નદી ખાલી હોવાનો સીધો લાભ મનપાને મળશે. બ્રિજ તોડતી વખતે પડતો કાટમાળ નદીના પટમાં જમા કરી તેને સરળતાથી હટાવી શકાય તેવી કામગીરી કરાશે. સુભાષ બ્રિજ જૂની બેલેન્સ કેન્ટીલિવર પદ્ધતિથી બનાવવામાં આવ્યો હોવાથી તેના છ સ્પાન તોડવા માટે વિશેષ તકનીકી પદ્ધતિ તૈયાર કરવામાં આવી છે.

એપ્રિલ માસથી બ્રિજના ઉપરના સ્ટ્રક્ચરને તોડવાની કામગીરી શરૂ થશે અને નદી ખાલી હોય તે સમયગાળામાં જ ડિમોલિશનની પ્રક્રિયા પૂર્ણ કરી લેવામાં આવશે, જેથી ચોમાસા પહેલા નવા બ્રિજના પાયા નાખવાનું કામ શરૂ કરી શકાય. હાલમાં બ્રિજ આસપાસ સોઈલ ટેસ્ટિંગ અને માપણીની કામગીરી ચાલી રહી છે. નવા બ્રિજની ડિઝાઇન નક્કી કરવા માટે જમીનની ઊંડાઈ અને તેની ભાર સહન કરવાની ક્ષમતા અંગે વૈજ્ઞાનિક પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. કલેક્ટર ઓફિસ તરફના છેડેથી ટેસ્ટિંગની કામગીરી શરૂ થઈ ચૂકી છે.

વાસણા બેરેજ ખાતે ‘ડેમ સેફ્ટી’ હેઠળ થનારી મરામત અને સુભાષ બ્રિજનું નવનિર્માણ – આ બંને પ્રોજેક્ટ્સ એકસાથે ચાલવાના હોવાથી આ ઉનાળામાં સાબરમતી નદી લગભગ કોરી જોવા મળી શકે છે. મનપા દ્વારા એવી યોજના બનાવવામાં આવી છે કે નદીમાં ફરી પાણી ભરાય તે પહેલાં જોખમી બ્રિજનું સ્ટ્રક્ચર સંપૂર્ણપણે હટાવી લેવામાં આવે, જેથી ભવિષ્યમાં નવા બ્રિજના બાંધકામમાં કોઈ અવરોધ ન સર્જાય.

Most Popular

To Top